જી.ડી.હાઈસ્કુલના પૂનરૂધ્ધાર માટે મંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નો
વિસનગર નગરપાલિકા સંચાલિત જી.ડી. હાઈસ્કુલમાં કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલની અધ્યક્ષતામાં ગત શુક્રવારના રોજ પ્રાથમિક અને માધ્યમિક વિભાગના આચાર્યો, શિક્ષકો તથા પાલિકાના હોદ્દેદારોની મિટીંગ યોજાઈ હતી. જેમાં કેબિનેટ મંત્રીએ સંસ્થાના પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાં કથળતા શિક્ષણ બાબતે આચાર્યો, શિક્ષકો અને પાલિકા શિક્ષણ સમિતિના ચેરમેનનો ઉધડો લીધો હતો. સાથે સાથે શાળામાં શિક્ષણનુ સ્તર સુધારવા શું કરવુ જોઈએ તેનું માર્ગદર્શન આપ્યુ હતુ.
જી.ડી.હાઈસ્કુલમાં ધો.૧૧ અને ૧૨ સાયન્સના વર્ગો બંધ થતા શાળામાં કથળતા શિક્ષણની પોલ ખુલ્લી પડી
વિસનગરને શૈક્ષણિક નગરીનું બિરૂદ આપવામાં આવ્યુ છે. જેમાં શહેરની અન્ય શાળાઓની જેમ અગાઉ નગરપાલિકા સંચાલિત જી.ડી.હાઈસ્કુલમાં પોતાના બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ માટે શાળાના પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાં પ્રવેશ અપાવવા વાલીઓ ભલામણ કરતા હતા. પરંતુ આજે પ્રાથમિક અને માધ્યમિક વિભાગના આચાર્યો તથા કાયમી અને હંગામી શિક્ષકોના આંતરિક વિખવાદથી શાળાનું શિક્ષણ કાર્ય કથળ્યુ છે. શાળામાં ધો.૧ થી૮માં બાળકોની સંખ્યા ઘટી છે. જેમાં ધો.૧૦ બોર્ડના સૌથી ઓછા પરિણામથી જી.ડી.હાઈસ્કુલના શિક્ષણની પોલ ખુલ્લી પડી છે. જી.ડી.હાઈસ્કુલમાં ધો.૧૧-૧૨ સાયન્સના વર્ગો બંધ થતા શૈક્ષણિક નગરીમાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. આ શાળામાં કથળતા શિક્ષણમાં સુધારો લાવવા માટે વિસનગર ધારાસભ્ય તેમજ રાજ્યના કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલની અધ્યક્ષતામાં તા.૨૮-૬ના રોજ જી.ડી. હાઈસ્કુલમાં પ્રાથમિક તથા માધ્યમિકના આચાર્યો તથા શિક્ષકોની મિટીંગ યોજાઈ હતી. આ મિટીંગમાં મંત્રી ઋષિભાઈ પટેલે શાળામાં કથળતા શિક્ષણનો તાગ મેળવી પ્રાથમિક અને માધ્યમિક વિભાગના આચાર્યો, શિક્ષકો તથા પાલિકા શિક્ષણ સમિતિના ચેરમેન મનિષભાઈ બારોટનો ઉધડો લીધો હતો. સાથે સાથે શાળામાં ધો.૧ થી૮ના વર્ગોમાં બાળકોની સંખ્યા વધારવા શાળામાં શિક્ષણનું સ્તર સુધારવા શાળાના પુર્વ આચાર્ય, પુર્વ શિક્ષકો તથા શિક્ષિત આગેવાનોની એક કમિટિની રચના કરવા તેમજ સમયાંતરે શાળાના બાળકોના શિક્ષણની ગુણવત્તા ચકાસવા સુચન કરી જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ. જ્યારે શાળાના પુર્વ આચાર્ય ડી.એમ.પટેલે જણાવ્યુ હતુ કે, શાળાના દરેક શિક્ષકે પોતાના બાળકોને આજ શાળામાં ભણાવવા જોઈએ. જેથી અન્ય વાલીઓ પણ પોતાના બાળકોને શિક્ષણ આપવા આ શાળામાં મોકલે. આ સાથે તેમને શૈક્ષણિક ક્ષેત્રના પોતાના બહોળા અનુભવથી શાળામાં શિક્ષણની ગુણવત્તા સુધારવા બંન્ને આચાર્યો અને શિક્ષકોએ શું કરવુ જોઈએ તેનુ માર્ગદર્શન આપ્યુ હતુ. જોકે આ શાળામાં માધ્યમિક વિભાગના આચાર્ય મહેતા તેમજ પ્રાથમિક વિભાગના આચાર્ય જયદીપભાઈ પટેલ સહિત શિક્ષકો વચ્ચેનો આંતરિક વિખવાદ દુર કરવામાં નહી આવે ત્યાં સુધી શાળામા શિક્ષણનુ સ્તર સુધારવુ લોઢાના ચણા ચાવવા જેવુ ઘણુ મુશ્કેલ છે. આ મિટીંગમાં ચિફ ઓફિસર પાર્થ ત્રિવેદી, શહેર ભાજપ પ્રમુખ મનિષભાઈ પટેલ, પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, સી.આર.સી.પુર્વીબેન રાવલ, પાલિકા શિક્ષણ સમિતિના ચેરમેન મનિષભાઈ બારોટ, નિવૃત શિક્ષક કમલેશભાઈ પટેલ (ઉમતા) સહિત શહેરના શિક્ષણપ્રેમી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.