વિષ્ણુજી ઠાકોરે નાસી છુટવા ફિલ્મી ઢબે કુદકો માર્યો
હરિયાણા પોલીસે ઈજ્જત કરી ત્યારે પાલિકા ઉપપ્રમુખે ગુનાહિત માનસિકતા છતી કરી
ફરિદાબાદ સાયબર ક્રાઈમના ગુનામાં રીમાન્ડ દરમ્યાન હરિયાણા પોલીસ પાલિકા ઉપપ્રમુખ વિષ્ણુજી ઠાકોરને તપાસ માટે તેના વિસનગર ખાતેના નિવાસ્થાને લઈને આવી હતી. પાલિકાનો ઉપપ્રમુખ હોવાથી પોલીસે ઈજ્જત સાચવવા હાથકડી પહેરાવી નહોતી. પરંતુ ગુનાહિત માનસિકતા ધરાવતા ઉપપ્રમુખે પોત પ્રકાશ્યુ અને પોલીસને ધક્કો મારી ફિલ્મી ઢબે ધાબા ઉપરથી કુદકો માર્યો. કુદકો મારીને નીચે પડ્યા પછી પણ પોલીસ સાથે જપાજપી કરી હતી. વિસનગર પોલીસનો ડી સ્ટાફ જો હાજર ન હોત તો પાલિકા ઉપપ્રમુખ નાસી છુટવામા સફળ રહ્યો હોત. પોલીસ જાપ્તામાંથી નાસી છુટવાનો પ્રયત્ન કરતા હરિયાણા પોલીસે વિસનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવતા વિષ્ણુજી ઠાકોર વધુ એક ગુનામાં સપડાયો છે.
ફરિદાબાદ સાયબર પોલીસ સ્ટેશન સેન્ટ્રલઝોનમાં દાખલ થયેલ રૂા.૨ કરોડ ૭ લાખની છેતરપીંડીના ગુનામાં ફરિદાબાદ પોલીસે પાલિકા ઉપપ્રમુખ વિષ્ણુજી ઠાકોરની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા છ દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા. ફરિદાબાદ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. ધર્મેન્દ્રસિંહ કટારસિંહ, નરેશકુમાર રઘુરાજસિંહ, વસીમઅહેમદ જફરઅહેમદ, કરમવિરસિંહ સુખવિરસિંગ તથા નિર્મલ મહાવિરસિંગ પાલિકા ઉપપ્રમુખને વધુ તપાસ અર્થે વિસનગર લઈને આવ્યા હતા. જેઓ વિસનગર પોલીસ સ્ટેશન આવી યાદી આપી મદદ માગતા સીટી પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના કોન્સ્ટેબલ રાજુભાઈ વજાભાઈ, મનોજકુમાર સાહેબરાવ, મહેશકુમાર વેલજીભાઈ અને કલ્પેશકુમાર મનુભાઈ તપાસ કામે હરિયાણા પોલીસ સાથે જોડાયા હતા. પાલિકાનો ઉપપ્રમુખ હોવાથી વિષ્ણુજી ઠાકોરને હાથકડી પહેરાવી નહોતી. હરિયાણા પોલીસ કર્મચારી વિષ્ણુજી ઠાકોરને તેના ઘરે બીજા માળે તપાસ માટે લઈ ગયા હતા. ત્યારે પોલીસ કર્મચારીને ધક્કો મારી ગુનાહિત માનસિકતા ધરાવતો કહેવાતો નેતા વિષ્ણુજી ઠાકોર મકાનના બીજા માળેથી ફિલ્મી ઢબે કુદકો માર્યો હતો. પોલીસ કર્મચારીએ પણ તેની પાછળ કુદકો માર્યો હતો. ડી સ્ટાફના પોલીસ કર્મચારીઓએ તુર્તજ મકાનનના પાછળ ભાગે દોડી કોર્ડન કર્યુ હતુ. કુદકો મારીને નીચે પડ્યા બાદ વિષ્ણુજી ઠાકોરે પોલીસ કર્મચારીઓ સાથે જપાજપી કરી હતી. જપાજપી કર્યા બાદ ફરી બાજુમાં આવેલ નાળામાં કુદકો મારી નાસી છુટવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યા ઉંધા માથે પટકાતા વિષ્ણુજી ઠાકોરને માથામાં ઈજા થતા લોહી લુહાણ થયો હતો. જેને બન્ને હાથે પગે અને શરીરે ઈજાઓ થઈ હતી. તા.૨૯-૫-૨૦૨૪ ની સાંજે ૭-૦૦ કલાકનો આ બનાવ હતો. વિષ્ણુજી ઠાકોરને પકડીને વિસનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યા ફરજ પરના ર્ડાક્ટરે વિષ્ણુજી ઠાકોરના માથામાં પાંચ ટાંકા લઈ અન્ય પ્રાથમિક સારવાર આપી મહેસાણા સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયો હતો. જપાજપી થતા હરિયાણા પોલીસના ધર્મેન્દ્રસિંહ કટારસિંહને પણ ઈજાઓ થઈ હતી.
વિષ્ણુજી ઠાકોર વિસનગર સિવિલ હોસ્પિટલમાં ચુપચાપ પડી રહ્યો હતો. પરંતુ મહેસાણા સિવિલમાં પહોચતા પાછી ધમાચકડી મચાવી હતી. મહેસાણા સિવિલમાં મને પોલીસે માર્યો છે, મને છોડાવો તેમ કહી બુમરાડ મચાવી હતી. પોલીસ ટીમે વિષ્ણુજી ઠાકોરને પકડીને અમદાવાદ લઈ જવા એમ્બ્યુલન્સમાં બેસાડ્યો હતો. હરિયાણા પોલીસે આ બનાવમાં ફરિયાદ આપતા પોલીસ જપ્તામાંથી નાસી છુટવાનો પ્રયત્ન કરવા બદલ પોલીસે આઈ.પી.સી. કલમ ૨૨૪ મુજબ ગુનો દાખલ કર્યો હતો.