દેળીયુ તળાવ ચોમાસામાં પાઈપ લાઈનથી ભરવુ અશક્ય
- પાલિકા પ્રમુખ સહીતના હોદ્દેદારો વિકાસમા નડતરરૂપ પ્રશ્નોના નિકાલની રજૂઆત કરવામા નિરસ
પાલિકાની ચુંટણીમા ઉમેદવારી માટે પાર્ટીનો મેન્ડેટ માટે પ્રયત્નો થાય છે. ચુંટાયા બાદ મહત્વની કમિટિઓ લેવા ભલામણો તથા પ્રયત્નોથી મથામણ થાય છે. પરંતુ ઉચ્ચ હોદ્દાઓ મેળવી શહેરના વિકાસની ભલામણ કે રજૂઆત કરવા કોઈની પાસે સમય નથી. પાલિકાના ચુંટાયેલા સભ્યો અને મહત્વની કમિટિઓ ભોગવનાર ચેરમેનોની નિરસતાથી અત્યારે દેળીયા તળાવની પાઈપ લાઈન કામગીરી પૂર્ણ થવાના આરે હોવા છતા રેલ્વે અને માર્ગ મકાન વિભાગની મંજૂરી વગર અટકી છે. આ ચોમાસામા પાઈપ લાઈનથી દેળીયુ તળાવ ભરવુ અશક્ય છે.
વિસનગરનું ઐતિહાસિક દેળીયુ તળાવ પાઈપ લાઈનથી ભરવા માટે છેલ્લા ઘણા વર્ષથી પ્રયત્ન થઈ રહ્યા છે. સૌનુ એ કોઈનુ નહી કહેવત પ્રમાણે આ તળાવના વિકાસ માટે હંમેશા અણગમો રાખવામા આવ્યો છે. રૂા.૪.પ કરોડના ખર્ચે પીંડારીયા તળાવનો વિકાસ કરવામા આવ્યો પરંતુ દેળીયા તળાવના વિકાસ માટે કોઈને રસ નથી. છેલ્લે પાલિકાના ભાજપના બોર્ડ દ્વારા તળાવ પાઈપ લાઈનથી ભરવા માટે ટેન્ડરીંગ કરાયુ હતુ. જેમા પણ કોન્ટ્રાક્ટરે હલકી ગુણવત્તાની પાઈપો નાખતા કામ બંધ કરાવી કોન્ટ્રાકટરને બ્લેક લીસ્ટ કરવામા આવ્યો હતો. ફરીથી ટેન્ડરીંગ કરી રૂા.૧.૭૦ કરોડના ખર્ચે ૩.૭૦ કિ.મિ.લાઈન નાખવા માટે વર્ક ઓર્ડર આપવામા આવ્યો હતો. કોન્ટ્રાક્ટરે યુધ્ધના ધોરણે કામ કરી વડનગર હાઈવે બાજુની ધરોઈની કેનાલથી દેળીયા તળાવ સુધીની પાઈપ લાઈનનુ લગભગ મોટાભાગના કામ પૂર્ણ કર્યુ છે. જ્યારે હવે રેલ્વે અને નેશનલ હાઈવેની મંજૂરીના અભાવે દેળીયા તળાવ પાઈપ લાઈન કામગીરીને ફરીથી ગ્રહણ લાગ્યુ છે.
જાણવા મળ્યા પ્રમાણે વડનગર હાઈવે નીચેથી પુશીંગથી પાઈપ લાઈન નાખવા દરખાસ્ત કરવામા આવી છે. ત્યારે રેલ્વે લાઈન નીચે પાઈપ લાઈન નાખવાની મંજૂરી માટે દરખાસ્ત કરાઈ છે. પરંતુ આતો સૌ નુ એ કોઈનુ નહી એટલે તળાવ ઝડપી ભરાય તેવો પાલિકા હોદ્દેદારોમા કોઈ ઉત્સાહ જોવા મળતો નથી. પાલિકા વિરોધપક્ષના નેતા શામળભાઈ દેસાઈ દર જનરલમા વગાડી વગાડીને કહે છે કે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની વગનો ઉપયોગ કરી વિકાસ કામમા જેટલો લાભ લઈએ એટલો ઓછો છે. પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ બાંધકામ ચેરમેન જે.ડી.પટેલ કેબીનેટ મંત્રીનો ઉપયોગ કરી જો માર્ગ મકાન વિભાગ કે રેલ્વે વિભાગમાં રજૂઆત કરે તો મંજૂરી ઝડપી મળે તેમ છે. પરંતુ દેળીયા તળાવ પાઈપ લાઈન વિકાસ કામમાં પાલિકા સભ્યોમાં નિરૂત્સાહ જોવા મળી રહ્યો છે. જેથી આ વર્ષે પણ ચોમાસામાં પાઈપ લાઈનથી તળાવ ભરવુ અશક્ય બનશે. કુદરતી આવરા ઉપર જ તળાવ ભરવાનો મદાર રાખવો પડશે.