Select Page

દેશના ભાવિ વિકાસ માટે શિક્ષિત માનવધન જરૂરીશાળાઓની ઘટ, વર્ગખંડની ઘટ,શિક્ષકોની ઘટ,છતા શાળા પ્રવેશોત્સવના નામે તાયફા

દેશના ભાવિ વિકાસ માટે શિક્ષિત માનવધન જરૂરીશાળાઓની ઘટ, વર્ગખંડની ઘટ,શિક્ષકોની ઘટ,છતા શાળા પ્રવેશોત્સવના નામે તાયફા

તંત્રી સ્થાનેથી…
આઝાદીના ૧૦૦ માં વર્ષે એટલે કે ર૦૪૭ના ભારત દેશના વિકાસને લક્ષમાં રાખી અત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમા કેન્દ્ર સરકાર કામ કરી રહી છે. ર૦૪૭ સુધીનુ વિકસિત ભારત કેવુ હશે તેની કલ્પના કરવામા આવી રહી છે. દેશનો દરેક નાગરિક શિક્ષિત હશે તો સરકારની આ કામના પરિપૂર્ણ થવાની છે. અભણ અને ઓછુ ભણેલા લોકોનો દેશ કયારેય વિકાસ કરી શકતો નથી. શિક્ષણ થકી મેળવેલા સંસ્કારી સમાજની જન ભાગીદારી નહી હોય ત્યાં સુધી સરકાર ગમે તેટલા પ્રયત્નો કરે છતા આઝાદીના ૧૦૦માં વર્ષે ભારતની જે કલ્પના કરવામા આવી રહી છે તે પરિપૂર્ણ થવી અશક્ય છે. સમાજ શિક્ષિત બને તે માટે ગુજરાત સરકાર દ્વારા નરેન્દ્રભાઈ મોદીના મુખ્યમંત્રી કાળથી જે પ્રોજેક્ટ શરૂ કરવામા આવ્યો છે તે શાળા પ્રવેશોત્સવ અત્યારે ઉજવાઈ રહ્યો છે. ર૭ જુનથી ત્રણ દિવસ રાજ્યમા શાળા પ્રવેશોત્સવ ઉજવાયો. રાજ્યના મુખ્યમંત્રીથી માડીને, મંત્રીઓ, ધારાસભ્યો, ઉચ્ચ અધિકારીઓ શાળા પ્રવેશોત્સવમા ઉપસ્થિત રહ્યા અને ધો.૧ માં બાળકોને પ્રવેશ કરાવ્યો. કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ- ર૦ર૪ ના કાર્યક્રમો દરેક સરકારી પ્રાથમિક શાળામા થયા. જેમા કેટલીક શાળાઓમાં દાતાઓના સહકારથી બાળકોને સ્કુલ ડ્રેસ, શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહીત કરવામા આવ્યા. આ ત્રણ દિવસમા રાજ્યમાં જાણે એવો માહોલ ઉભો થયો કે સરકાર પાયાનુ શિક્ષણ આપવા કટીબધ્ધ છે. નરેન્દ્રભાઈ મોદીએ ચિતરેલા ચીલા પ્રમાણે ભાજપ સરકાર દ્વારા દર વર્ષે શૈક્ષણિક સત્રની શરૂઆતમા સરકારી શાળાઓમા કાર્યક્રમોનો ધમધમાટ કરે છે. ત્યારબાદ સરકારી શાળાઓ અને આ શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો સરકારી તંત્રના ધ્યાનમાંથી કોરાણે મૂકી દેવામા આવે છે. દેશના વિકાસ માટે ઉદ્યોગપતિઓને જમીનોની લ્હાણી થાય છે. કરોડોની સહાય કરવામા આવે છે. પરંતુ શિક્ષિત સમાજ નહી હોય તો વિકાસ કયાંથી થશે તે વિચાર કરવામા આવતો નથી. બાળકોને શિક્ષણ આપવા માટે ફક્ત દેખાવ કરવામા આવે છે, જ્યારે શિક્ષણ માટેની પાયાની જરૂરીયાતો માટેનો વિચાર કરવામા આવતો નથી. સરકારે વિદ્યાર્થીઓને શાળામા પ્રવેશ અપાવી ધુમ પ્રચાર કર્યો, પણ કડવી વાસ્તવિક્તા એ છે કે રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારમા એક નહી પણ અનેક સરકારી શાળાઓમાં શિક્ષણ માટે સુવિધાઓના નામે મીંડુ છે. પ્રવેશોત્સવના કાર્યક્રમોમા શિક્ષણ ક્ષેત્રે ગુજરાત હરણફાળ ભરી રહ્યુ છે તેવુ કહેવામા આવ્યુ. જો કે વરવી વાસ્તવિક્તાએ છે કે ગુજરાતમા શિક્ષણની સ્થિતિ વધુને વધુ કથળી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમા શિક્ષણ માટે માળાખાકીય પુરતી સુવિધા નથી. દર વર્ષે શિક્ષણ આપવાનો દેખાવ કરતી સરકારના ગુજરાતમા ૧૪૬૧ શાળા એવી છે જ્યાં એક્જ વર્ગ કાર્યરત છે. ૧૪પ૬ર શાળાઓમા એવી છે જેમા એક જ વર્ગમા એક કરતા વધુ ધોરણના વિદ્યાર્થીઓને બેસાડી અભ્યાસ કરાવવામા આવે છે. વિદ્યાર્થીઓ પ્રમાણે ૩૮૦૦૦ વર્ગખંડોની અછત છે. ૩૩પ૩ શાળામા ૧૦૬પ૮ ઓરડા જર્જરીત હાલતમા છે. રપ૭૪ શાળાઓ જર્જરીત છે. ૭પ૯૯ની શાળાઓમા પતરાની છત છે. વિદ્યાર્થીઓના અભાવે પ૬૧૬ શાળાઓ મર્જ કરવામા આવતા ઘર આંગણે શિક્ષણની વાતો પોકળ સાબીત થઈ છે. ૧૬૦૬ શાળાઓ માત્ર એક જ શિક્ષકથી ચાલતી હોવાથી વિવિધ વિષયના જ્ઞાનથી બાળકો વંચીત રહે છે. શિક્ષક વગર શિક્ષણ અશક્ય છે, ત્યારે ૪૦,૦૦૦ કરતા વધુ શિક્ષકોની ઘટ છે. ભયજનક સ્થિતિમા શાળાઓ હોવાથી ઘણા વાલીઓ તેમના બાળકોને શાળાઓમા મોકલતા નથી. ઓરડાઓની સુવિધા નહી હોવાથી ઘણી શાળાઓમા બાળકોને બહાર બેસાડીને શિક્ષણ આપવુ પડે છે. શાળાઓની ઘટ, વર્ગખંડોની ઘટ અને શિક્ષકોની ઘટ, તો દેશનુ ભવિષ્ય જેમના હાથમાં છે તે બાળકોને શિક્ષણ કંઈ રીતે મળી શકે. ડ્રોપ આઉટ રેસીયો વધે કે પરિણામ સારુ ન મળે તો આચાર્ય અને શિક્ષકોને દોષ આપવામા આવે છે. જયારે પાયાનુ શિક્ષણ આપવામા નિષ્ફળ ગયેલી સરકારને દોષી ગણી કોઈ દંડનીય કાર્યવાહી કરવામા આવતી નથી. દર વર્ષે શિક્ષણ સુધારાના નામે કરોડો રૂપિયાના ધુમાડો કરવામા આવે છે. પણ ગ્રામ્ય લેવલે શાળા કે શિક્ષણમાં સુધારો થતો નથી. સરકારને શિક્ષણનુ સ્તર સુધારવામા નહી પરંતુ પ્રવેશોત્સવ યોજીને દેખાડો કરવામા વધુ રસ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us