વિસનગર બારનુ વકીલ ઉપર હુમલાને વખોડતુ આવેદન
રાજ્યમાં વકીલો ઉપર થતા હુમલાઓ અને ધમકીઓને ધ્યાને રાખીને વિસનગર બાર એસોસીએશને ગુરૂવારના રોજ મામલતદારને આવેદન આપીને વકીલો તથા તેમના પરિવારની સુરક્ષા અને સલામતી માટે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ અમલમાં લાવવા સરકાર સમક્ષ માંગ કરી છે. આ સાથે સવાલાના વકીલ ઉપર થયેલા હુમલામાં આરોપીઓની ઝડપી ધરપકડ કરી કડકમાં કડક સજા કરવાની માગણી કરી છે.
સમાજમાં વિવિધ પ્રશ્નોના હલ માટે વકીલની ભૂમિકા મહત્વની હોય છે. ગુજરાતમાં અત્યારે ૧,૫૦,૦૦૦ થી વધુ વકીલો વિવિધ કોર્ટમાં પ્રેક્ટીશ કરી રહ્યા છે. ન્યાયની પ્રક્રિયા અને સત્યની લડતમાં વકીલો ઉપર જીવલેણ હુમલા થયા છે. અને ધમકીઓ પણ મળે છે. જેના કારણે વકીલો નિર્ભય થઈને અસીલોના કેસો લડી શક્તા નથી. વકીલોના વ્યવસાયમાં તેમની સુરક્ષા અને સલામતી જરૂરી છે. તાજેતરમાં વિસનગર તાલુકાના સવાલા ગામના વકીલ પ્રજાપતિ શૈલેષકુમાર નારાયણભાઈને કોઈ અજાણ્યા શખ્સોએ રાત્રીના આશરે ૯-૩૦ કલાકે કેસની ચર્ચા કરવા બહાર બોલાવ્યા હતા. જ્યાથી અજાણ્યા શખ્સોએ અપહરણ કરવાના ઈરાદે વકીલને ગાડીમાં બેસાડી સવાલાથી ગણેશપુરા રોડ ઉપર વકીલને છરી બતાવી ગડદાપાટુનો માર મારી વકીલના ખિસ્સામાંથી રૂા.૨૨૦૦ અને મોબાઈલની લુંટ કરી અંધારામાં ફરાર થઈ ગયા હતા. આ ઘટનાથી વિસનગર બાર એસોસીએશનના વકીલોમાં ભારે રોષ ઉભો થયો છે. વિસનગર બાર એસોસીએશનના પ્રમુખ રાજેન્દ્રભાઈ જે.પટેલ, ઉપપ્રમુખ વિજયભાઈ આર.ચૌહાણ, મંત્રી હાર્દિકભાઈ એ.બારોટ તથા સહમંત્રી વસંતભાઈ એચ.ચૌધરીની આગેવાનીમાં ગુરૂવારના રોજ મામલતદાર એફ.ડી.ચૌધરીને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. જેમાં વકીલો ઉપર અવાર નવાર થતા હુમલાઓ અને ધમકીઓને ધ્યાને રાખીને ગુજરાત વિધાનસભામાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ તાત્કાલિક પસાર કરી વકીલો તથા તેમના પરિવારોની સુરક્ષા અને સલામતી કરવામાં આવે. તેમજ સવાલાના વકીલ શૈલેષકુમાર પ્રજાપતિ ઉપર થયેલા હુમલામાં આરોપીઓની ઝડપી ધરપકડ કરી તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિસનગર બાર એસોસિએશનના વકીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.