Select Page

ભાજપની ચુંટણી પહેલા લોભામણી લાલચો અને હવે ચુંટણી બાદ ઉઘાડી લુંટ સ્માર્ટ મીટરના નામે ગુજરાતીઓના ખીસ્સામાંથી કરોડો રૂપિયા ખંખેરવાનો કારસો

ભાજપની ચુંટણી પહેલા લોભામણી લાલચો અને હવે ચુંટણી બાદ ઉઘાડી લુંટ સ્માર્ટ મીટરના નામે ગુજરાતીઓના ખીસ્સામાંથી કરોડો રૂપિયા ખંખેરવાનો કારસો

તંત્રી સ્થાનેથી…
ભાજપના નેતાઓ એક તરફ ગરીબ અને જરૂરીયાતમંદની સરકારના દાવા કરી રહ્યા છે. જ્યારે પણ ચુંટણી આવે ત્યારે પ્રજાને ભરમાવતા લોભ અને લાલચોના ભાષણો કરવામાં આવે છે, પેટ્રોલ ડિઝલના ભાવ ઘટાડવામાં આવે છે અને ચુંટણી જેવી પુરી થાય ત્યારે પ્રજાના ખીસ્સા ખંખેરવાના કિમીયા અખત્યાર કરવામાં આવે છે. વેપારીઓ અને સરકારી નોકરીયાતો ઉપરના ટેક્ષેશનનો કોઈ માપ દંડ નથી. પ્રજા અનેક રીતે ટેક્ષ રૂપી ચાર્જ ચુકવી રહી છે. હમણા બે વર્ષ અગાઉ ફાસ્ટટેગના નામે લાખ્ખો વાહન ચાલકો પાસેથી કરોડો રૂપિયા ખંખેરી ભાજપે મળતીયાઓને લાભ કરી આપ્યો. ત્યારે હવે સ્માર્ટ મીટરના નામે દેશના કરોડો વિજ ગ્રાહકોના ખીસ્સા ખંખેરવાનો કારસો ભાજપ સરકારમાં રચાયો છે. ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ સ્માર્ટ મીટર નેશનલ પ્રોગ્રામ અંતર્ગત આખા ભારતના વર્તમાન કાર્યરત ૨૫ કરોડ વિજળી મીટરને સ્માર્ટ મીટરમાં રૂપાંત્તર કરવાનુ કાર્ય હાથ ધરવામાં આવ્યુ છે. જેમાં ગુજરાતના ૧.૬૪ કરોડ સ્માર્ટ પ્રી પેઈડ મીટર લગાવવાનો પ્રોજેક્ટ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફ્રી વિજળી આપવાની જાહેરાત કરી બીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી બન્યા. ત્યારબાદ ભાજપે બે મોઢાની વાત શરૂ કરી વિધાનસભાની ચુંટણીઓમાં અન્ય રાજ્યોમાં ફ્રી વિજળીના વચનો આપ્યા હતા. જ્યારે છેલ્લા ૨૭ વર્ષથી જે પ્રજાએ ભાજપ ઉપર વિશ્વાસ મુકીને ખોબલે ખોબલે મત આપ્યા તે ગુજરાતની પ્રજાને હવે સ્માર્ટ પ્રી પેઈડ મીટરના નામે લુંટવામાં આવી રહી છે. રાજ્યમાં વડોદરા, રાજકોટ, સુરત, સુરેન્દ્રનગર, જામનગર જ્યા પણ સ્માર્ટ મીટરો લગાવવાની શરૂઆત થઈ છે. ત્યા વ્યાપક ફરિયાદો થઈ રહી છે. જ્યા સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા તે મોટાભાગના વિજ ગ્રાહકોની ફરિયાદો છેકે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ બે માસનુ જે બીલ આવતુ હતુ તેનાથી વધારે રૂપિયા કપાય છે. રિચાર્જ જેવુ પતી જાય છે કે તુર્તજ લાઈટો બંધ થઈ જાય છે. વિજ મીટર ધરાવતા ગ્રાહકોમા ગરીબ અને મધ્યમ વર્ગના ગ્રાહકો વધારે છે. પહેલા વિજ બીલ આવ્યા બાદ ભરવા માટે થોડા ઘણા દિવસોનો સમય મળતો હતો. અત્યારની કારમી મોઘવારીમાં મધ્યમ અને ગરીબ વર્ગ માટે પરિવારનુ ગુજરાન ચલાવવુ મુશ્કેલ છે. ત્યારે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ ઘરની લાઈટો ચાલુ રહે તે માટે રિચાર્જ માટે ઉછીના પૈસા માગવા પડે તેવી પરિસ્થિતિ સામાન્ય પરિવારોમાં જોવા મળી રહી છે. સ્માર્ટ મીટરનુ રિચાર્જ સ્માર્ટ ફોન હોય તોજ કરી શકાય છે. ત્યારે ભારત સરકારે સ્માર્ટ મીટર નેશનલ પ્રોગ્રામ જાહેર કરતા એ વિચાર કર્યો નથી કે વિજ કનેક્શન ધરાવતા એવા ઘણા પરિવારો છેકે જેમની પાસે સ્માર્ટ ફોન નથી, સાદા મોબાઈલ ફોન વાપરે છે તે રિચાર્જ કેવી રીતે કરી શકશે. લોકસભાની ચુંટણીમાં ભાષણોમાં વિકસીત દેશોની સમકક્ષ દેશની ગણના કરવામાં આવી રહી છે. પરંતુ ભારત દેશમાં કરોડો લોકો ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે તેનો સ્માર્ટ મીટર યોજનાનો અમલ કરતા પહેલા વિચાર કર્યો નથી. એક તરફ સોલાર એનર્જી પ્રોડક્ટમાં વિશ્વના ત્રીજા નંબરના દેશની ગણના થઈ રહી છે, ત્યારે બીજી તરફ સ્માર્ટ મીટર લગાવી વિજ વપરાશ ઓછો થાય તેવા પ્રયત્નમાં સરકાર હોય તેમ જણાય છે. ગુજરાત રાજ્ય અને દેશના એવા ઘણા વિસ્તાર છેકે જ્યા વિજ ચોરી થાય છે. જ્યા વિજ ચોરી થતી હોય ત્યા સ્માર્ટ મીટર લગાવે તે યોગ્ય છે. પરંતુ તમામ વિજ ગ્રાહકોને ચોરીની દ્રષ્ટિએ જોઈ સ્માર્ટ મીટર લગાવવામાં આવે તે અતિશયોક્તી છે. સોલાર રૂફટોપ યોજનાનો જે ગ્રાહકોએ લાભ લીધો છે તે ગ્રાહકો માટે હજુ સ્માર્ટ મીટરની કોઈ નીતિ જાહેર કરવામાં આવી નથી. વિજ કંપનીના સબસ્ટેશનમાંથી મીટર સુધીની લાઈનમાં જે વિજળી આવે છે તેમાં ૪ થી ૫ ટકાનો લૉશ છે. જે લૉશ સ્માર્ટ મીટરથી પણ અટકવાનો નથી. ભાજપ સરકાર પોતાના માનીતા અને મળતીયાઓને લાભ કરાવવા સ્માર્ટ મીટર પ્રોજેક્ટ અમલમાં મુક્યો હોવાનો વિપક્ષ દ્વારા જે આક્ષેપ કરાયો છે તેમાં કંઈ ખોટુ નથી. સ્માર્ટ મીટર લગાવવાનુ જેને કામ સોપવામાં આવ્યુ છે તે Energy Efficiency Services Limited (EESL) ને પાંચથી છ વર્ષ અગાઉ પાલિકા વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટોમાં એલ.ઈ.ડી.લાઈટ લગાવવાનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. વિસનગર પાલિકાનીજ વાત કરીએ તો આ એજન્સીએ હલકી ગુણવત્તાની એલ.ઈ.ડી. લાઈટો લગાવી હતી. લાઈટ બગડી જતા માલ પણ પુરો પાડવામાં આવતો નહોતો. બે વર્ષ સુધી સ્ટ્રીટ લાઈટની અનેક સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. સંતોષકારક કામ નહી કરતા છેવટે પાલિકાએ જનરલમાં ઠરાવ કરી પાંચ વર્ષનો કોન્ટ્રાક્ટર બ્રેક કરીને શહેરની સ્ટ્રીટ લાઈટો હસ્તગત કરી હતી. પાલિકાએ બીલ નહી આપતા છેવટે સરકારે પાલિકાની ગ્રાન્ટમાંથી રૂા.૭૦ લાખ કાપી મળતીયા એજન્સીને બીલ ચુકવ્યુ હતુ. સરકારે તેમના મળતીયા એજન્સીને સ્માર્ટ મીટરનો કોન્ટ્રાક્ટ આપ્યો છે ત્યારે પાછળથી સર્વિસ કેવી મળશે તે પણ એક પ્રશ્ન છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us