પ્રાન્ત અધિકારી દેવાંગભાઈ રાઠોડની અધ્યક્ષતામાં યોજાયેલ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં વિસનગર શહેર-ગ્રામ્યના કર્મચારીઓની હેરાનગતી સામે આક્રોશ
- પ્રાન્ત અધિકારી દેવાંગભાઈ રાઠોડે શહેર અને તાલુકાના અધિકારી અને તલાટીઓને ઝડપી અને નિષ્પક્ષ કામગીરી કરી પ્રજાને ન્યાય આપવા ટકોર કરી હતી
વિસનગર પ્રાન્ત અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં શહેર અને ગ્રામ્યના ૧૦ અરજદારોમાં ૯ અરજદારે પોતાના પ્રશ્નોની રજુઆત કરી હતી. જેમાં પ્રાન્ત અધિકારી દેવાંગભાઈ રાઠોેડે તમામ પ્રશ્નોને હકારાત્મક નિકાલ કર્યો હતો. જોકે આ કાર્યક્રમમાં અરજદારોએ દબાણ દુર કરવાની કાર્યવાહી મુદ્દે જવાબદાર અધિકારી અને કર્મચારી સામે ભારે આક્રોશ ઠાલવ્યોે હતો.
સરકારે પ્રજાના વિવિધ પડતર પ્રશ્નો, નિતિ વિષયક પ્રશ્નોે તથા અન્ય સમસ્યાઓનો ઝડપી નિકાલ કરવા માટે તાલુકા, જીલ્લા અને રાજ્ય કક્ષાએ ફરિયાદ નિવારણ કાર્યક્રમ શરૂ કર્યો છે. જેમાં સ્થાનિક ઉચ્ચ અધિકારી દ્વારા અરજદારોના પ્રશ્નોનો ત્વરિત નિકાલ કરવામાં આવે છે. વિસનગર પ્રાન્ત અધિકારી દેવાંગભાઈ રાઠોડની અધ્યક્ષતામાં મંગળવારના રોજ મામતલદાર કચેરીમાં ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શહેર અને ગ્રામ્યના ૧૦ અરજદારોમાં ૯ અરજદારે પોતાના પ્રશ્નોની રજુઆત કરી હતી. જ્યારે પુરણપુરના એક અરજદાર ગેરહાજર રહ્યા હતા. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં કયા અરજદારે શું રજુઆત કરી તે જોઈએ તો વિસનગર માયા બજાર વિસ્તારમાં રહેતા શાહ ઉર્વીશકુમાર નટવરલાલે નગરપાલિકાની હદમાં રહેણાંક મકાનની બાજુમાં થયેલગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ બાબતે, વિસનગર તાલુકાના રંગપુર ગામના સેનમા કિરણભાઈ મહેન્દ્રભાઈએ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મળેલા પ્લોટમાં થયેલુ દબાણ દુર કરવા બાબત, વિસનગર શહેરની ઉમિયા રેસીડેન્સીમા રહેેતા ડા.કે.ડી.રાઠોડે કન્યા છાત્રાલય બનાવવા માટે ફાળવવામાં આવેલ સરકારી જગ્યામાં થતી ગંદકી દુર કરવા બાબત, રાલીસણા ગામના મુઘલમાન વી.પઠાણે સરકારની વિવિધ ગ્રાન્ટોમાંથી પોતાના વિસ્તારમાં વિકાસકામો કરવા બાબત, કાંસા ગામના રાજપૂત મનુજી ખુમાજી એ પોતાના ખેતર નજીક ગામના સર્વે નં.૫૦૫ ને ૫૦૬ આગળ થયેલ ગેરકાયદેસર દુકાનોનું બાંધકામ તાત્કાલિક તોડવા બાબત, ખદલપુર ગામના ઠાકોર સુરેશજી શિવાજીએ ગામના તલાટી પંચાયતમાં અનિયમિત હાજર રહેતા હોવાની તેમજ પંચાયતના વી.સી. દ્વારા દાખલાઓની ફી કરતા વધુ નાણાંની માગણી થતી હોવા બાબત, વિસનગર જવાહર સોસાયટીમાં રહેતા પટેલ વિક્રમભાઈ મણીલાલે જવાહર સોસાયટીના રે.સ.નં.૨૭૯/૨ના હેતુફેર બાંધકામ બાબત, ખંડોસણ ગામના ચૌધરી ગણેશભાઈ લખુભાઈએ સરકારના ૧૫મા નાણાંપંચમાં ગામમાં થયેલ વિકાસકામોની માહિતી બાબત તથા કડા ગામના પરમાર જયેશભાઈ રમેશભાઈએ સરકારની વિવિધ યોજના અને ગ્રાન્ટમાંથી પરમાર વાસમાં ગટરલાઈન નાખવા બાબત રજુઆત કરી હતી. જેમાં પ્રાન્ત અધિકારીએ તમામ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કર્યો હતો. આ કાર્યક્રમમાં પ્રાન્ત અધિકારી દેવાંગભાઈ રાઠોડે ઉપસ્થિત જવાબદાર અધિકારી અને તલાટીઓને ઝડપી તેમજ નિષ્પક્ષ કામગીરી કરી પ્રજાને ન્યાય આપવા જાહેરમાં ટકોર કરી હતી. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ચિફ ઓફિસર પાર્થ ત્રિવેદી, ટી.ડી.ઓ સુચિબેન પટેલ, મહેસુલ નાયબ મામલતદાર અમૃતભાઈ ચૌધરી, નાયબ ટી.ડી.ઓ. ફાલ્ગુનીબેન પંડ્યા, તાલુકા પંચાયત વિસ્તરણ અધિકારી આશાબેન પટેલ, કાંસા તલાટી પિયુષભાઈ પટેલ, રંગપુર તલાટી હિરલબેન સહિત કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ખંડોસણ અને ખદલપુર ગામના અરજદારોએ ગ્રામ પંચાયતના બંન્ને તલાટીઓની કામગીરી સામે ગંભીર આક્ષેપો કર્યા હતા.