ધરોઈ કોલોનીનો રૂા.૪૯ લાખનો VIP રોડ ચોમાસામાં ધોવાશે
પેટા કોન્ટ્રાક્ટરમા ભાજપના કાર્યકરોએ હલકી ગુણવત્તાનુ મટેરીયલ વાપરતા બે માસમાં જ સીસી રોડમાં ખાડા-કપચી ઉખડી
- પાલિકામાં ચાલતો વ્યાપક ભ્રષ્ટાચાર કોન્ટ્રાકટરને બીલ પણ ચુકવાઈ ગયુ
વિસનગરમાં ધરોઈ કોલોનીના વી આઈ પી રોડનુ કામ હમણા બે માસ પહેલા જ પુર્ણ થયુ છે. અને સીસી રોડ તુટવાની શરૂઆત થઈ ચુકી છે. પાલિકામા ભાજપ બહુમતીના જોરે પેટા કોન્ટ્રાક્ટમા કાર્યકરોને ખોટી રીતે છાવરતા ઘણા સમય પછી નવા બનેલા રોડની હાલત ખરાબ થઈ છે. સીસીરોડમાં ઘણી જગ્યાએ ખાડા પડી ગયા છે અને કપચી પણ ઉખડી ગઈ છે. ચોમાસામા મોટા ભાગનો રોડ તુટી જશે તેવુ આ વિસ્તારના લોકો જણાવી રહ્યા છે.
વિસનગરમા એમ.એન.કોલેજ રોડ બામણચાયડા નાળાથી ધરોઈ કોલોની રોડ ઉપર મોટા બીલ્ડરો, વેપારીઓ અને ભાજપના અદના નેતાઓ રહેતા હોવાથી આ રોડનુ વીઆઈપી રોડ નામકરણ કરાયુ છે. પરંતુ પાલિકા તંત્રની દ્રષ્ટીએ રોડ ઉપર રહેતા વી.આઈ.પીઓની કોઈ ગણના નથી. ચુંટણીઓમા ભાજપના ઝંડા લઈને નિકળી પડતા અને પાલિકાની ગેરરીતી સામે આંખ મીચી ચુપ રહેતા હવે આ વી.આઈ.પી.ઓના પગ નીચે રેલો આવ્યો છે. અને આવી આગેવાની શુ કરવાની તેવા લોકો પ્રશ્નો કરી રહ્યા છે.
ધરોઈ કોલોની રોડ છેલ્લા ઘણા સમયથી બીસ્માર હાલતમાં હતો. વિકાસ મંચના વોર્ડમા ગટર લાઈન કામ માટે ખોદકામ કર્યા બાદ ખાડા થઈ જતા ઘણી રજૂઆતો અને માંગણીઓ બાદ રૂા ૪૯ લાખના ખર્ચે સી.સી.રોડ બનાવવા ટેન્ડરીંગ કરી વર્ક ઓર્ડર આપવામા આવ્યો હતો. કોન્ટ્રાકટરે વિસનગર ભાજપના યુવા કાર્યકરોને આ મહત્વના સીસીરોડનુ કામ પેટા કોન્ટ્રાકટમા આપતા જ વિકાસની ઘોર ખોદાઈ હતી. વર્ષ ર૦ર૩ ની નવરાત્રી પહેલા રોડનુ કામ શરૂ કરી ધીમી ગતી થી કામ કરતા તેનો વિરોધ થયો હતો. રોડનુ કામ ચાલતુ હતુ ત્યારે જ યોગ્ય ગુણવત્તામાં કામ થતુ નહી હોવાનુ અને સીસીરોડ બનાવી પાણી છાટવામા આવતુ નહી હોવાની ફરીયાદો ઉઠી હતી. પરંતુ પેટા કોન્ટ્રાક્ટર ભાજપના કાર્યકરો હોવાથી પાલિકા તંત્ર દ્વારા ધ્યાન આપવામા આવતુ નહોતુ. રોડનુ કામ ચાલતુ હતુ ત્યારે પાલિકાના કોઈ એન્જીનીયર કે બાંધકામનો સુપર વાઈઝરની હાજરી પણ જોવા મળતી નહોતી. પ્રમુખપદ છીનવી બાંધકામ ચેરમેન બનાવેલા જે.ડી.પટેલ રીસાયેલા હોવાથી આ ચેરમેન પણ વીઆઈપી રોડની ચાલતી કામગીરીનુ નિરિક્ષણ કરવા એક પણ દિવસ ફરક્યા ન હોતા જ્યારે આ વિસ્તારના સ્પષ્ટ બોલતા કોર્પોરેટરને પાર્ટીની શીસ્તના નામે દબાવી દેતા તેમને પણ વી.આઈ.પી રોડમાં ચાલતી ગેરરીતીમા સામે મૌન સેવ્યુ હતુ.
વિસનગર પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, ચીફઓફીસર પાર્થકુમાર ત્રીવેદી અને લાગતા વળગતા તમામની બેદરકારીના કારણે બે માસ પહેલા જ પુર્ણ થયેલ વી.આઈ.પી સી.સી.રોડ તુટવાનો શરૂ થઈ ગયો છે. પાર્થ બંગ્લોઝ, રાજહંસ સોસાયટી, ધનલક્ષ્મી સોસાયટી, બદ્રીનારાયણ સોસાયટી આગળ નવા જ બનાવેલા સી.સી.રોડ ઉપર ખાડા પડી ગયા છે. કેટલીક જગ્યાએ કપચી ઉખડી ગઈ છે. ગટરની કુડીઓના ઢાંકણા પણ લેવલ વગરના જોવા મળે છે. કેટલીક જગ્યાએ સીસીરોડ ફાટી ગયો છે. વાહનોની અગર જવરના કારણે રોડ વધારે તુટી રહ્યો છે. હજુ તો રોડ પૂર્ણ થયે બે માસ અને આખો રોડ બનાવ્યા બાદ છ માસ પણ થયા નથી ત્યારે સીસી રોડ તુટી જતા ચોમાસામાં ૪૦ ટકા જેટલો રોડ તુટી જશે તેવુ આ વિસ્તારના લોકો જણાવી રહ્યા છે. પેટા કોન્ટ્રાક્ટર ભાજપના કાર્યકરો હોવાથી મોટા ભાગનુ બીલ પણ ચુકવાઈ ગયુ હોવાનુ જાણવા મળ્યુ છે. ઘણા સમય પછી નવો રોડ બન્યો છે ત્યારે ચોમાસ બાદ ફરીથી પહેલાની જેમ ઉબડ ખાબડ રોડનો સામનો કરવો પડશે તે ચોક્કસ વાત છે.