
કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલનો ગુનાખોરી કાબુમાં લેવા ડ્રીમ પ્રોજેક્ટવિસનગરને ૧૯૯ સીસીટીવી કેમેરાનુ સુરક્ષા કવચ

કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ જયારે વિસનગર માર્કેટયાર્ડના ચેરમેન પદે હતા ત્યારે શહેરને સીસીટીવી કેમેરાનુ સુરક્ષા કવચ આપવા પ્રયત્ન કર્યો હતો. જેમા માર્કેટયાર્ડ, વિસનગર પાલિકા અને લોકભાગીદારીએ આ પ્રોેજેક્ટ હાથ ધરવાનો હતો. પરંતુ દોઢ કરોડ રૂપિયા ઉપરનો પ્રોજેક્ટ હોઈ સંસ્થાઓ આટલો ખર્ચ કરવા આર્થિક સક્ષમ ન હોઈ પ્રોજેક્ટ પડતો મુકવામા આવ્યો હતો. મંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી પ્રોજેક્ટના પૂર્ણ ખર્ચની ગ્રાન્ટ મંજૂર થતા અત્યારે શહેરમાં આધુનિક ટેકનોલોજીના સીસીટીવી લગાવવાનુ કામ શરૂ થયુ છે. લોકસભાની ચુંટણી પહેલા પ્રચાર દરમ્યાન મંત્રીશ્રીએ શહેરને સીસીટીવી કેમેરાનું સુરક્ષા કવચ મળશે તેવુ જણાવ્યુ હતુ. જે કામ શરૂ થતા આવનાર સમયમાં અસામાજીક પ્રવૃત્તિઓ તથા ગુનાખોરી કાબુમાં આવશે.
વિસનગરમાં સોનાના દોરાની ચલીઝડપના બનાવો હમણાથી ખુબ જ ઓછા થઈ ગયા છે. પરંતુ મોબાઈલ ચોરી, ઘરફોડ ચોરી, બાઈક ચોરી, વિદેશી દારૂની હેરાફેરી જેવી ગુનાખોરીનુ પ્રમાણ નોંધપાત્ર વધ્યુ છે. દર આંતરે દિવસે ટુ વ્હીલર વાહન ચોરી કે મોબાઈલ ચોરીનો ગુનો નોંધાય છે. શહેરના લોકો સુરક્ષીત રહે અને ભય વગર ભ્રમણ કરી શકે તે માટે ઋષિભાઈ પટેલના છેલ્લા ઘણા સમયથી પ્રયત્ન હતા. ઋષિભાઈ પટેલ માર્કેટયાર્ડના ચેરમેનપદે હતા. ત્યારે લોકભાગીદારીથી શહેરમા સીસીટીવી લગાવવા પ્રયત્નો કર્યો હતો. જેમા ખર્ચ વધારે થતો હોવાથી પ્રોજેક્ટ સફળ બન્યો નહોતો. અત્યારે સરકારમાં ઋષિભાઈ પટેલન કેબીનેટ મંત્રી છે ત્યારે સરકારની વિવિધ યોજનાઓનો લાભ શહેરને મળી રહ્યો છે.
વાહન કયા વિસ્તારમાં ફર્યું તેવી ટેકનીક ધરાવતા કેમેરા લાગશે
સરકારના નેત્રમ યોજના અંતર્ગત વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ-ટુ માં શહેરની ગુનાખોરી કાબુમાં લેવા કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના ડ્રીમ પ્રોજેક્ટની કામગીરી શરૂ થઈ ગઈ છે. આ પ્રોજેક્ટમાં શુ છે તે જોઈએ તો શહેરની ફરતે આવેલા તમામ પ્રવેશ માર્ગ, શહેરની અંદર પ્રવેશતા નાના રસ્તાઓ, શહેરની અંદરના જાહેર માર્ગો સર્કલ વિગેર લગભગ ૩૩ જેટલા લોકેશન ઉપર ૧૯૯ જેટલા હાઈ રિઝોલ્યુશન સીસીટીવી કેમેરા લાગશે. આ ફુટેજમા કેમેરાનુ રિઝોલ્યુશન એટલુ હશે કે દુરના વ્યક્તિને ઝુમ કરીને સ્પષ્ટ જોઈ શકાશે. મુવેબલ કેમેરા થોડા સમયના અંતરે ઓટોમેટીક ફરતા રહેશે. કેમેરામાં ANPR (ઓટોમેટીક નંબર પ્લેટ રેકોગ્નાઈમેશન)ની ટેકનોલોજી છેે. જેમા વાહન એક કેમેરાની નજર તળે નિકળ્યુ હોય તો ૩૩ લોકેશનમાં કયાંથી પસાર થયુ તેની વિગતો જાણી શકાશે. કેમેરામા બી.એસ.એન.એલની ઓનલાઈન કનેકટીવીટી રહેશે. જેનુ એક મોટુ ડિસ્પ્લે સીટી પોલીસ સ્ટેશનમાં મૂકવામા આવશેે. જેની ઉપર સતત નજર રહેશે. જયારે મેઈન કંટ્રોલરૂમ મહેસાણામાં રહેશે. સીસીટીવી માટેનુ કામ શરૂ થઈ ગયુ છે. જેના લોકેશન સ્થળે બોક્ષીંગ ભરવામા આવ્યા છે. જેમા ૧૮ ફુટ ઉંચા પોલ ઉભા કરવામા આવશે. કેબીનેટ મંત્રીનો આ ડ્રીમ પ્રોજેક્ટ કાર્યરત થશે ત્યારે શહેરીજનો મુક્ત મને ફરી શકશે.