
પાલિકા ઉપપ્રમુખ વિષ્ણુજી ઠાકોર વિરુધ્ધ અવિશ્વાસની દરખાસ્ત

જીલ્લા ભાજપ પ્રમુખે ભાજપના સક્રીય સભ્ય પદેથી સસ્પેન્ડ કરાયા બાદ
- ભાજપના વ્હીપનો અનાદર કરી છ સભ્યો ગેરહાજર રહ્યા
- દંડક ઠાકોર સમાજના હોવાથી કે ગમે તે કારણે એજન્ડાના અવિશ્વાસની દરખાસ્તનો ઠરાવ નં.૯ વાંચવાનુ ટાળ્યુ
અસમાજીક તત્વોને રાજકીય પીઠબળ આપી ખોટી રીતે છાવરવાના કારણે ભાજપને લાંછન લાગતા હવે પાલિકા ઉપપ્રમુખ વિષ્ણુજી ઠાકોર વિરુધ્ધ કડક હાથે કાર્યવાહી શરૂ કરી છે. ડબ્બા ટ્રેડીંગના ગેરકાયદેસર ધંધામા રૂા.૨.૦૭ કરોડની છેતરપીંડી કેસમા હરિયાણા પોલીસે ધરપકડ કરતાજ જીલ્લા ભાજપ પ્રમુખે વિષ્ણુજી ઠાકોરને પાર્ટીના સક્રીય સભ્ય પદેથી સસ્પેન્ડ કર્યો હતો. ત્યારબાદ પાલિકાની ખાસ સાધારણ સભામા પાલિકા ઉપપ્રમુખ વિરુધ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવતા સર્વાનુમતે મંજુર કરવામાં આવી હતી. અવિશ્વાસની દરખાસ્તની મહત્વની કાર્યવાહી હોવા છતા ભાજપના વ્હીપનો અનાદર કરી સભ્યો ગેરહાજર રહેતા ભારે ચકચાર જાગી છે.
ભારતીય જનતા પાર્ટીના તથા પાલિકા ઉપપ્રમુખના હોદ્દાનો દુરઉપયોગ કરી અસમાજીક પ્રવૃત્તિઓ કરનાર વિષ્ણુજી ઠાકોર હવે તમામ રીતે ભીસમા આવી ગયો છે. હરિયાણાના ફરીદાબાદના એક ર્ડાક્ટર ડબ્બા ટ્રેડીંગમા રૂા.૨.૦૭ કરોડ ગુમાવતા સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જેમાં પાલિકા ઉપપ્રમુખ વિષ્ણુજી ઠાકોરનુ નામ ખુલતા હરિયાણા પોલીસે ધરપકડ કરતા વિસનગર ભાજપને લાંછન લાગ્યુ હતુ. ધરપકડ થતા જીલ્લા ભાજપ પ્રમુખે તાત્કાલીક અસરથી વિષ્ણુજી ઠાકોરને પાર્ટીના સક્રીય સભ્ય પદેથી સસ્પેન્ડ કર્યો હતો. જેને પાલિકા ઉપપ્રમુખ પદેથી દૂર કરવા તખ્તો ઘડાઈ ચુક્યો હતો. પરંતુ લોકસભાની ચુંટણીની આચારસંહીતાના કારણે કાર્યવાહી થઈ શકી નહોતી.
પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તથા ચીફ ઓફીસર પાર્થકુમાર ત્રીવેદી, દંડક અમાજી ઠાકોર તથા ૨૭ સભ્યોની ઉપસ્થિતિમાં તા.૧૪-૬-૨૦૨૪ ના રોજ પાલિકાના સભાખંડમાં ખાસ સાધારણ સભા મળી હતી. જેમાં વિષ્ણુજી ઠાકોરને ઉપપ્રમુખ પદેથી હટાવવાની દરખાસ્ત સર્વાનુમતે મંજુર કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી જેવી પ્રતિષ્ઠીત પાર્ટી અને ભાજપ શાસીત પાલિકાના ઉપપ્રમુખનો મહત્વનો હોદ્દો ધરાવનાર વ્યક્તિ અસમાજીક પ્રવૃત્તિમા પકડાય તો તેને સજા કરવામાં આવી તે દાખલો બેસાડવા ખાસ સાધારણ સભામાં ચર્ચા કરવી જરૂરી એટલા માટે હતી કે અન્ય કોઈ સભ્ય કે હોદ્દેદાર આ માર્ગે જતા ૧૦૦ ટકા વિચાર કરે. પાલિકાની ખાસ સાધારણ સભામા દંડક અમાજી ઠાકોરે એજન્ડાના ઠરાવોનુ વાંચન કર્યુ ત્યારે ઉપપ્રમુખ વિરુધ્ધ અવિશ્વાસની દરખાસ્તનો ઠરાવ નં.૯ વાચવાનુ ટાળ્યુ હતુ. જેના કારણે આ મુદ્દો ચર્ચાયો હતો કે હજુ ક્યા સુધી અસમાજીક પ્રવૃત્તિઓને છાવરવામાં આવશે. સજા કરી છેતો ખુલ્લા મને ચર્ચા કરવામાં કેમ ન આવી? અવિશ્વાસની દરખાસ્તનો ઠરાવ હોવાથી ભાજપના તમામ સભ્યોને હાજર રહેવા વ્હીપ આપવામાં આવ્યો હતો. છતા ભાજપના છ સભ્યો વ્હીપનો અનાદર કરી ગેરહાજર રહેતા સભ્યોમાં ગણગણાટ જોવા મળ્યો હતો.
ખાસ સાધારણ સભામા વિરોધ પક્ષના નેતા શામળભાઈ દેસાઈએ રજુઆત કરી હતી કે રાજ્યની અ અને બ વર્ગની પાલિકાઓમાં વૃક્ષારોપણ કરી શહેરને હરિયાળુ બનાવ્યુ છે. વિસનગર પાલિકા દ્વારા શહેરને હરિયાળુ બનાવવા એક પણ ઝાડ ઉછેરવામાં આવ્યુ નથી. મંત્રીશ્રી ઋષિભાઈ પટેલનો લાભ લઈ સરકારની વૃક્ષારોપણની ગ્રાન્ટનો લાભ લઈ શહેરને હરિયાળુ બનાવવુ જોઈએ. શામળભાઈ દેસાઈએ સૂચન કરેલ વિકાસ કામનો ઠરાવ નામંજુર કરતા રોષ વ્યક્ત કર્યો હતો કે, કોંગ્રેસના સભ્યોએ સુચવેલ કામ ન લેવા હોય તો ૩૬ સભ્યોના લીસ્ટમાંથી નામ કાઢી નાખો.
ખાસ સાધારણ સભામા ભાજપના સભ્ય વિજયભાઈ પટેલે ગત બોર્ડમા થયેલા ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતો મુદ્દો ઉઠાવ્યો હતો કે રૂા.૧૯ લાખના ખર્ચે શહેરનો વિકાસ નકશો બનાવવા એજન્સીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. જેમાં ૨૦ ટકા પણ કામ થયુ નથી અને એજન્સીએ વિકાસ નકશો બનાવીને પણ આપ્યો નથી તેમ છતા પાંચ પાંચ માસના અંતરમાં બીલ પેટે ચેક આપી કુલ રૂા.૧૬,૪૦,૬૦૦/- નુ ચુકવણુ થયુ છે. નકશો બન્યો નથી તો કયા કર્મચારીએ બીલ મંજુર કરવાનો રીપોર્ટ આપ્યો અને કયા અધિકારીએ બીલ મંજુર કર્યુ તેની તપાસ થવી જોઈએ. પાલિકા ચીફ ઓફીસરને રેકર્ડની તપાસ કરી ૧૫ દિવસમાં અહેવાલ આપવાની પ્રમુખ ઉત્તમભાઈ પટેલને રજુઆત કરતા પ્રમુખે ભાજપના આ સિનિયર સભ્યનો મુદ્દો અવગણ્યો હતો.