Select Page

વિસનગર ગંજબજાર વેપારી મંડળની આંદોલનની ચિમકી બાદ પાલિકા દ્વારા એપીએમસીથી કાંસા ચાર રસ્તા સુધી કેનાલની સફાઈ

વિસનગર ગંજબજાર વેપારી મંડળની આંદોલનની ચિમકી બાદ પાલિકા દ્વારા એપીએમસીથી કાંસા ચાર રસ્તા સુધી કેનાલની સફાઈ

વિસનગર ગંજબજારમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે પાલિકા તંત્ર દ્વારા એપીએમસી ગેટથી કાંસા ચાર રસ્તા સુધીની કેનાલમાં જેસીબી મશીનથી સફાઈ કામગીરી કરવામાં આવી હતી. આ સફાઈ કામગીરી દરમિયાન એપીએમસીના ચેરમેન પ્રિતેશભાઈ પટેલ, ચિફ ઓફિસર પાર્થ ત્રિવેદી, પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલ, એપીએમસી સેક્રેટરી કમલેશભાઈ પટેલ, સહિત નગરપાલિકા અને એપીએમસીના કર્મચારીઓ ખડેપગે હાજર રહ્યા હતા. કેનાલની સફાઈ વખતે નડતરરૂપ દબાણ દુર કરવામાં આવ્યા હતા.
કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી સરકારે ગંજબજારથી કાંસા રોડ ઉપર રામદેવપીર મંદિર સુધી વરસાદી પાણીના નિકાલ માટે પાઈપલાઈન નાખવા રૂા.૪ કરોડ મંજુર કર્યા છે-પ્રિતેશભાઈ પટેલ
વિસનગરમાં ભાજપ શાસીત નગરપાલિકાના સત્તાધિશોની વહીવટી અણઆવડતના લીધે ચોમાસામાં સામાન્ય વરસાદમાં ગંજબજારમાં પાણી ભરાય છે. વરસાદી પાણી ભરાવાના કારણે ગંજબજારના વેપારીઓના માલ સામાનને નુકશાન થાય છે. આ સમસ્યા બાબતે ગંજબજાર વેપારી મંડળના પ્રમુખ પી.સી.પટેલ અને એપીએમસીના ચેરમેન પ્રિતેશભાઈ પટેલને લેખિત રજુઆત કરી રોષ ઠાલવ્યો હતો. ત્યારે ચેરમેન પ્રિતેશભાઈ પટેલ સહિત બોર્ડના સભ્યોની હાજરીમાં પાલિકા ચિફ ઓફિસર પાર્થ ત્રિવેદી, પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ સહિત પાલિકાના કર્મચારીઓની મીટીંગ મળી હતી. જેમાં ગંજબજારમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે એપીએમસી માર્કેટથી કાંસા ચાર રસ્તા સુધી કેનાલની સફાઈ કરવાનું આયોજન કર્યુ હતુ. ત્યારબાદ ગત સોમવારના રોજ પાલિકા તંત્ર દ્વારા એપીએમસી માર્કેટના ભોજનાલયના ગેટથી કાંસા ચાર રસ્તા સુધીની કેનાલનો જેસીબીથી સ્લેબ તોડી કેનાલની સફાઈ કરવામાં આવી હતી. કેનાલની સફાઈમાં પુષ્કળ પ્રમાણમાં જામેલો કાદવ અને કચરો બહાર કાઢવામાં આવ્યો હતો. કેનાલની સફાઈ વખતે તાલુકા સેવાસદનના ગેટની બાજુમાં થયેલું કાચુ દબાણ દૂર કરાયુ હતુ. કેનાલની સફાઈ કામગીરી દરમિયાન કોઈ વિવાદ ન થાય અને કેનાલમાં સારી સફાઈ થાય તે માટે એપીએમસી અને પાલિકાના હોદ્દેદારો સ્ટાફ સાથે ખડેપગે હાજર રહ્યા હતા.
કેનાલની સફાઈ બાદ એપીએમસીના ચેરમેન પ્રિતેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલે ગંજબજારમાં ભરાતા વરસાદી પાણીના કાયમી નિકાલ માટે ગંજબજારથી કાંસા રોડ ઉપર રામદેવપીર મંદિર સુધી મોટી પાઈપલાઈન નાખવા સરકારમાંથી રૂા.૪ કરોડ મંજુર કરાવ્યા છે અને તેનું ટેન્ડરીંગ પણ કરાયુ છે. જેથી આગામી વર્ષના ચોમાસામાં ગંજબજારમાં કે આજુબાજુના વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા કાયમી દુર થશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us