Select Page

સરકારી મંજુરી વગર સિધ્ધપુર ચોકડીનો રોડ તોડી પાણીની લાઈન નાંખતા ખેરાલુમાં માર્ગ-મકાન વિભાગે પાઈપલાઈન કાઢી ફેંકી દીધી

સરકારી મંજુરી વગર સિધ્ધપુર ચોકડીનો રોડ તોડી પાણીની લાઈન નાંખતા ખેરાલુમાં માર્ગ-મકાન વિભાગે પાઈપલાઈન કાઢી ફેંકી દીધી

સરકારી તંત્રોમાં હંમેશા એકબીજાનુ સન્માન જાળવી કામગીરી કરવાની હોય છે. ખેરાલુ પાલિકા દ્વારા કોઈપણ મંજુરી વગર ફોરલેન રોડ તોડી સિધ્ધપુર ચોકડી અને વૃંદાવન ચોકડી ઉપર પાઈપલાઈન નાંખવામાં આવી છે. પાઈપલાઈન નાંખ્યા પછી દરરોજ પસાર થતા હજારોની સંખ્યામાં નાના મોટા વાહનો તોડેલા રોડના ખાડામાં પટકાતા હતા. ખેરાલુ પાલિકામાં નેતાઓ દ્વારા આ તૂટેલા રોડના ખાડા પૂરવા કે રોડ ઉપર ડામર કામ કરવા રજુઆત કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી, ત્યાં વિસનગર માર્ગ અને મકાન વિભાગ દ્વારા સિધ્ધપુર ચોકડીનો રોડ તોડી નાંખેલી પાઈપલાઈન ખોદી નાંખી રોડ ઉપર ફેંકી દેતા ખેરાલુની સિધ્ધપુર ચોકડી આસપાસની સોસાયટીઓ અને રહેણાંક વિસ્તારનું પીવાનું પાણી બંધ થઈ ગયુ છે.
આ બાબતે ખેરાલુ પાલિકા તંત્રને પુછતા જણાવ્યુ હતુ કે પાલિકા દ્વારા ૨૦૨૧-૨૨ માં ચાર કરોડની પાણીની પાઈપલાઈનની દરખાસ્ત બનાવી હતી. આ દરખાસ્તમાં સરકાર દ્વારા નક્કી કરાયેલા કન્સલ્ટન્ટ દ્વારા પ્લાન બનાવવામાં આવ્યો હતો. જે સમયે દરખાસ્ત બની તે પછી સરકારમાં મંજુરી અર્થે મોકલતા ૨૦૨૨ માં મંજુરી મળી હતી. તે જ સમયે ફોરલેન રોડ ક્રોસ કરી પાઈપલાઈન નાંખવા માર્ગ અને મકાન વિભાગ પાસે રોડ તોડવા મંજુરી માગી હતી. જે મંજુરી ન મળતા કોન્ટ્રાક્ટર દ્વારા વગર મંજુરીએ ફોરલેન રોડ તોડી પાણીની પાઈપલાઈનો નાંખી દીધી હતી.
આ બાબતે વિસનગર માર્ગ અને મકાન વિભાગના ઈજનેર જૈમિનભાઈ પટેલને પુછતા તેમણે જણાવ્યુ હતુ કે માર્ગ અને મકાન વિભાગની કોઈ મંજુરીનો પત્ર વિસનગર ઓફિસમાં આવ્યો નથી. ખેરાલુ પાલિકાના ચિફ ઓફીસર અને એન્જીનીયરને વારંવાર રોડ તોડવાની મંજુરી માગી લેવા લેખિત તેમજ મૌખિક સુચનાઓ આપી હતી. એક મહિનો થવા છતા પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરી નથી કે તૂટેલા રોડને રિપેરીંગ કરવા પણ કોઈ કાર્યવાહી કરી નથી. તુટેલા રોડ ઉપર પસાર થતા હજારો વાહનો પટકાય છે. જે બાબતે પાલિકાએ કોઈ કાળજી ન લેતા છેવટે અમારે ના છૂટકે પાઈપલાઈન કાઢી નાંખવાની ફરજ પડી છે. જો પાલિકા દ્વારા તુટેલા બે રોડ રીપેરીંગ નહી કરે તો આગામી સમયમાં સિધ્ધપુર ચોકડીની જેમ વૃંદાવન ચોકડીની પાઈપલાઈન કાઢી નાંખવાની ફરજ પડશે. ખેરાલુ પાલિકામાં હાલ સભ્યોનુ સાશન નથી જેથી પાલિકાના વિકાસ સાથે થતા વિનાશની જવાબદારી ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીની કહેવાય. ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી કરોડોના ખર્ચે થતા વિકાસની દેખરેખની જવાબદારી જાતે રાખે છે. ખેરાલુમાં શહેર ભાજપ સંગઠન અને પાલિકાના પૂર્વ સભ્યોની કમિટી બનાવી વિકાસ કામો ઉપર દેખરેખ રાખવા લોકો માગણી કરી રહ્યા છે. પરંતુ ધારાસભ્ય જાતે દેખરેખ રાખવા જતા માર્ગ અને મકાન વિભાગે સરકારી મંજુરી વગર રોડ તોડી નાંખેલી પાઈપલાઈન ઉખાડી નાંખતા પાલિકા તંત્રની પોલ ઉઘાડી પાડી છે.
ઉપરોક્ત બાબતે સરકારી મંજુરી ન મળતા ખેરાલુ વાવ ફોરલેનની કામગીરી છેલ્લા નવ મહિનાથી અટકી ગઈ હતી. ફોરેસ્ટ ખાતાની ઝાડ કાપવાની મંજુરી મળ્યા પછી નેશનલ હાઈવેનું કામ શરુ થયુ હતુ. ખેરાલુ પાલિકા દ્વારા સરકારી તંત્રની અનદેખી કરતા માર્ગ અને મકાન વિભાગે પાલિકા તંત્રને રીતસર ફટકાર લગાવી હોય તેવો ઘાટ ઘડાયો છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us