Select Page

નમાલી સરકારના કારણે પ્રજા હવે તાલીબાની માનસિકતા તરફ

નમાલી સરકારના કારણે પ્રજા હવે તાલીબાની માનસિકતા તરફ

ભાજપમાં નપાવટ નેતાઓ હશે ત્યા સુધી રાજકોટ અગ્નિકાંડ જેવી દુર્ઘટનાઓ અટકવાની નથી

તંત્રી સ્થાનેથી…

ગુજરાત ભાજપની નમાલી સરકારના કારણે દર વર્ષ માનવસર્જીત નાની મોટી દુર્ઘટનાઓ બને છે અને પ્રજા જીવ ગુમાવી રહી છે. દુર્ઘટનાથી હોબાળો થાય અને સરકાર ઉપર લોકોનો રોષ ઠલવાય એટલે સહાય જાહેર કરી એસ.આઈ.ટી.ની તપાસ કરવાનુ નાટક કરવામાં આવે છે. એટલામા પ્રજા દુર્ઘટનાને ભુલી જાય છે અને ફરીથી ભાજપના નપાવટ નેતાઓના કારણે નિયમોનો ભંગ થાય છે ને પ્રજા દુર્ઘટનામા હોમાય છે. કાંકરીયા રાઈડસ દુર્ઘટના, સુરત તક્ષશિલા દુર્ઘટના, મોરબી ઝૂલતા પુલની દુર્ઘટના, વડોદરા હરણી બોટ દુર્ઘટના જેવી ગુજરાતના લોકોનો ભોગ લેતી દુર્ઘટનાઓનો સીલસીલો ચાલ્યો આવે છે. ભાજપ સરકાર દ્વારા કડક કાર્યવાહીના આદેશો આપવામાં આવે છે છતા ભ્રષ્ટાચારી સરકારના ભ્રષ્ટાચારી અધિકારીઓના કારણે રાજકોટ અગ્નિકાંડ જેવા બનાવો બનતા રહે છે. રાજકોટનો ટીઆરપી ગેમઝોન છેલ્લા ચાર વર્ષથી ફાયર એન.ઓ.સી. વગર ચાલતો હતો, એન્ટ્રી અને એક્ઝીટ એકજ હતા નીતિ નિયમોનુ કોઈ પાલન થતુ નહોતુ અને અગ્નિકાંડ સર્જાતા બે માળનો ડોમ આગની લપેટોમા આવી જતા માસુમ બાળકો સહીત ૩૨ નિર્દોષોએ જીવ ગુમાવ્યો. નઠોર સરકારમાં હૃદય હચમચાવી મુકે તેવી પરિસ્થિતિતો એ હતી કે અગ્નિકાંડમા ફસાઈને ભડથુ થઈ જીવ ગુમાવનાર મૃતકોની ઓળખ ડી.એન.એ.થી કરવી પડી. મૃદુભાષી અને શાંત સ્વભાવના મુખ્યમંત્રી બનાવ બાદ રાજકોટ દોડી ગયા અને જાહેરમાં લોકો દેખે તે રીતે અધિકારીઓને ખખડાવ્યા. અગ્નિકાંડ પહેલા ગાંધીનગરમાં મુખ્યમંત્રીની ખુરશી ઉપર બેસી જો આવો પ્રથમથીજ મિજાજ બતાવ્યો હોત તો અધિકારી રાજમા ગેમઝોનને મંજુરીજ મળી ન હોત. અગ્નિકાંડની દુર્ઘટનાથી ગુજરાતની પ્રજાનો રોષ જોઈ સરકારે મૃતકોના વારસદારોને રૂા.૪ લાખની સહાય જાહેર કરી, ગેમઝોનના સંચાલકો વિરુધ્ધ ફરિયાદ કરવામાં આવી, બનાવની તપાસ માટે સીટની રચના કરવામાં આવી, જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને ઉચ્ચ અધિકારીઓની બદલી કરવામાં આવી. રાજકોટ અગ્નિકાંડ પહેલા પણ ગુજરાતમાં દર વર્ષે એક દુર્ઘટના થાય છે અને ફરિયાદ દાખલ કરાય છે. સરકાર હજુ પણ આવા બનાવોને નરમાશથી લઈ રહી છે. સંચાલકો વિરુધ્ધ ફરિયાદ કરી આરોપીઓ બનાવવામાં આવે છે ત્યારે એન.ઓ.સી. વગર મંજુરી આપનાર સરકારના અધિકારીઓ કે જવાબદાર કર્મચારીઓ વિરુધ્ધ કેમ ફરિયાદ કરવામાં આવતી નથી? સરકારના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓને આરોપી તરીકે કેમ લેવામા આવતા નથી? પ્રજાનો ભોગ લેવાતી દુર્ઘટનામા મંજુરી આપનાર ઉચ્ચ અધિકારીઓ પણ એટલાજ જવાબદાર છે ત્યારે તેમને સસ્પેન્ડ કરવામાં આવતા નથી અને બદલીરૂપ સજા કરવામાં આવે છે. સસ્પેન્ડ કરેલા કર્મચારીઓને અડધો પગાર મળે છે અને છ માસ પછી ફરીથી પોસ્ટીંગ મળતુ હોય છે જેથી લોકોનો જીવ જોખમાય તેવી મંજુરી આપતા ખચકાતા નથી. અગ્નિકાંડમા ૩૨ લોકોનો ભોગ લેવાયો છે ત્યારે જેમના પાપે આ ગેમીંગ ઝોન ધમધમતુ હતુ તેવા અધિકારીઓ અને કર્મચારીઓને જો નોકરીમાંથી સસ્પેન્ડની જગ્યાએ ડીસમીસ કરવામાં આવે તોજ બીજા કર્મચારીઓ આવી મંજુરી આપતા ખચકાશે અને દુર્ઘટનાના બનાવો બનતા અટકશે. પરંતુ આતો મગરના આંસુ સારતા નેતાઓની ભલામણના કારણેજ મંજુરીઓ મળતી હોય છે અને તંત્ર આંખ આડા કાન કરી નીતિ નિયમો વગર ચાલવા દે છે જેથી અધિકારીઓ કે કર્મચારીઓ વિરુધ્ધ ફક્ત દેખાવ પુરતી નામનીજ થોડા સમય પુરતીજ કાર્યવાહી થાય છે. દુર્ઘટના સર્જતી દરેક મંજુરીઓ પાછળ ભાજપના નેતાઓની ભલામણ હોય છે પણ સરકાર દ્વારા આવી દુર્ઘટનામા અત્યાર સુધી એક પણ નેતા વિરુધ્ધ કાર્યવાહી કરી નથી તે પણ હકીકત છે. દરેક દુર્ઘટનામા સરકાર સીટની તપાસનો આદેશ કરે છે. વડોદરા હરણીકાંડ, સુરત તક્ષશીલા કાંડ, મોરબી ઝૂલતા પુલ કાંડ અને રાજકોટ અગ્નિકાંડની ચારેય ઘટનાના તપાસના અધિકારી એક છે, પરંતુ તપાસની વિગતો ક્યારેય બહાર આવતી નથી. સીટની તપાસનો રીપોર્ટ કે તારણો કેમ જાહેર કરવામાં આવતા નથી? પોલીસ ફરિયાદમાં પણ ફરિયાદી સરકાર બને છે અને સરકારી વકીલ હોય છે, પાછળથી નેતાઓની ભલામણથીજ આરોપીઓને બચાવવા કેસમા ઢીલી નીતિ રાખવામાં આવે છે. દુર્ઘટનામા પીડીતના કોઈ સગાને ફરિયાદમાં લેવામાં આવતા નથી કે ફરિયાદમાં સાક્ષી બનાવવામાં આવતા નથી, જેની પાછળ પણ અગ્નિકાંડ જેવી દુર્ઘટનાઓમા સરકારની મેલી મુરાદ જવાબદાર છે. ચુંટણીઓમાં પ્રજાના રખેવાળ હોવાના વચનો અપાય છે અને હુ ચોકીદાર છુ તેવા દાવા થાય છે પરંતુ સત્તામાં આવ્યા બાદ કોઈ ચોકી થતી નથી અને પ્રજા દુર્ઘટનાઓમા હોમાય છે. ગુજરાતના સુકાનીમા પ્રજાના હિત માટે આક્રમતા જરૂરી છે પરંતુ મૃદુભાષીની છાપમા અત્યારે અધિકારી રાજમા સરકારનુ કંઈ ઉપજતુ નથી અને અગ્નિકાંડ જેવા બનાવો બનતા જાય છે. નપાવટ નેતાઓની નમાલી સરકારમા વારંવાર દુર્ઘટનાઓ થતા હવે પ્રજા આરોપીઓને જાહેરમાં લટકાવી ફાસી આપવી જોઈએ તેવા વિચારો વ્યક્ત કરી તાલીબાની માનસિકતા ધરાવતી થઈ ગઈ છે. ગેમીંગ ઝોનમા હાજર પરિવારના આઠમાંથી પાંચ સભ્યો ગુમાવનાર રાજકોટના પ્રવિણસિંહ ચૌહાણે જાહેરમાં કહ્યુ છેકે, આરોપીઓને ફાંસીની કે અન્ય સજા વગર જો જામીનમુક્ત કરવામાં આવશે તો, દુર્ઘટનામા મારા પરિવારની ઓળખ થઈ નથી તેમ કોઈ આરોપીઓની ઓળખ નહી થાય તેમ પતાવી દઈશ. પરિવારના સભ્યો ગુમાવનાર વ્યક્તિના આ રોષ પાછળ ભાજપ સરકારની નબળી નેતાગીરી જવાબદાર છે. માધવસિંહ સોલંકી, ચીમનભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા, નરેન્દ્રભાઈ મોદી અને આનંદીબેન પટેલ જેવા મુખ્યમંત્રી ગુજરાતને નહી મળે ત્યાં સુધી ગુજરાતમાં અધિકારી રાજ બંધ થવાનુ નથી અને દુર્ઘટનાઓનો સીલસીલો અટકવાનો નથી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts