આરોગ્યમંત્રીના શહેરમાંજ સ્વચ્છતા અભિયાનના ધજાગરા
વિસનગર પાલિકામાં સ્વચ્છતા પાછળ વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. પરંતુ સ્વચ્છતા ઓછી થાય છે અને કૌભાંડો વધુ થાય છે. ખુદ સ્વચ્છતાના કમિટિના ચેરમેને મંજુર થયેલા બીલો અને આપવામાં આવેલ ચેકની પાલિકામાં આર.ટી.આઈ. કરી છે. શહેરમાં ઠેર ઠેર ગંદકી જોવા મળતા હવે ભાજપનાજ હોદ્દેદારો અકળાઈ ઉઠ્યા છે. પાલિકાના પૂર્વ પ્રમુખ ભરતભાઈ પટેલે વડનગરી દરવાજા પાસે કાયમ માટે રહેતી ગંદકી બાબતે બળાપો કાઢી આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલના શહેરમાંજ સ્વચ્છતા અભિયાનના ધજાગરા થતા હોવાનો રોષ ઠાલવ્યો છે.
ભાજપ હિન્દુ ધર્મ અને મંદિરોના નામે ચુંટણીમાં મત માગે છે. પરંતુ ધાર્મિક સ્થળની આસપાસ સ્વચ્છતા રાખી શકતા નથી. હમણા થોડા દિવસ અગાઉજ બકરી ઈદના તહેવારમાં વડનગરી દરવાજા આંગણવાડી કેન્દ્ર પાસેના કચરા સ્ટેન્ડમાં કોઈએ માંસના ટુકડા નાખ્યા હતા. પશુ-પક્ષીઓના કારણે આસપાસના મંદિરોમાં માંસના ટુકડા પડતા લોકોની ધાર્મિક લાગણી દુભાઈ હતી. પરંતુ હવે લોકો એટલા ભાજપમય બની ગયા છેકે ભાજપ વિરુધ્ધ કોઈ બોલી શકતુ નથી. વડનગરી દરવાજા પાસેની આ આંગણવાડી પાસે કાયમ ગંદકી અને કચરો જોવા મળે છે. કચરા સ્ટેન્ડમાંથી નિયમિત કચરો ઉપાડવામાં નહી આવતા બાળકોને ગંદકીની વચ્ચે આંગણવાડીમાં જવુ પડે છે. પાલિકામાં સ્વચ્છતાની વારંવાર રજુઆત કરવા છતા ભાજપના નામે મત મળતા હોવાથી કોઈની પડી નથી.
પાલિકાના પૂર્વ પ્રમુખ ભરતભાઈ પટેલનો બળાપો
સ્વચ્છતામાં રેઢીયાળ બનેલ પાલિકા સામે હવે ખુદ ભાજપના હોદ્દેદારો રોષ ઠાલવી રહ્યા છે. આ વિસ્તારમાંથી, નિયમિત અવર જવર કરતા પાલિકાના પૂર્વ પ્રમુખ ભરતભાઈ પટેલે વડનગરી દરવાજા પાસેના કચરા સ્ટેન્ડની ગંદકી બાબતે રોષ ઠાલવ્યો છેકે, અહીથી પસાર થતા મોઢે રૂમાલ રાખીને નિકળવુ પડે છે. બાજુમાંજ આંગણવાડી, પંચમુખી હનુમાનજી, મહાદેવજીના મંદિરો આવેલા હોવા છતા પાલિકા દ્વારા સ્વચ્છતાનુ ધ્યાન રાખી નક્કર કામગીરી કરવામાં આવતી નથી. પાલિકા પ્રમુખના વિચારથી કચરો નાખવા મુકવામાં આવેલ પાંજરામાંથી છેલ્લા પંદર દિવસથી કચરો ઉઠાવવામાં આવ્યો નથી તેવી પણ સ્થાનિકોની રજુઆત છે. પૂર્વ પ્રમુખે એવો પણ રોષ ઠાલવ્યો છેકે પાલિકા આ વિસ્તારમાં સ્વચ્છતા માટે નક્કર કામગીરી કરશે ખરી કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલના સ્વચ્છતા અભિયાનના ધજાગરા કરશે?