ચોમાસામા ભુગર્ભ જળ સંચય કરી આવનારી પેઢીને પાણીની અમૂલ્ય ભેટ ધરીએ
પર્યાવરણ જાળવણીમા કરોડો ખર્ચ કરતી સરકારે વર્ષાજળ પેટાળમા ઉતારવા પ્રોત્સાહન આપવુ જોઈએ
તંત્રી સ્થાનેથી…
આ વર્ષે ભારત દેશમાં ઉનાળાની શરૂઆતમાજ દક્ષિણના રાજ્ય કર્ણાટકના બેંગલુરૂ શહેરમાં પીવાના પાણી માટે લોકોને વલખા મારવા પડ્યા હતા. લોકસભાની ચુંટણી હોવાથી સ્થાનિક નેતાઓએ ટેન્કરો ઉપર પોતાના બેનર લગાવીને પાણીનુ વિતરણ કર્યુ હતુ. અત્યારે દેશની રાજધાની દિલ્હીમાં ઉનાળાના હિટવેવમા પાણી માટે લોકો ટેન્કરોની પાછળ દોડતા જોવા મળી રહ્યા છે. આતો મોટા શહેરોની સમસ્યા છે એટલે તેની નોંધ લેવાય છે. પરંતુ દેશમા એવા અનેક વિસ્તારો છેકે જ્યા ગામડાની પ્રજા જીવન માટે જરૂરીયાતની વસ્તુ પાણી માટે પાંચ થી દશ કિ.મી. ચાલે છે. દક્ષિણ આફ્રિકાનુ કેપટાઉન, ભારતનુ બેંગલુરૂ, ચીનનુ બીજીંગ, રશિયાનુ મોસ્કો જેવા વિશ્વના ઘણા દેશ અને શહેરો છેકે જે જળસંકટથી પરેશાન થઈ રહ્યા છે. પ્રાચીનકાળથી ભારતની વર્ષા જળસંચય માટે પ્રચલિત છે. ઐતિહાસિક કાળથી વરસાદી પાણી એકત્ર કરવાની પ્રથા આપણા દેશમાં ચાલી રહી છે. જળ વ્યવસ્થાપનની પરંપરા મૌજૂદ હોવાના અનેક પ્રમાણ પ્રાચીન ગ્રંથો, શિલ્પ લેખો અને હસ્તપ્રતોમા છે. પરંતુ વર્ષાજળ સંગ્રહની પ્રાચીન પધ્ધતિમાં ફક્ત પાતાળની સરવાણીઓને નવપલ્લવિત કરવાનુ જ્ઞાન નહોતુ પરંતુ જળસંગ્રહનો એકમાત્ર હેતુ હતો. આપણે પ્રાચીન ભારતનુ ગૌરવ લઈએ છીએ પરંતુ તેનુ અનુકરણ કરતા નથી. ભૂગર્ભ જળ સંચય માટે ધોળાવીરાની વ્યવસ્થા જોઈએ તો ખબર પડશે કે પાંચ હજાર વર્ષ પહેલા ત્યા રહેતી પ્રજામાં કેટલુ દુરંદેશીપણુ હતુ. સરકારે ભૂગર્ભ જળભંડાર માટે ઉત્તેજન આપતા તેના પરિણામો જરૂર મળ્યા. પરંતુ બેફામ વપરાશ અને વિવેકપૂર્ણ ઉપયોગ વચ્ચેની ભેદરેખા ભૂસાતા દેશના અનેક ક્ષેત્રોમાં પાણીના તળ ઉંડા થતા જળસંકટની એક નવી સમસ્યાનો દેશના લોકો સામનો કરી રહ્યા છે. પાણીની અછત થતા લોકોએ આડેધડ ભૂગર્ભ જળના ભંડાર ઉલેચી નાંખવાનુ શરૂ કર્યુ પરંતુ રિચાર્જનુ મહત્વ બહુ ઓછા લોકો સમજે છે. પાતાળમાંથી જેટલુ પાણી વર્ષમાં ખેચાય છે તેટલુ પાણી ભાવિ પેઢી માટે જમીનમાં વર્ષાજળ સંચય દ્વારા ઉતારવુ જોઈએ. અન્યથા વસૂકી ગયેલા પાતાળના કારણે ઉભી થતી ગંભીર પર્યાવરણીય સમસ્યા વેઠવા માનવ જાતને તૈયાર રહેવુ પડશે. જળ સંચયના વ્યવસ્થાપન માટે વિસનગર શહેરનીજ વાત કરીએ તો અત્યારે પાલડી રોડ ઉપર સમર્થ હાઉસ, સાંકળચંદ પટેલ યુનિવર્સિટી તેમજ કુવાસણા રોડ ઉપર ઉમા બાવન