Select Page

ઋષિભાઈ પટેલની એવી તો કેવી મજબુરી કે અસમાજીક તત્વને છાવર્યો

ઋષિભાઈ પટેલની એવી તો કેવી મજબુરી કે અસમાજીક તત્વને છાવર્યો

પાલિકા ઉપપ્રમુખ વિષ્ણુજી ઠાકોરની ધરપકડના બનાવમાં શહેરમાં ચર્ચાતો પ્રશ્ન

હરિયાણા પોલીસે રૂા.૨ કરોડ ૭ લાખની ડબ્બા ટ્રેડીંગની છેતરપીંડીના કેસમાં ભાજપનો પાલિકા ઉપપ્રમુખ વિષ્ણુજી ઠાકોરની ધરપકડ કરતા ભાજપની સાથે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની સામે પણ આંગળી ચીંધાઈ રહી છેકે, એવી તો કેવી મજબુરી હતી કે આવા અસમાજીક તત્વને છાવર્યો. રાજકીય લાભમા જો આવીજ નેતાગીરી થતી રહેશે તો વિસનગરની હાલત શુ થશે? દારૂના બુટલેગરોને દોરડે બાંધીને સ્ટેશન રોડ ઉપર ફેરવ્યા હતા તેવો ઋષિભાઈ પટેલ ફરીથી ખોફ ઉભો નહી કરે તો શહેરને અસમાજીક પ્રવૃત્તિઓનુ ધામ બનતા કોઈ અટકાવી શકશે નહી.
સત્તા રહેવી હોય તો રહે અને જતી હોય તો જાય પણ એવુ રાજકારણ ન રમવુ જોઈએ કે જેનાથી સમાજ માટે ખતરારૂપ દુષણોને પોષણ મળે. પાટીદાર અનામત આંદોલનમાં વિસનગરમાં બહુમતી મત ધરાવતા પાટીદારો ભાજપથી વિમુખ થયા ત્યારે ધારાસભ્ય ઋષિભાઈ પટેલને તાલુકામાં બીજા નંબરની મત સંખ્યા ધરાવતા ઠાકોર સમાજની જરૂર પડી હતી. ઠાકોર સમાજમા એક નહી પરંતુ એવા તો અનેક આગેવાનો છે જે ઠાકોર સમાજમા ઈજ્જત અને મોભો ધરાવે છે. આવા આગેવાનો ભલે સામાન્ય ધંધો કરતા હોય પરંતુ તેમની તેમના મહોલ્લામાં ઈજ્જત છે. ઠાકોર સમાજમાં દરેક મહોલ્લામાં આવા ઈજ્જતદાર આગેવાનો છે. ત્યારે અસમાજીક પ્રવૃત્તિ કરતા વિષ્ણુજી ઠાકોર જેવા તત્વો પોતાના દારૂ જુગારના ધંધામાં પોલીસની કનડગત ન રહે તે માટે ઋષિભાઈ પટેલની મજબુરીનો લાભ ઉઠાવી તેમને ઘેરીવળ્યા હતા. ઋષિભાઈ પટેલ અનામત આંદોલનના માહોલમાં જીત્યા.
રાજકીય લાભ મેળવવા ખાતર આવા દુષણોનો ઉપયોગ થાય ત્યા સુધી બરોબર હતુ પરંતુ આથમણા ઠાકોર વાસનો વિષ્ણુજી ઠાકોર અગાઉ દારૂના ગુનામાં પકડાયો હોવા છતા તેને પાલિકાની ચુંટણીમાં ટીકીટ આપી. અસમાજીક તત્વને રાજકીય પીઠબળ મળી ગયુ. પાલિકાની ચુંટણીમાં જીત્યા બાદ આવા દુષણને પાછો ભાજપ શાસીત પાલિકાનો ઉપપ્રમુખ બનાવ્યો. ઉપપ્રમુખ બનતાજ વિષ્ણુજી ઠાકોરની અસમાજીક પ્રવૃત્તિઓ વધી હતી. દલાલ સ્ટોકનો હિમાંશુ ભાવસાર પકડાયો અને ડબ્બા ટ્રેડીંગ બંધ થયુ તે પછી વિષ્ણુજી ઠાકોર જેવા તત્વોએ બે નંબરનો વ્યવસાય હાથમાં લીધો. વિસનગર ભાજપનો કયો કાર્યકર ક્યા જઈને બેસે છે તેનુ ધ્યાન રાખતા મંત્રીશ્રીને વિષ્ણુજી ઠાકોરના બે નંબરના ધંધાનો ખ્યાલ ન હોય તે માનવામાં આવતુ નથી. વિષ્ણુજી ઠાકોરે ડબ્બા ટ્રેડીંગનો બે નંબરનો ધંધો શરૂ કર્યા બાદ પણ તેને પાલિકાના ઉપપ્રમુખ પદે ચાલુ રાખ્યો.
