Select Page

આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલે વિસનગર સિવિલના વિકાસકામોની સમિક્ષા કરી

આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલે વિસનગર સિવિલના વિકાસકામોની સમિક્ષા કરી
  • વિસનગર ધારાસભ્ય ઋષિભાઈ પટેલ ગુજરાતના આરોગ્યમંત્રી બનતા અત્યારે વિસનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં તબીબી સેવામાં વધારો થયો છે.
  • આરોગ્યમંત્રીના પ્રયત્નોથી વિસનગર પંથકના લોકોને સમગ્ર ગુજરાતમાં સરકારી તેમજ ટ્રસ્ટ સંચાલિત મોટી હોસ્પિટલોમાં સરકારના આયુષ્યમાન કાર્ડમાં વિનામુલ્યે ઝડપી સારવારનો લાભ મળી રહ્યો છે.

વિસનગર ધારાસભ્ય તેમજ ગુજરાત સરકારના આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલે ગત રવિવારના રોજ સિવિલ હોસ્પિટલમાં ઓચિંતી મુલાકાત લીધી હતી. જેમાં તેમને સરકારના કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ થઈ રહેલા અદ્યતન નવિન બિલ્ડીંગના બાંધકામનું નિરિક્ષણ કર્યુ હતુ. આ સાથે આરોગ્યમંત્રીએ સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને આપવામાં આવતી સારવાર અને સુવિધા મુદ્દે ચર્ચા કરી સરકારની આયુષ્યમાન કાર્ડ યોજનામાં દરેક રોગના દર્દીઓને ખાનગી હોસ્પિટલ જેવી સારવાર કેવીરીતે આપી શકાય તેનુ સુચન કર્યુ હતુ.
વિસનગર ધારાસભ્ય ઋષિભાઈ પટેલ ગુજરાત સરકારમાં આરોગ્યમંત્રી બનતા તેમને શહેરની સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને સરકારી યોજનામાં આધુનિક સુવિધા સાથે સારી તબીબી સારવાર આપવાનો સંકલ્પ કર્યો હતો. આરોગ્યમંત્રીના અથાક પ્રયત્નોથી આજે સિવિલ હોસ્પિટલ સંકુલમાં કરોડો રૂપિયાના ખર્ચે આધુનિક તબીબી સુવિધાઓ સાથે અદ્યતન બિલ્ડીંગનુ નિર્માણ કાર્ય ચાલી રહ્યુ છે. આ બિલ્ડીંગના નિર્માણકાર્ય દરમિયાન આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલે અવાર નવાર સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ સિવિલ સુપ્રિટેન્ડેટ ડા. પારૂલબેન પટેલ અને કોન્ટ્રાક્ટરને જરૂરી સુચનો કર્યા હતા. જેમાંગત રવિવારના રોજ આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલ સિવિલ હોસ્પિટલમાં ઓચિંતી મુલાકાત લઈ સિવિલ હોસ્પિટલના સંકુલમાં નિર્માણ થઈ રહેલા અદ્યતન નવિન બિલ્ડીંગનું બાંધકામ તેમજ અન્ય વિકાસ કામોનું નિરિક્ષણ કર્યુ હતુ. આ મુલાકાતમાં આરોગ્યમંત્રીએ સિવિલ સુપ્રિટેન્ડેટન્ટ ડા. પારૂલબેન પટેલ, રોગી કલ્યાણ સમિતિના જાગૃત સભ્ય જે.કે.ચૌધરી, શહેર ભાજપ પ્રમુખ મનિષભાઈ પટેલ (ગળીયા) તથા કોન્ટ્રાક્ટર સાથે બેઠક કરી સિવિલ હોસ્પિટલના નવિન બિલ્ડીંગનું બાકી કામ ઝડપી પુર્ણ કરવા પી.આઈ.યુ.ના કોન્ટ્રાક્ટરને ટકોર કરી હતી. આ સાથે મંત્રીશ્રીએ સિવિલ હોસ્પિટલમાં આવતા દરેક રોગના દર્દીઓને સરકારની આયુષ્યમાન કાર્ડ યોજનામા નિષ્ણાંત તબીબો દ્વારા સારી સારવાર કેવીરીતે આપી શકાય તેની ચર્ચા કરી હતી. આ ચર્ચા દરમિયાન મંત્રી ઋષિભાઈ પટેલે સિવિલમાં સારવાર માટે આવતા દર્દીઓને સરકારના આયુષ્યમાન કાર્ડ યોજનામાં સારી ઝડપી તબીબી સારવાર મળી રહે તે માટે જરૂરી નિષ્ણાંત તબીબોની અઠવાડીયામાં બે દિવસ માટે નિમણુંક કરવા તેમજ રોગી કલ્યાણ સમિતિની સત્તામાં વધારો કરવા સુચન કર્યુ હતુ. જોકે મંત્રી ઋષિભાઈ પટેલના સહયોગથી અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાને રાખી દર્દીઓ માટે ત્રણ જમ્બો એરકુલર અને ઠંડુ પિવાના પાણી માટે વોટરકુલર મુકવામાં આવ્યા છે. સિવિલ સર્જીકલ વોર્ડ અને ઈમરજન્સી વોર્ડના દર્દીઓ માટે બનાવવામાં આવેલ આધુનિક સંડાસ- બાથરૂમનો ઉપયોગ ચાલુ કરવામાં આવ્યો છે. વધુમાં સ્કીન સ્પેશ્યાલીસ્ટ ડા.જય પટેલ દ્વારા ચામડીના રોગોના દર્દીઓની આધુનિક ઢબે સારવાર આપવામાં આવી રહી છે. આ મુલાકાતમાં આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલે વિસનગર પંથકના દર્દીઓને ઘરઆંગણે આધુનિક સુવિધા સાથે તાત્કાલિક સારવાર મળે તેવુ આયોજન કરવા સુપ્રિટેન્ડેન્ટ ડા. પારૂલબેન પટેલ અને રોગી કલ્યાણ સમિતિના સભ્ય જે.કે.ચૌધરીને સુચન કર્યુ હતુ.
અત્રે નોંધપાત્ર બાબત એ છે કે,ધારાસભ્ય ઋષિભાઈ પટેલ ગુજરાત સરકારમાં આરોગ્યમંત્રી બનતા વિસનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં તબીબી સેવામાં વધારો થયો છે. સાથે સાથે વિસનગર પંથકના લોકોને સમગ્ર ગુજરાતમાં સરકારી તેમજ ટ્રસ્ટ સંચાલિત મોટી હોસ્પિટલોમાં સરકારના આયુષ્યમાન કાર્ડમાં વિનામુલ્યે ઝડપી સારવારનો લાભ મળી રહ્યો છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us