સરકારના શિક્ષણ વિભાગે નવા વર્ગખંડો નહી બનાવતા ખરવડા શાળાના ધો.૧ થી ૫ ના બાળકો વાડીમાં બેસવા મજબુર
ગુજરાતમાં ભાજપ સરકાર દર વર્ષે શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમો કરી બાળકોને સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ અપાવે છે. પરંતુ કડવી વાસ્તવિક્તા એ છે કે, આજે ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી પ્રાથમિક શાળાના વર્ગખંડો (ઓરડા) વર્ષોથી જર્જરીત હાલતમાં છે. જેમાં વિસનગર તાલુકાની ખરવડા પ્રાથમિક શાળાના આઠ વર્ગખંડો જર્જરીત હોવાથી ગામના બાલવાટીકાથી લઈને ધો.૧ થી ૫ના બાળકો ગામની ચૌધરી સમાજની વાડીમાં શિક્ષણ લેવા મજબુર બન્યા છે. ત્યારે આવી કથળેલી પરિસ્થિતીમાં શાળા પ્રવેશોત્સવના તાયફા શરમજનક કહેવાય.
ભાજપના નેતાઓ અને આગેવાનો પોતાના બાળકોને ઉંચી ફી ભરીને ખાનગી શાળાઓમાંઅભ્યાસ કરવા મોકલે છે
ગુજરાત સરકાર શિક્ષણક્ષેત્રે હરણફાળ ભરી રહી હોવાનો ભાજપના નેતાઓ જાહેરમાં દાવો કરે છે. પરંતુ વાસ્તવિક્તા જોતા ગુજરાતમાં શિક્ષણની સ્થિતી દિવસે દિવસે કથળી રહી છે. ત્યારે શિક્ષણનુ સ્તર સુધારવાની ડંફાશો મારતી ભાજપ સરકાર ગ્રામ્ય વિસ્તારોની સરકારી પ્રાથમિક શાળાઓના વિકાસ પ્રત્યે ઉદાસિનતા દાખવતા આજે કેટલીય શાળાના રૂમો જર્જરીત અને જોખમી હાલતમાં જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં સરકારી શાળાઓની બદ્તર હાલત જોઈ ભાજપના નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ પોતાના બાળકોને ખાનગી પ્રાથમિક શાળાઓમાં ઉંચી ફી ભરીને અભ્યાસ કરવા મોકલે છે. સામાન્ય પરિવારોના બાળકોને સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ અપાવવા દર વર્ષે શાળા પ્રવેશોત્સવના તાયફા કરે છે. વિસનગર તાલુકાના ખરવડા ગામની સરકારી પ્રાથમિક શાળાના આઠ વર્ગખંડો (ઓરડા) આશરે ૭૭ વર્ષ જુના અને જર્જરીત હાલતમાં છે. શાળાના આ વર્ગખંડોની દિવાલોમાં મોટી તિરાડો પડતા ચોમાસાની ઋતુમાં તેમાં બાળકોને બેસાડવા જોખમી છે. જેના કારણે આજે શાળાના બાલવાટિકાથી લઈને ધો.૧ થી ૫ના બાળકોને શિક્ષણ આપવા માટે ગામની ચૌધરી સમાજની વાડીમાં બેસાડવામાં આવે છે. જેમાં ચાલુ દિવસે વાડીમાં કોઈ સામાજીક પ્રસંગ હોય ત્યારે શિક્ષકો બાળકોને શિક્ષણ આપી શક્તા નથી. અગાઉ શાળાના પુર્વ આચાર્ય ગીતાબેન ચૌધરીએ વિસનગર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને પત્ર લખીને શાળામાં નવિન આઠ રૂમો બનાવવા કાર્યવાહી કરી હતી. ત્યારે તાલુકાના કાર્યપાલક ઈજનેરે આ શાળાના આઠ રૂમો જોખમી હોવાનો રિપોર્ટ પણ આપ્યો હતો. છતાં શિક્ષણ વિભાગના અધિકારીઓ અને ભાજપના હોદ્દેદારોએ આ શાળામાં નવા વર્ગખંડો બનાવવા જરાય રસ લીધો નથી. ભાજપના હોદ્દેદારો કોઈપણ ચુંટણી આવે ત્યારે વિકાસના નામે પ્રજાના મતો મેળવે છે. અને ચુંટણી જીત્યા બાદ પ્રજાને આપેલા વચનો ભુલી જાય છે. ત્યારે પ્રજાએ પણ ચુંટણી ટાણે ભાજપના આવા હોદ્દેદારો અને આગેવાનોને ઓળખવાની જરૂર છે.