વિસનગર પોલીસે તા.૩૦-૧૨-૨૦૨૩ ના રોજ રાત્રે ૨-૦૦ વાગે બહુચરનગર વૉહના છાપરામા રઘાજી સવાજી ઠાકોરના અડ્ડા ઉપર જુગારની રેડ કરી રૂા.૧,૩૧,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ૧૬ જુગારીયા પકડ્યા તેમા પણ ભાજપનો પાલિકા ઉપપ્રમુખ વિષ્ણુજી ઠાકોર ઝડપાયો હતો. એ વખતેજ તેને હોદ્દા ઉપરથી સસ્પેન્ડ કરવાની જરૂર હતી. ઉપરથી ચોર કોટવાલને દંડે તેમ જુગારની રેડમા ઝડપાયા બાદ પાલિકા ઉપપ્રમુખે પોલીસે પાંચ લાખનો મારો તોડ કર્યો અને આ પૈસા પાછા માગતા ખોટી રીતે મને જુગારની રેડમાં આરોપી બતાવ્યો તેમ કહી પોલીસ ઉપર આક્ષેપો કર્યા. વ્હોટ્‌સએપ કોલનુ રેકોર્ડીંગ કરવામાં માહેર અસમાજીક પ્રવૃત્તિમાં સંકળાયેલા આ હોદ્દેદારને દંડવાની જગ્યાએ ફરી રાજકીય પ્રોત્સાહન આપતા ઓડીયો ક્લીપ ફરતી કરતા પોલીસ કર્મચારીઓને બદલીરૂપ સજા થઈ.
લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસમાંથી રામાજી ઠાકોરે ઉમેદવારી કરતા ઋષિભાઈ પટેલને ફરીથી ઠાકોર સમાજની જરૂર પડી. વિષ્ણુજી ઠાકોર જુગારના કેસમા પકડાયો હતો અને ડબ્બા ટ્રેડીંગનો ધંધો રાજકીય છત્રછાયામાં કરતો હોવાનુ જાણવા છતા કેબીનેટ મંત્રીની ઉપસ્થિતિમાં ભાજપના ચુંટણી પ્રચારમાં આ અસમાજીક તત્વને સ્ટેજ ઉપર સ્થાન આપ્યુ. અગાઉ જુગારની રેડ બાદ સરકારી કાર્યક્રમોમાં પણ વિષ્ણુજી ઠાકોરને સ્થાન આપ્યુ હતુ. ઋષિભાઈ પટેલ જ્યારે પ્રથમ વખત ધારાસભ્ય બન્યા ત્યારે દારૂના બુટલેગરોને દોરડે બાંધી સ્ટેશન રોડ ઉપર ફેરવ્યા હતા. મતના રાજકારણમાં શુ આ મિજાજ હવે મરી પરવાર્યો છે? સર્વ સમાજને લક્ષમાં રાખી નાત જાતના ભેદભાવ વગર જે વિકાસ કર્યો તે આવકાર્ય છે. અત્યારે તમામ સમાજના લોકો કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની સાથે છે. ત્યારે એવી તો કંઈ મજબુરી છેકે વિષ્ણુજી ઠાકોર જેવા અસમાજીક તત્વનુ પોષણ કરવામાં આવે છે? પોલીસને રાજકીય પીઠબળ હોવાની આંખ બતાવી બુટલેગરો ખુલ્લેઆમ અસમાજીક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. જો આમજ ચાલશે તો વિસનગર ક્રિકેટ સટ્ટાનુ ધામ કહેવાય છે તેમ અસમાજીક પ્રવૃત્તિઓનુ ધામ બનતા કોઈ રોકી શકશે નહી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts