વિસનગરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં તાલુકાના ગામડામાંથી દર વર્ષે એક ગામ મોસાળુ કરે-જશુભાઈ પટેલ
વિસનગરમાં ૪૪ મી રથયાત્રામા આ વર્ષે ભાજપ અગ્રણી જશુભાઈ પટેલની આગેવાનીમાં અંબીકા સંસ્થાન ટ્રસ્ટ કાંસા દ્વારા ભગવાન જગન્નાથજીને મોસાળુ કરવામા આવી રહ્યુ છે. જે પાછળની ભાવના વ્યક્ત કરતા જશુભાઈ પટેલે જણાવ્યુ હતુ કે કાંસા ગામની જેમ તાલુકાના ગામડામાંથી દર વર્ષે એક ગામે મોસાળા મહોત્સવ કરવો જોઈએ. જેથી વર્ષ પરંપરાગત રથયાત્રાની જેમ મોસાળા મહોત્સવની પણ પરંપરા સચવાઈ રહે.
ફક્ત વિસનગરમાં જ નહી પરંતુ પ્રદેશ ભાજપ અગ્રણી જશુભાઈ પટેલે તેમના સમાજ સેવા કાર્ય દરમ્યાન ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક, સહકારી ક્ષેત્રે અનેક નાના મોટા કાર્યક્રમો કર્યા છે. જશુભાઈ પટેલના નેતૃત્વમા કાંસામાં વર્ષ દરમ્યાન ઘણા કાર્યક્રમો થાય છે. વિસનગર તાલુકાના મોટા ગામ પૈકીના ફક્ત કાંસા ગામ એવુ છે કે જયા વિવિધ કાર્યક્રમો ધમધમતા રહે છે. તમામ સમાજના લોકોને સાથે રાખીને સમભાવની ભાવના ધરાવતા જશુભાઈ પટેલે અંબીકા સંસ્થા ટ્રસ્ટ કાંસા વતી આ વર્ષે વિસનગરની રથયાત્રામા મોસાળા મહોત્સવનુ જે સૌજન્ય આપવામા આવ્યુ છે તેની પાછળ દિર્ધ દ્રષ્ટિ જોવા મળી રહી છે. મોસાળા મહોત્સવનો જમણવાર અન્નકુટ, ભગવાનનો શણગાર વિગેરે પાછળ ૬થી ૭ લાખનો ખર્ચ થાય છે. દર વર્ષ કોઈ એક વ્યક્તિ આટલો ખર્ચ કરી શકે નહી તેમ છતા ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી તથા બલભદ્રજીની નગરયાત્રામા મોસાળા મહોત્સવ માટે વર્ષ ર૦ર૮ સુધી નામ નોધાયા છે. રથયાત્રાની સાથે વર્ષ પરંપરાગત મોસાળા મહોત્સવ ઉજવાય તે માટે કોઈ દાતા તૈયાર થાય નહી તો ખર્ચ માટે દર વર્ષે રૂા.૧૦ થી ૧પ હજાર સૌજન્ય આપી શકે તેવા પ૦થી ૬૦ આજીવન સભ્ય દાતાની કમિટી બનાવવાનુ પણ વિચારણામા છે. આ જીવન દાતા સભ્યોને પણ મોસાળા ખર્ચનુ સૌજન્ય આપવુ ન પડે તેવા વિચારથી કાંસા ગામના અગ્રણી જશુભાઈ પટેલે તાલુકાના ગામમાંથી દર વર્ષે દરેક ગામ દ્વારા મોસાળા મહોત્સવનુ આયોજન કરાય તેવી ભાવના જશુભાઈ પટેલે વ્યક્ત કરી હતી.
રથયાત્રાની મીટીંગમા ઉપસ્થિત જશુભાઈ પટેલે જણાવ્યુ હતુ કે તાલુકાના ગામડામાંથી દર વર્ષે એક ગામ જો મોસાળા મહોત્સવનુ સૌજન્ય આપે તો વર્ષો સુધી રથયાત્રાની સાથે મોસાળુ પણ વ્યવસ્થિત રીતે થાય. કાંસાના સમસ્ત ગ્રામજનોને સાથે રાખી યાદગાર મોસાળુ થશે. કાંસાથી બે થી ત્રણ બગી, ડી.જે. સાથે મોટી સંખ્યામાં શોભાયાત્રા નિકળશે અને મોસાળા મહોત્સવ સ્થળે ઉમિયા માતાના મંદિરે પહોચશે. જ્યાં કાંસા ગ્રામજનો દ્વારા રથયાત્રાનુ સ્વાગત કરવામા આવશે. મહિવાડા હરિહર લાલજી ભગવાનનો કાંસા ગામમા ઉદ્ભવ થયો હતો. ત્યારે મોસાળા માટે કાંસા ગ્રામજનોમા અનેરો ઉત્સાહ જોવા મળશે. નોંધપાત્ર બાબત છે કે જશુભાઈ પટેલે હંમેશા ધાર્મિક કાર્યક્રમોને પ્રોત્સાહન પુરુ પાડયુ છે. જેઓ વિસનગરમાં રામનવમીએ નિકળતી શ્રીરામ રથયાત્રામા પણ રૂા.૧ લાખમા આરતીનો ચડાવો બોલ્યા હતા. મોસાળા મહોત્સવમા કોઈ ધર્મપ્રેમી દાતા સહભાગી બનવા ઈચ્છતા હોય તો દાન માટે પણ મોસાળા કમિટિ દ્વારા અપીલ કરવામા આવી છે.