સંકુલ જેવી આગળીના વેઢે ગણી શકાય તેટલીજ સંસ્થાઓ છેકે જ્યા ભૂગર્ભ જળ સંચય અને સંગ્રહ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. વિસનગર શહેરમાં નાગર બ્રાહ્મણ, નાગર વણિકના વર્ષો જૂના મકાનોમાં વરસાદી પાણીના સંગ્રહ માટે કુંઈની વ્યવસ્થા જોવા મળે છે. જ્યારે ભૂગર્ભ જળ સંચયનુ મહત્વ નહી સમજનાર પાલિકા દ્વારા કચરો નાખીને ઘણા કુવા પુરી દેવામાં આવ્યા છે. અત્યારે ગુજરાત રાજ્યનો અડધો અડધ વિસ્તાર પાણી માટે સરદાર સરોવર નર્મદા યોજના આધારીત છે. પાણી સરળતાથી મળતુ હોવાથી વર્ષાજળના ભૂગર્ભ સિંચન માટે લોકોમાં મહત્વ જોવા મળતુ નથી. ભારતીય સંસ્કૃતિમાં પરિવાર માટે કે આવનારી પેઢી માટે બચત કરવાના તેમજ ભેગુ કરવાના સંસ્કાર છે. આવનાર સમયમાં પાણીની વિકરાળ સમસ્યા મોં ફાડીને ઉભી થવાની છે તો આવનારી પેઢીને ધ્યાનમાં રાખી પાણીનો કરકસર યુક્ત ઉપયોગ કરવાનુ કે વરસાદી પાણીનુ સિંચન કરવાનુ આપણે વિચારતા નથી. ભૂગર્ભ જળ ભંડારોમાં પાણીનો નવો જથ્થો દર ચોમાસામાં જમા કરવાની કૃત્રિમ રીચાર્જની ઝુંબેશનુ મહત્વ આમ આદમી સુધી પહોચાડી તેનો સહયોગ પ્રાપ્ત કરવા ભારત સરકારના જળ સંશાધન મંત્રાલય હસ્તકના સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ પ્રયત્ન કરી રહ્યુ છે. પણ લોકોમાં હજુ ભૂગર્ભ જળ સંચયની જોઈએ એવી જાગૃતિ આવી નથી. પર્યાવરણ જાગૃતિ માટે સરકાર દ્વારા વર્ષે કરોડો અબજો રૂપિયાનો ખર્ચ થાય છે, પણ જીવન જરૂરીયાતની વસ્તુ એવા પાણીના ભૂગર્ભ સિંચન માટે હજુ કોઈ નક્કર આયોજન જોવા મળતુ નથી. ખેતરનુ ખેતરમાં, ગામનુ ગામમા અને શહેરનુ શહેરમાં વરસાદી પાણીના ભૂગર્ભ સિંચન માટે હવે જાગૃત થવુ પડશે. જળ એજ જીવન મંત્રને ગુંજતો કરી સરકાર હસ્તકની મોટી ઓફીસો, શાળાઓ, કોલેજો, ઔદ્યોગિક એકમો, મોટી રહેણાંક સ્કીમો વિગેરે જગ્યાએ વરસાદી પાણી વ્યર્થ જવા ન દઈએ અને મહત્તમ માત્રામા વરસાદી પાણી જમીનમાં ઉતરે તેવા તનતોડ પ્રયત્નો કરવા પડશે. શાળા કક્ષાએથી કોલેજ સુધી ગીતાના જ્ઞાનની સાથે ભૂગર્ભ જળ સંચયનુ જો અત્યારથી મહત્વ સમજાવવામાં આવશે ત્યારે આવનારી પેઢી જાગૃત બની આ દિશામાં કામ કરશે. ભૂગર્ભ જળ ભંડારમાં કૃત્રિમ રીચાર્જનુ કામ કરતી સંસ્થાઓ, એન.જી.ઓ., પર્યાવરણવાદીઓને સરકાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે તે પણ જરૂરી છે. બળબળતા ઉનાળામાં પાણીનુ કેટલુ મહત્વ છે તેનો અનુભવ કર્યો. ત્યારે ચોમાસામાં વર્ષાજળનુ મહત્વ સમજી ભૂગર્ભ જળ રીચાર્જ માટે કટીબધ્ધ થવુ પડશે.