Select Page

ગૌરવપથ ડેવલપમેન્ટ પ્રક્રિયા ત્રણ વર્ષથી અધ્ધરતાલ

ગૌરવપથ ડેવલપમેન્ટ પ્રક્રિયા ત્રણ વર્ષથી અધ્ધરતાલ

ભાજપના શાસનની ઉદાસીનતા વચ્ચે ત્રણ વખત એસ.ઓ.આર. રેટ બદલાયા

  • વર્ષાબેન પટેલના પ્રમુખકાળમાં પ્રથમ ટેન્ડરીંગ થયુ હતુ. પાંચમાં પ્રયત્ને એકજ એજન્સીએ ટેન્ડર ભર્યુ
  • ૪૫ ટકા એબોવ ટેન્ડર આવતા મંજુરી માટે પ્રાદેશિક કમિશ્નર કચેરીમાં મંજુરી માટે મથામણ

એકજ વિકાસ કામમાં જો ત્રણ વર્ષ સુધી પ્રક્રિયાનો પાર આવતો ન હોય તો વિસનગર ભાજપ શાસીત પાલિકામાં મહત્વના વિકાસ કામ ક્યારે થશે તેવા પ્રશ્નો થઈ રહ્યા છે. શહેરના નાક સમાન સ્ટેશન રોડ ગૌરવપથના વિકાસનુ કાર્ય ભાજપના નવા બોર્ડની શરૂઆતથી થઈ રહ્યુ છે. પ્રક્રિયા દરમ્યાન ત્રણ વખતતો એસ.ઓ.આર. રેટ બદલાયા. છેલ્લે એકજ ટેન્ડર આવતા તે પણ ૪૫ ટકા એબોવ આવતા પ્રાદેશિક કમિશ્નર કચેરીમાં મંજુરી માટે મોકલી આપ્યુ છે. ગોકળ ગાયની ગતિથી થતા વિકાસ જોઈ ગૌરવપથ હવે નવા બોર્ડમાં બનશે કે શુ તેવી ચર્ચાઓ થઈ રહી છે.
માર્ચ-૨૦૨૧ માં વર્ષાબેન પટેલે પ્રમુખનો ચાર્જ સંભાળ્યા બાદ ગૌરવપથ વિકાસ માટે ઠરાવ કરી ટેન્ડરીંગ કરવામાં આવ્યુ હતુ. સ્વ.ધારાસભ્ય પ્રહેલાદભાઈ ગોસાના પ્રયત્નોથી સ્ટેશન રોડ ઉપર ગૌરવપથ તૈયાર થયો હતો. પ્રહેલાદભાઈ ગોસાની સરકારમાં વગ અને પાલિકા તંત્ર ઉપર પુરો કંટ્રોલ હોવાથી અસામાન્ય ગતિથી ગૌરવપથનો વિકાસ થયો હતો. ગૌરવપથની ૨૦ વર્ષ કરતા વધારે જુની ડિઝાઈન અને ત્યારબાદ શહેરની વસતી તેમજ વાહનોની સંખ્યા વધતા અત્યારે એવી પરિસ્થિતિ સર્જાઈ છેકે શહેરના નાક સમાન આ રોડ જાણે લોકલ માર્કેટ બની ગયુ હોય તેમ જોવા મળે છે. આડેધડ વાહનોના પાર્કિંગ અને શાકભાજીની લારીઓના દબાણોથી ગૌરવપથની ટ્રાફીક સમસ્યા માથાનો દુઃખાવો સમાન બની છે.
વિસનગર શહેરની આગવી છાપ ઉપસાવે અને ગૌરવ વધારે તેવો ફુલ્લી ડેવલપ થયેલો એક પણ માર્ગ નથી. વર્ષાબેન પટેલના પ્રમુખકાળમાં નવો ડામર રોડ, ડિવાઈઝર, ગ્રીલ, પ્લાન્ટેશન, સર્કલ, સ્ટોર્મ વોટર લાઈન, લાઈટીંગ, પેવર બ્લોક સહીતની ડિઝાઈન તૈયાર કરી ગૌરવપથના રિનોવેશન માટે ટેન્ડરીંગ કરવામાં આવ્યુ હતુ. તે વખતે વર્ષ ૧૫-૧૬ ના એસ.ઓ.આર. રેટ ચાલતા હતા. ત્યારબાદ ૨૧-૨૨ ના એસ.ઓ.આર. રેટ પ્રમાણે નવો એસ્ટીમેટ બનાવી ફરીથી ટેન્ડરીંગ કરવામાં આવ્યુ હતુ. માલ સામાનના ઝડપી બદલાતા ભાવ તેમજ બીજી તરફ કેટલાક સભ્યોની હેરાનગતીથી કોન્ટ્રાક્ટરોમાં નિરૂત્સાહ દેખાતા ગૌરવપથના વિકાસની કામગીરી આગળ વધતી નહોતી. છેલ્લે તા.૬-૪-૨૦૨૪ ના રોજ પાંચમાં પ્રયત્નનુ ટેન્ડરીંગ કરવામાં આવ્યુ. જેમાં એકજ એજન્સીએ ટેન્ડર ભર્યુ હતુ. ૨૧-૨૨ ના એસ.ઓ.આર. પ્રમાણે ટેન્ડરીંગ થતા અને હાલમાં ૨૩-૨૪ ના એસ.ઓ.આર. રેટ અમલમાં છે. ત્યારે રૂા.૨.૮૨ કરોડના ખર્ચનુ ટેન્ડર ૪૫.૪૫ ટકા એબોવ આવતા મંજુરી માટે પ્રાદેશિક કમિશ્નર કચેરી ગાંધીનગર મોકલી આપવામાં આવ્યુ છે. ભાવનુ પૃથ્થકરણ કરી વ્યાજબી લાગશે તો મંજુરી મળશે.
વિસનગરના ધારાસભ્ય અત્યારે સરકારમાં વગ ધરાવતા કેબીનેટ મંત્રી છે. પાલિકાના જવાબદાર હોદ્દેદારો કેબીનેટ મંત્રીનો ઉપયોગ કરે તો મંજુરી મળી શકે તેમ છે. પરંતુ ભાજપના આ બોર્ડમાં જવાબદાર હોદ્દેદારોને વિકાસમાં રસ નહી હોવાથી ગૌરવપથનો વિકાસ ત્રણ વર્ષથી ઠેબે ચડ્યો છે. ભાજપનુ આ બોર્ડ જો આવા સામાન્ય કામ મંજુર કરાવી શકતુ નથી તો મહત્વના વિકાસ કાર્યો ક્યાંથી કરશે તેવી ટીકાઓ થઈ રહી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts