ખેરાલુમાં ફાયર સેફ્ટીની નોટીસો અપાઈ-આજથી સમાજની વાડીઓ સિલ કરાશે
- ખેરાલુ પાલિકાતંત્ર પહેલા ફાયર સ્ટેશન બનાવી લોકોને ફાયર સેફ્ટી આપે તે પછી ધંધાદારીઓને ફાયર સેફ્ટી માટે નોટીસો આપે
રાજકોટ અગ્નિકાંડ પછી જિલ્લા કલેક્ટરશ્રીના આદેશથી ફાયર વિભાગ તથા નગરપાલિકા તંત્ર જાગૃત બન્યુ છે. ખેરાલુ શહેરમાં છેલ્લા બે દિવસમાં ૫૦ ઉપરાંત ફાયર સેફ્ટીની નોટીસો અપાઈ છે. જોકે હજુપણ નોટીસો આપવાની પ્રક્રિયા ચાલુછે. પાલિકાના સેનેટરી ઈન્સપેક્ટર ભાવેશભાઈએ જણાવ્યુ હતુ કે, જે જગ્યાએ સૌથી વધુ લોકો એકત્ર થતા હોય તેવી બેંકો, મોલ, સમાજની વાડીઓ તથા ટ્યુશન ક્લાસીસોને નોટીસો અપાઈ છે. શુક્રવારે એકજ દિવસમાં ૨૮ નોટીસો આપવામાં આવી છે. જેમાં હોસ્પિટલ, હોટલ, સોમીલ, કોમ્પલેક્ષ, સમાજની વાડીઓ, બેંકો, મોલને નોટીસો અપાઈ છે. જેમાં કેટલીક નોટીસો સોમવારે પણ અપાશે.
ખેરાલુ શહેરમાં આજે સોમવારથી ફાયર સેફ્ટી વગર ઉપયોગ કરાતી સમાજની વાડીઓ સૌથી પહેલા સીલ કરવામાં આવશે. ખેરાલુ શહેરની હોસ્પિટલોએ ફાયર સેફ્ટી ના સાધનો વસાવ્યા છે તેમણે રીન્યુની પ્રક્રિયા કરી છે કે નહી તે જાણવા નોટીસો અપાઈ છે. ખેરાલુની ચાર હોટલોમાં આવવા જવાનો એક જ માર્ગ છે. તેમજ ઈમરજન્સી દરવાજા પણ નથી તેમજ હોટલોવાળા રાજકીય વગ ધરાવતા હોવાથી કોઈને ગાંઠતા નથી. જેથી હોટલોને ખાસ નોટીસો અપાઈ છે. ખેરાલુની ૮ સોમીલોમાં ફાયર સેફ્ટીના કોઈ સાધનો ન હોવાથી તેમને નોટીસો અપાઈ છે. ૧૨ કોમ્પલેક્ષોને નોટીસો અપાઈ છે. પરંતુ કોમ્પલેક્ષના માલિકો દુકાનો વેચી પલાયન થઈ ગયા હોવાથી હવે દુકાનદારોને ફાયર સેફ્ટીના સાધનો વસાવવા વારો આવશે. ખેરાલુ શહેરમાં ટ્યુશન ક્લાસીસ ધમધમે છે. પરંતુ આ ટ્યુશન ક્લાસીસોમાં કેટલાક ખાનગી ટ્યુશન ક્લાસીસોએ તો ગુમાસ્તાધારાની લાયસંસ પણ મેળવ્યા નથી. જેથી પાલિકાની પહોંચ બહારના ટ્યુશન ક્લાસીસોની જાણ સેનેટરી ઈન્કપેક્ટરને પણ નથી. સ્કુલો અને બેંકોમાં ફાયર સેફ્ટીનો અભાવ હોવાથી તેમને નોટીસો આપવાની પ્રક્રિયા ચાલુ છે.
ખેરાલુ શહેરમાં મોટા મોલ આવેલા છે. તેમાં પ્રવેશવાના અને બહાર નીકળવાના એકજ માર્ગ હોવાથી તેમને પણ નોટીસો અપાઈ છે. ખેરાલુમાં ફાયર સેફ્ટીની નોટીસો અપાતા મોટાભાગના આગેવાનો દોડતા થઈ ગયા છે. નોટીસમાં સ્પષ્ટ જણાવ્યુ છે કે આપ દ્વારા ફાયર સેફ્ટી મેળવેલ નથી જે જોખમકારક છે. જો ફાયર સેફ્ટી લીધી હોય તો રીન્યુ કર્યા તારીખનુ સર્ટીફીકેટ રજુ કરવુ.
અત્રે ઉલ્લેખનીય છે કે, ફાયર સેફ્ટીએ તમામ લોકો માટે અનિવાર્ય છે. પરંતુ છેલ્લા દશ વર્ષથી ખેરાલુમાં ફાયર સ્ટેશન બનાવવા વારંવાર માંગણી થઈ રહી છે. નગરપાલિકા દ્વારા ક્યારેય ફાયર સ્ટેશન બનાવવા પ્રયત્ન કર્યા નથી. પાલિકા હદ વિસ્તારમા લોકહિતમાં લોકોની જાનમાલની સુરક્ષા માટે પહેલા પાલિકાતંત્ર ફાયર સ્ટેશન બનાવે તે પછી ખેરાલુની હોસ્પિટલ, હોટલો, સોમીલો, કોમ્પલેક્ષ, સમાજની વાડીઓ, બેંકો અને ટ્યુશન ક્લાસીસોને ફાયર સેફ્ટીની નોટીસો આપે. નગરપાલિકાતંત્ર પોતે લોકહિતમાં ફાયર સ્ટેશન બનાવે પછી બીજા ધંધાદારીઓને નોટીસો આપે તે જરૂરી કહેવાશે. ખેરાલુના જાગૃત ધારાસભ્ય ખેરાલુમાં ફાયર સ્ટેશન બનાવવા પ્રયત્ન કરે તે જરૂરી છે.
સરકાર દ્વારા ફાયર સેફ્ટી માટે દરેક તાલુકા મથકે કમિટીઓ બનાવી છે. જેમાં ચિફ ઓફિસર અધ્યક્ષ હશે. તેમજ ફાયર કમિટિના સભ્ય તરીકે ફાયર ઓફિસર, મ્યુનિસિપલ ઈજનેર, વિજ વિતરણ કંપનીના અધિકારી, મહેસુલી અધિકારી, સીટી પોલીસ અધિકારી તથા સ્ટ્રક્ચરલ/ મિકેનીકલ એન્જીનીયર એમ કુલ ૭ સભ્યોની કમિટિ બનાવવામાં આવી છે. જે તે જવાબદાર ધંધાદારી વ્યક્તિઓએ ફાયર સેફ્ટી માટે ઓનલાઈન અરજી કરવાની છે ફાયરના સાધનો વસાવ્યા પછી ગાંધીનગરથી તપાસ કરવામાં આવશે.