
અજાણ્યાને ઓટીપી આપ્યો તો બેન્ક બેલેન્સ ગાયબ થયુ સમજો…વપરાશકારો ભલે ગમે તેટલા વધ્યા પણ સ્માર્ટ ફોનની જેમ સ્માર્ટ થયા નથી

તંત્રી સ્થાનેથી…
ભારત દેશમાં લોકો રોકડ વ્યવહાર કરતા બંધ થાય. તમામ વ્યવહાર બેંક દ્વારા થાય અને ટેક્ષ ભરનાર કરદાતાઓની સંખ્યા વધે તેવા અનેક હેતુથી સરકાર ડિજિટલ ઈન્ડીયાને પ્રોત્સાહન આપી રહી છે. સરકારના આ પ્રયત્નોથી લોકો ક્રેડીટ કાર્ડ, ડેબીટ કાર્ડ, યુ.પી.આઈ., ફોન પે, જી પે, પેટીએમ જેવી ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની સુવિધાનો ઉપયોગ કરતા થયા છે. આ સુવિધાઓથી ખીસ્સામાં રોકડ રાખવી પડતી નહી હોવાથી હવે પર્સ તફડંચીના બનાવો ઓછા બને છે. પરંતુ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી હવે ડિજિટલ તફડંચીકારો વધતા લોકો પર્સમાંથી રોકડ નહી પરંતુ બેંકમાંથી બેલેન્સ ગુમાવી રહ્યા છે. સરકારની મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફર્મેશન ટેકનોલોજી વિભાગની ઉચ્ચ સ્તરીય એક બેઠક બાદ જે અહેવાલ પ્રસિધ્ધ થયો છે તે દેશની જનતા માટે ચોકાવનારો અને સ્માર્ટ ફોન વપરાશકર્તાઓને સાવધાન તથા સાવચેત રાખતો છે. ગૃહ મંત્રાલય અને ઈલેક્ટ્રોનિક્સ મંત્રાલયની ઉચ્ચ સ્તરીય બેઠકમાં ચર્ચાના અંતે દેશના લોકોએ છેલ્લા ત્રણ વર્ષમાં ૨૫,૦૦૦ કરોડ સાયબર ફ્રોડમા ગુમાવ્યા હોવાનુ તારણ આવ્યુ છે. દેશમાં રોજના અનેક લોકો સાયબર ફ્રોડનો શિકાર બને છે. સમાજમાં ઈજ્જત અને આબરૂના ડરથી મોટા ભાગના લોકો ડિજિટલ તફડંચીકારો વિરુધ્ધ ફરિયાદ કરવાનુ ટાળે છે. ઘણા ઓછા લોકો સાયબર ફ્રોડનો શિકાર બન્યા બાદ સાયબર ક્રાઈમ સુધી જાય છે. વર્ષે હજ્જારો લોકો ડિજિટલ ઈન્ડીયામાં બેંક બેલેન્સ ગુમાવે છે ત્યારે ગત વર્ષે ૧૦,૦૦૦ જેટલી પણ ફરિયાદ થઈ નથી. સાયબર ફ્રોડમા અત્યારે ઓટીપી થી ફ્રોડ કરવાની પધ્ધતિ એન્ડ્રોઈડ ફોન વપરાશકારો માટે ઘાતક સાબીત થઈ રહી છે. ઓનલાઈન ફ્રોડ રોકવા માટે પોલીસે સાયબર ક્રાઈમ વિભાગ શરૂ કર્યા છે. દેશના તમામ રાજ્યમાં સાયબર ક્રાઈમ પોલીસ કામ કરી રહી છે. પરંતુ ઓનલાઈન તફડંચીકારો કોમ્પ્યુટરના એટલા નિષ્ણાત છેકે, સાયબર પોલીસ કરતા વધારે સ્માર્ટ સાબીત થઈ રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષમાં દેશની જનતાએ રૂા.