Select Page

પાલિકા ઉપપ્રમુખ વિષ્ણુજી ઠાકોરને ભાજપે સભ્યપદેથી સસ્પેન્ડ કર્યો

પાલિકા ઉપપ્રમુખ વિષ્ણુજી ઠાકોરને ભાજપે સભ્યપદેથી સસ્પેન્ડ કર્યો

રૂા.૨ કરોડ ૭ લાખની ડબ્બા ટ્રેડીંગની ઠગાઈમાં ધરપકડ થતા

  • અગાઉ જુગારના કેસમાં પકડાયો હોવા છતા સ્થાનિક નેતાગીરીએ પાંચ મહિના છાવર્યો

વિસનગર પાલિકા ઉપપ્રમુખને ખોટુ રાજકીય પીઠબળ મળ્યુ ન હોત તો ડબ્બા ટ્રેડીંગના ગોરખધંધાની હિમ્મત થઈ નહોત અને લોકો છેતરાયા ન હોત. ભાજપનો સભ્ય અને વળી પાછો પાલિકાનો ઉપપ્રમુખ બનાવતા કાનૂનના ડર વગર બેફામ બની શેરબજારની ટીપ્સ આપી કરોડોની છેતરપીંડી આચરતા મોડે મોડે ભાજપને જ્ઞાન લાધતા ભાજપ દ્વારા તેને હોદ્દાઓ ઉપરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
વિસનગર પાલિકાનો ભાજપનો ઉપપ્રમુખ ઘણા સમયથી શેરબજારમાં રોકાણ કરવાની ટીપ્સ આપી ડબ્બા ટ્રેડીંગના ગોરખધંધા સાથે સંકળાયો હતો. પરંતુ રાજકીય પીઠબળ હોવાના કારણે પોલીસ આંખ આડા કાન કરતી હતી. તેમ છતા સ્થાનિક પોલીસે જુગારની રેડમાં ઝડપી અસમાજીક પ્રવૃત્તિ કરતા આ નેતાને અંકુશમાં લાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેમાં પણ પોલીસ ઉપર પાંચ લાખ રૂપિયાના તોડનો આક્ષેપ કરતા વિસનગર પોલીસના કર્મચારીઓની બદલી રૂપ સજા કરતા સ્થાનિક પોલીસ ભાજપના આ નેતાની વિરુધ્ધ કાર્યવાહી કરવામાં ડર અનુભવતા તેનો લાભ લઈ ભાજપના આ નેતાએ ડબ્બા ટ્રેડીંગના ગેરકાયદેસર ધંધાને પુરબહારમા ચલાવી લોકોને છેતરપીંડીનો ભોગ બનાવ્યા હતા. અતિની ગતિ હોતી નથી તેમ હરિયાણાના ફરિદાબાદ સાયબર પોલીસ સ્ટેશનમાં રૂા.૨,૦૭,૬૦,૦૦૦/- ની છેતરપીંડીનો ગુનો નોધાયો હતો. જેમાં હરિયાણા પોલીસે વિસનગર અને વડનગરના ૧૨ આરોપીઓની ધરપકડ કરી પુછપરછ કરી હતી. ભાજપનો હોદ્દો ધરાવતો હોઈ આ નેતાને જાણે કાયદાનો ડર ન હોય તેમ હરિયાણાના કેસમાં રૂા.૭૫ લાખ ઉઘરાવ્યા હોવાનુ ચર્ચાય છે. આ કેસમાં પાલિકાનો ઉપપ્રમુખ વિષ્ણુજી લવજીજી ઠાકોરનુ નામ ખૂલતા હરિયાણા પોલીસે વિસનગરમાં ત્રણ દિવસ ધામા નાખી ભાજપના આ નેતાને દબોચ્યો હતો.
અગાઉ જુગારમાં પકડાયો ત્યારે જીલ્લા ભાજપ દ્વારા આ નેતા વિરુધ્ધ કોઈ કાર્યવાહી કરી નહોતી અને વિસનગરના કાર્યક્રમોમાં તથા લોકસભાની ચુંટણી સમયે સ્ટેજ ઉપર બેસાડી અસમાજીક પ્રવૃત્તિ કરતા નેતાને સન્માન આપ્યુ હતુ. હરિયાણા પોલીસે ધરપકડ કરતા છેવટે પાર્ટીની છબી ખરડાયાનુ બ્રહ્મજ્ઞાન થતા જીલ્લા ભાજપ પ્રમુખ ગીરીશ રાજગોરે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક તથા સક્રીય સભ્ય પદેથી તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કર્યો છે. અગાઉ રૂા.૧,૩૧,૧૦૦/- ના મુદ્દામાલ સાથે જુગારની રેડમાં ઝડપાયેલા આ નેતાને હોદ્દા ઉપરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હોત તો લોકો ડબ્બા ટ્રેડીંગની છેતરપીંડીમાંથી બચી શક્યા હોત તેવી ચર્ચાઓ સાથે અસમાજીક તત્વોને છાવરતી નેતાગીરી સામે ભારે રોષ ઠાલવી રહ્યા છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us