પર્યાવરણ પ્રેમી જીતુભાઈ પટેલના કાર્યો સમાજ માટે પ્રેરણારૂપ કેબીનેટ મંત્રીના હસ્તે વાલમ આશ્રમમાં શિવનંદી ધામનુ લોકાર્પણ
ગુજરાતના ગ્રીન એમ્બેસેડર, પર્યાવરણ પ્રેમી જીતુભાઈ પટેલે હંમેશા સમાજને રાહ ચિન્ધતા સમાજ સુધારાના પ્રેરણાદાયી કાર્યો કર્યા છે. લોકો અકસ્માતનો ભોગ બને નહી તે માટે રખડતા નંદીને પકડી આશ્રય આપવા વાલમ સર્વોદય આશ્રમમા શિવનંદી ધામ બનાવી લોકહિત સાથે જીવદયાનુ પણ કાર્ય પર્યાવરણ પ્રેમી દ્વારા કરવામાં આવ્યુ છે. કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના હસ્તે શિવનંદી ધામનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ. આ સેવા કાર્યમાં ઉપસ્થિત દાતાઓએ રૂા.૧૦ લાખ દાનની જાહેરાત કરી જીતુભાઈ પટેલના આ નવતર અભિગમને પ્રોત્સાહન આપ્યુ હતુ.
તિરૂપતી સરજનના જાણીતા બીલ્ડર ગુજરાતના ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલને પર્યાવરણ પ્રેમી, જીવદયા પ્રેમી, સમાજ સુધારક, સમાજ સેવક એવા જેટલા ઉપનામ આપીએ તેટલા ઓછા છે. જીતુભાઈ પટેલે તેમના વિચારોથી હંમેશા સમાજને નવો રાહ ચિન્ધ્યો છે. પર્યાવરણ જાળવણી અને જાગૃતિ તેમના રગેરગમાં હોવાથી લાખ્ખો વૃક્ષો વાવી બે ઓક્સીજન પાર્કની ભેટ ધરી છે. જેમણે તેમના પુત્રના લગ્નમાં આશીર્વાદ આપવા હજ્જારો વિધવા માતાઓને બોલાવી તેમનુ સન્માન કરી વિધવાઓને અપશુકનના શ્રાપમાંથી મુક્ત કરી હતી. આવા સમાજને પ્રેરણા આપતા સમાજ સુધારાના અનેક કાર્યો આ પર્યાવરણ પ્રેમી દ્વારા થયા છે.
અત્યારે આખલાઓનો દરેક શહેરમાં ત્રાસ છે. આવા આખલાઓને જીતુભાઈ પટેલ શિવનંદીનુ માનવાચક નામ આપ્યુ છે. રખડતા શિવનંદીના કારણે લોકો અકસ્માતનો ભોગ ન બને તે માટે શિવનંદીને પકડી છોડી મુકવાની જગ્યાએ જીતુભાઈ પટેલની પ્રેરણાથી વિસનગર તાલુકાના વાલમ સર્વોદય આશ્રમમા શિવનંદી ધામ બનાવવામાં આવ્યુ છે. જ્યા ૧૧૦ નંદીને આશ્રય આપી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. નંદીને પકડવા નંદીવાન પણ બનાવવામાં આવી છે. જેના ખર્ચ માટે તિરૂપતી ફાઉન્ડેશન દ્વારા વાર્ષિક રૂા.૧ લાખ આપવામાં આવશે.
શિવનંદી ધામ અને શિવનંદી વાનનો લોકાર્પણ સમારોહ તા.૧૬-૪-૨૦૨૪ ને રવિવારના રોજ વાલમ આશ્રમમાં યોજાયો હતો. કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે કેબીનેટ મંત્રીએ જણાવ્યુ હતું કે, આ પ્રકારના ઉમદા અને નવતર અભિગમની શરૂઆત વિસનગર તાલુકાથી થઈ છે. જે અનેક સમાજ શ્રેષ્ઠીઓને પ્રેરણા આપશે. ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલે પર્યાવરણ અને પાણી સાથે આજે જીવોની ચિંતા કરી છે. ગ્લોબલ વોર્મિંગના સમયમાં વૃક્ષના વાવેતરથી માંડીને તેના સંરક્ષણ અને સંવર્ધનની આપણે સૌએ જવાબદારી લેવાની છે. કેબીનેટ મંત્રીએ વાલમ આશ્રમના કાર્યોને બીરદાવતા જણાવ્યુ હતું કે, આશ્રમ દ્વારા શિક્ષણ, સામાજીક સુધારણા, રોજગારી, સેવાકીય પ્રવૃત્તિ, માનવસેવા જેવા અનેક સેવાકીય કાર્યો કરી સેવા અને સુવાસનુ ઉત્તમ ઉદાહરણ માનવજાતને પુરૂ પાડ્યુ છે. શિવનંદીને પકડવા વિસનગર પાલિકાને શિવનંદી વાનની ભેટ આપવામાં આવતા કેબીનેટ મંત્રીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ હતુ. નંદીવાનની ડિઝાઈન તૈયાર કરનાર નેશનલ થ્રેસરવાળા હિમાંશુભાઈ પંચાલનુ પણ કેબીનેટ મંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યુ હતુ. શિવનંદી ધામના પાલન પોષણ માટે ઉપસ્થિત દાતાઓએ રૂા.૧૦ લાખની દાનની જાહેરાત કરી હતી. આ પ્રસંગે માર્કેટયાર્ડના ચેરમેન પ્રિતેશભાઈ પટેલ, વાલમના પૂર્વ સરપંચ હિરેનભાઈ પટેલ, પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, ચીફ ઓફીસર પાર્થકુમાર ત્રિવેદી, ગ્રીન ગ્લોબલ બ્રીગેડના પ્રમુખ નિલેશકુમાર રાજગોર વિગેરેએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.