૨૫૦૦૦ કરોડ ગુમાવ્યા છે તે રકમ નાની સુની નથી. ઓનલાઈન છેતરપીંડી રોકવા હવે સરકારે જુદા જુદા મંત્રાલયોની જેમ સાયબર મંત્રાલય ખોલવાનો વિચાર કરવો પડશે. આ મંત્રાલયના વિભાગમાં પોલીસ કર્મચારીઓ નહી પરંતુ કોમ્પ્યુટર નિષ્ણાત એન્જીનિયરોની ભરતી કરવી પડશે. પોલીસ ઉપર કામનુ ભારણ હોવાથી ઓનલાઈન ફ્રોડમા જે વિજળી ગતિએ કામ કરવુ પડે તે કરી શકતી નથી. ગુજરાત સરકારે સાયબર ક્રાઈમ વિભાગ શરૂ કર્યો છે. ઓનલાઈન છેતરપીંડી થાય તો તુર્તજ ૧૯૩૦ નંબર ઉપર જાણ કરવા જણાવ્યુ છે. પરંતુ ભોગ બનનાર આ નંબર ઉપર ડાયલ કરે તો અડધો કલાક સુધી સંપર્ક થતો નથી. સંપર્ક થયા પછી ફ્રોડ કરનારનો મો.નં. તથા અન્ય મેસેજ વ્હોટ્સએપ ઉપર મંગાવવામાં આવે છે. ત્યાં સુધીતો ફ્રોડ કરનાર ફ્રોડ થયેલ રકમનુ અનેક ખાતાઓમાં ટ્રાન્ઝેક્શન કરી ચુક્યા હોય છે. જેથી ભોગ બનનારની રકમ પાછી લાવી શકાતી નથી. જ્યારે આવા સેન્ટરો વિદેશોમાંથી ઓપરેટ થતા હોવાથી ફ્રોડ કરનારની ધરપકડની તો વાતજ કરી શકાય તેમ નથી. ઓનલાઈન ફ્રોડમા ઓટીપી ફ્રોડ સૌથી ખતરનાક સાબીત થઈ રહ્યુ છે. ઓટીપીથી છેતરપીંડીનો ભોગ બનનારનુ તાત્કાલીક બેલેન્સ ખેચાઈ જતુ અટકાવી શકાતુ નથી. જેના માટે એસબીઆઈ કાર્ડ, ટેલીકોમ કંપનીઓ અને સરકાર ત્રણેય ઓટીપી કૌભાંડ અટકાવવા હાથ મિલાવી રહ્યા છે. પરંતુ જ્યા સુધી સ્માર્ટ ફોન ઉપયોગ કરનાર દેશના લોકો સતર્ક રહી હોશિયાર નહી બને ત્યા સુધી સરકાર ગમે તેટલા પ્રયત્નો કરશે તો પણ ઓનલાઈન ફ્રોડ અટકવાનુ નથી. દેશમાં સ્માર્ટ ફોન વપરાશકારો વધ્યા છે પરંતુ તેના ઉપયોગમાં સ્માર્ટ થયા નથી. ફ્રી ગીફ્ટ, ડિસ્કાઉન્ટ, સ્પેશ્યલ લોન ઓફર, ઈઝીલોન, કેવાયસી અપડેટ, ક્રેડીટ કાર્ડની લીમીટ વધારવી, ક્રેડીટ કાર્ડ, ડેબીટ કાર્ડ કે એકાઉન્ટ બંધ થઈ જવુ, ઈલેક્ટ્રીક બીલની ઉઘરાણી વિગેરે મુદ્દે ફોન કરીને સ્માર્ટ ફોન ધારકને લલચાવાય છે. સ્માર્ટફોન ધારક વાતમાં આવીને લાલચમાં ફસાય છે અને જેવા ઓટીપી આપે છે કે તુર્તજ બેક બેલેન્સ ખતમ થઈ જાય છે. સ્માર્ટ ફોન વપરાશકર્તા સ્માર્ટ નહી બને ત્યા સુધી ઓનલાઈન ફ્રોડ અટકવાનુ નથી.