Select Page

પાલિકા ઉપપ્રમુખની ગુનાહિત પ્રવૃત્તિઓનુ પાપ છાપરે ચડી પોકાર્યુ

પાલિકા ઉપપ્રમુખની ગુનાહિત પ્રવૃત્તિઓનુ પાપ છાપરે ચડી પોકાર્યુ

અસમાજીક તત્વોને પ્રોત્સાહન આપતા વિસનગર ભાજપની આબરૂ ખરડાઈ

  • ફરિદાબાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં રૂા.૨ કરોડ ૭ લાખની છેતરપીંડીના કેસમા વિષ્ણુજી ઠાકોરને હરિયાણા પોલીસે દબોચ્યો

વિસનગરમાં નાણાંકીય સંસ્થાઓમાં ગેરરીતી કરતા આર્થિક ગુનામા છેતરપીંડી અને વિશ્વાસઘાતના ગુના નોધાયા છે. પરંતુ રાજકીય પીઠબળ મેળવી અસમાજીક પ્રવૃત્તિમાં કોઈ નેતા વિરુધ્ધ છેતરપીંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોધાયો હોય તેવો પ્રથમ બનાવ બન્યો છે. રાજકીય લાભ ખાટવામાં અસમાજીક તત્વોને વિસનગરમાં જે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે તે સંસ્કારી નગરી માટે ચિંતાનો વિષય છે. પાલિકા ઉપપ્રમુખ ભાજપનો અઠવાડીયા પહેલાનો નેતા વિષ્ણુજી લવજીજી ઠાકોર વિસનગર અને વડનગર પંથકમાં શેરબજારના નામે ડબ્બા ટ્રેડીંગના ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો મુખ્ય સુત્રધાર હતો. આ ઠગ ટોળકીએ ફરિદાબાદના એક જાણીતા ર્ડાક્ટરને છેતરીને રૂા.૨,૦૭,૬૦,૦૦૦/- પડાવતા ફરિદાબાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોધાયો હતો. જેમાં વિસનગર પાલિકાના ઉપપ્રમુખ વિષ્ણુજી ઠાકોરનુ નામ ખોલતા હરિયાણા પોલીસે તેને દબોચતા વિસનગર ભાજપની આબરૂનુ ચીરહરણ થયુ છે. આ બનાવથી સમગ્ર ભાજપ વગોવાયુ છે.
વિસનગર અને વડનગર પંથકમાં શેરબજારમા રોકાણ કરી નફો કમાવી આપવાની ટીપ્સ આપી ડબ્બા ટ્રેડીંગનો ગેરકાયદેસર વેપાર ફૂલ્યો ફાલ્યો છે. જેમાં કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ જોયા જાણ્યા કે સમજ્યા વગર મતના લાભની રાજનીતિમા અગાઉ દારૂના ધંધામાં પકડાયેલ આથમણા વાસના વિષ્ણુજી લવજીજી ઠાકોરને નેતા બનાવી દેતા આ નેતા પંથકના ડબ્બા ટ્રેડીંગનો મુખ્ય સુત્રધાર બની ગયો હતો. વિસનગરમાં ચાલતા ડબ્બા ટ્રેડીંગ વિરુધ્ધ દેશના વિવિધ રાજ્યોમાં ગુના નોધાયા છે. ડબ્બા ટ્રેડીંગ ચલાવતા અસમાજીક તત્વોએ અનેક લોકોને છેતરી પૈસા પડાવ્યા છે. જેમાં હરિયાણા રાજ્યના ફરિદાબાદ શહેરના જાણીતા ર્ડાક્ટર ર્ડા.નરેન્દ્રકુમાર આત્મારામ ગોયલ પાસેથી શેરબજારમાં નફો કરાવી આપવાની લાલચ આપી રૂા.૨ કરોડ ૭ લાખ ૬૦ હજાર પડાવતા ર્ડાક્ટર દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. આ બાબતની ફરિદાબાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં તા.૨૪-૧૧-૨૦૨૩ ના રોજ એફ.આઈ.આર.નં.૪૭ થી આઈ.પી.સી. કલમ ૪૨૦, ૧૨૦ બી અને ૨૦૪ મુજબ ગુનો નોધાયો હતો. આ ગુનાની તપાસમાં ર્ડાક્ટરે ઓનલાઈન નાણા જે એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા તે ખાતેદારો વિસનગર અને વડનગરના હોવાનુ હરિયાણા પોલીસને જણાયુ હતુ. હરિયાણા પોલીસ છેતરપીંડીના આ કેસની તપાસમાં છેલ્લા પાંચ મહિનાથી વિસનગર આંટા મારતી હતી. જેમા જાણવા મળ્યા પ્રમાણે પાલિકા ઉપપ્રમુખ વિષ્ણુજી ઠાકોરજ બધા સેટીંગ કરી આપતો હતો. પરંતુ પોલીસને ખબર નહોતી કે ડબ્બા ટ્રેડીંગનો મુખ્ય સુત્રધાર વિષ્ણુજી ઠાકોર હતો. આ ગુનામાં હરિયાણા પોલીસે વિસનગર અને વડનગરના ૧૧ આરોપીઓની ધરપકડ કરી હતી. છેલ્લે તા.૨૦-૫-૨૦૨૪ ના રોજ આથમણા વાસનો અલ્પેશ ઉર્ફે કચુ કરશનજી ઠાકોર તથા સંજયજી અમૃતજી ઠાકોરની હરિયાણા પોલીસે ધરપકડ કરી રીમાન્ડ દરમ્યાન પુછપરછ કરતા પાલિકા ઉપપ્રમુખ વિષ્ણુજી લવજીજી ઠાકોરનુ છેતરપીંડીના આ કેસમાં નામ ખુલ્યુ હતુ. પ્રથમ તો પાલિકાનો ઉપપ્રમુખ ભુગર્ભમાં ઉતરી ગયો હતો. હરિયાણા પોલીસ વિસનગરમાંજ હતી અને ઉપપ્રમુખ ઉપર વૉચ રાખીને બેઠી હતી. પોતે પાલિકાનો ઉપપ્રમુખ છે, ભાજપનો નેતા છે અને ઉપર સુધી પહોચ છે તેવા વહેમમા ફરતો તેમજ રાજકીય પીઠબળ ધરાવતા આ અસમાજીક તત્વને તા.૨૫-૫-૨૦૨૪ ને શનિવારના રોજ હરિયાણા પોલીસે દબોચ્યો હતો. હરિયાણા પોલીસને એ પણ શક છેકે તેમની સાથે જે સંપર્કમાં છે તે પણ આ ગુનામાં સંડોવાયા છે. ડબ્બા ટ્રેડીંગના આ કેસમા હજુ પાંચ થી છ આરોપીઓની ધરપકડ થવાની બાકી છે. પાલિકા ઉપપ્રમુખ વિષ્ણુજી ઠાકોરની ધરપકડ કરી ફરિદાબાદ કોર્ટમાં રજુ કરતા પોલીસે ૬ દિવસના રીમાન્ડ આપ્યા હતા.
ભારતીય જનતા પાર્ટી પાસે અનેક સારા કાર્યકરો છે. તેમ છતા મતના રાજકારણમાં આવા અસમાજીક તત્વોને જે રીતે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે તે નીતિ વિસનગર શહેરને ક્યા લઈને જશે તે શહેરીજનો માટે ચિંતાનો વિષય બન્યો છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us