આરોગ્ય વિભાગમાં ભરતીના નામે લાખ્ખો પડાવનાર વિરુધ્ધ ફરિયાદ
આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલ ભરતી કૌભાંડના આક્ષેપમાંથી ઉગર્યા
- ભોગ બનનાર મહિલાની ફરિયાદ આધારે બોટાદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોધાયો
- સોશિયલ મીડિયામાં આરોગ્ય મંત્રીની પોસ્ટ મારા કાર્યાલયમાં જગદીશ પંચાલના નામથી પી.એ. કે કોઈ વ્યક્તિ કામ કરતો નથી
સમસ્ત ઠાકોર અને કોળી એકતા મિશન ગુજરાત દ્વારા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના પી.એ. તથા પી.એના મળતીયાઓએ નોકરીની લાલચ આપી કરોડોની છેતરપીંડીનો આક્ષેપ કરતુ મુખ્યમંત્રીને આવેદન આપતા આ વિવાદમાં આરોગ્ય મંત્રી ફસાયા હતા. અહેવાલના પગલે આરોગ્ય મંત્રીએ તુર્તજ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી કે, “મારા કાર્યાલયમાં જગદીશ પંચાલ નામથી પી.એ કે કોઈ વ્યક્તિ કામ કરતો નથી.” આ વાતની ગંભીર નોધ લઈને કડક પોલીસ કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ બાદ બીજાજ દિવસે ભોગ બનનાર મહિલાની ફરિયાદ આધારે બોટાદ પોલીસ સ્ટેશનમાં ત્રણ વિરુધ્ધ વિશ્વાસઘાત અને છેતરપીંડીનો ગુનો દાખલ કરવામાં આવતા ભરતી કૌભાંડના આક્ષેપથી આરોગ્ય મંત્રી ઉગર્યા છે.
ઘણા વર્ષો બાદ વિસનગરને મંત્રી પદ અને પ્રથમ વખત કેબીનેટ મંત્રી પદ મળ્યુ છે. ત્યારે મત વિસ્તારના મંત્રી વિવાદમાં ફસાય ત્યારે તે જાણવાની તમામ લોકોને તાલાવેલી હોય તે સહજ બાબત છે. ગુજરાત સરકારમાં ઉત્તર ગુજરાત પાટીદાર સમાજનુ નેતૃત્વ કરતા કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ કેટલાક અદના નેતાઓને ખટકતા તો હશેજ, જેથી આ મંત્રી વિરુધ્ધની સામાન્ય બાબતમાં વાતનુ વતેસર થાય તેમાં કંઈ નવાઈ નથી. સમસ્ત ઠાકોર અને કોમી એકતા મિશન ગુજરાત દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સંબોધીને આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ કે, રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના પી.એ જગદીશ પંચાલ સહિત શીલ્પાબેન દવે અને ભરતભાઈ સોલંકીએ વિદ્યાર્થીઓને નોકરીની લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો છે. આરોગ્ય વિભાગ ઉપરના આ ગંભીર આક્ષેપના અહેવાલથી ભારે ખળભળાટ મચ્યો હતો. અહેવાલના પગલે આરોગ્ય મંત્રીએ તુર્તજ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી કે, “મારા કાર્યાલયમાં આ નામથી પી.એ કે કોઈ વ્યક્તિ કામ કરતો નથી અને ભૂતકાળમાં પણ મારા મંત્રી કાર્યકાળ દરમિયાન આવા કોઈ પણ વ્યક્તિ મારા કાર્યાલયમાં કામ કરતા નહોતા કે સંપર્કમાં પણ નથી. આ વાતની ગંભીર નોંધ લઈને કડક પોલીસ કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.”
આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલની સોશિયલ મીડિયામા પોસ્ટના બીજાજ દિવસે પ્રત્યાઘાત જોવા મળ્યા હતા. જેમાં તા.૨૨-૭-૨૦૨૪ ના રોજ બોટાદ પોલીસ સ્ટેશનમાં બે વ્યક્તિઓના નામ જોગ અને મોબાઈલ નંબર આધારે છેતરપીંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોધાયો હતો. જેમાં ભોગ બનનાર બોટાદના હેતલબેન પરાગભાઈ ગોહિલ દ્વારા ફરિયાદ આપવામાં આવી છેકે, તેઓ તેમના પતિ પરાગભાઈ ગોહિલ સાથે સાળંગપુર મંદિર દર્શન કરવા ગયા હતા. જ્યા સાળંગપુર મંદિરની હોસ્પિટલમાં ર્ડાક્ટર તરીકે સેવા આપતા ભરતભાઈ બચુભાઈ સોલંકી સાથે દેવેન્દ્રભાઈ આણભાઈ પરમારે સંપર્ક કરાવ્યો હતો. આ મુલાકાતમાં ભરતભાઈ સોલંકીએ જણાવ્યુ હતું કે, મુળ લીંબડીના અને અમદાવાદ રહેતા શીલ્પાબેન અજયકુમાર દવેની ગાંધીનગર સચીવાલયમાં સારી ઓળખાણ છે. સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવેલ સ્પર્ધાત્મક ભરતીઓ આવી રહી છે. તમારા સગા સબંધીઓને નોકરીનુ સેટીંગ કરવુ હોય તો શીલ્પાબેન વહીવટથી કામ કરી આપશે. જેમણે શીલ્પાબેન દવેનો મોબાઈલ નંબર પણ આપ્યો હતો. ફરી વખત સાળંગપુર જતા ભરતભાઈ સોલંકીના દવાખાનામાં શીલ્પાબેનની ઓળખાણ થઈ હતી. શીલ્પાબેને ગાંધીનગર ખાતે મંત્રીઓ સાથે સારી ઓળખાણ છે. કામકાજ હોય તો કહેજો તેમ કહ્યુ હતુ. ફરિયાદી હેતલબેન ગોહિલે શીલ્પાબેનને કહ્યુ હતું કે, મે છદ્ગસ્ સુધી અભ્યાસ કર્યા છે. આ બાબતની જાહેરાત આવે તો જણાવજો. થોડા દિવસ બાદ શીલ્પાબેને ફોન કરી જણાવેલ કે ફિમેલ હેલ્થ વર્કરની જાહેરાત આવેલ છે. ફોર્મ ભરી દેજો એટલે નોકરીનુ સેટીંગ કરી આપીશ. થોડા દિવસ બાદ શિલ્પાબેનનો ફોન આવ્યો હતો અને જણાવેલ કે મંત્રી સાહેબ સાથે વાતચીત થઈ ગઈ છે. ગાંધીનગર આવી જાવ ફોર્મ ભર્યા અંગેનો કોલ લેટર અને બે લાખ રૂપિયા લેતા આવવાનુ પણ જણાવ્યુ. હેતલબેન ગોહિલ તેમના પતિ સાથે ગાંધીનગર સચીવાલયમાં જતા શીલ્પાબેને એક વ્યક્તિનો પરિચય કરાવ્યો હતો. તેમનુ નામ જગદીશભાઈ જણાવેલ. જગદીશભાઈ મંત્રી સાહેબના પી.એ છે તેમ જણાવી ત્રણ મોબાઈલ નંબર આપ્યા હતા. મોબાઈલ નંબરવાળા વ્યક્તિઓએ જણાવેલ કે શીલ્પાબેન સાથે પૈસાનો વહીવટ કરી નાખો બધી વાતચીત થઈ ગઈ છે અને નોકરીનુ નક્કી થઈ જશે. શીલ્પાબેને બોટાદ આવી બે લાખ લેવાનુ કહેતા હેતલબેન તેમના પતિ સાથે બોટાદ પરત આવ્યા હતા.
શીલ્પાબેન દવે બોટાદ પહોચી હેતલબેન ગોહિલનો સંપર્ક કર્યો હતો. જેમાં હેતલબેને બે લાખ આપ્યા હતા. જેની બાહેધરી પેટે શીલ્પાબેન દવે બે લાખનો ચેક પણ આપ્યો હતો. થોડા દિવસ બાદ તમારી નોકરીનુ પાકુ થઈ ગયુ છે તેમ કહી શીલ્પાબેન બીજા છ લાખ રૂપિયાની માગણી કરી હતી. શીલ્પાબેન બરવાળા બસ સ્ટેશન પહોચી છ લાખ આપી જાવ એટલે નોકરીનુ ઓર્ડર મોકલાવી આપુ તેમ જણાવતા હેતલબેન ગોહિલ તેમના પતિ સાથે પહોચી છ લાખ રૂપિયા આપ્યા હતા. જે પૈસાની બાહેધરી પેટે શીલ્પાબેન રૂા.૬ લાખનો ચેક આપ્યો હતો.
ભરતીનુ પરિણામ આવતા તેમા હેતલબેન ગોહિલનુ નામ ન આવતા શીલ્પાબેનનો સંપર્ક કરતા જણાવ્યુ હતું કે, ચિંતા કરશો નહી વેઈટીંગ લીસ્ટમા તમારૂ નામ થોડા સમયમાં આવી જશે. વેઈટીંગ લીસ્ટમા પણ નામ ન આવતા શીલ્પાબેન પાસે પૈસા પરત આપવા માગણી કરી હતી. એક વર્ષ સુધી પૈસા નહી આપતા, આપેલા ચેક એકાઉન્ટમાં જમા કરાવતા ચેક બાઉન્સ થયા હતા. ત્યારબાદ શીલ્પાબેનનો સંપર્ક કરતા ક્યાંક સેટીંગ કરી આપુ છુ તેમ કહી વાયદા કરતા હતા. આ દરમ્યાન જાણવા મળ્યુ હતુ કે, શીલ્પાબેન દવે અને ભરતભાઈ સોલંકીએ અન્ય ૧૫ લોકો પાસેથી પણ નોકરીની લાલચ આપી કુલ રૂા.૪૩,૫૦,૦૦૦ ની છેતરપીંડી કરી હતી. હેતલબેન ગોહિલની ફરિયાદ આધારે બોટાદ પોલીસ સ્ટેશનમાં બોટાદના ભરતભાઈ બચુભાઈ સોલંકી, અમદાવાદ રહેતા શીલ્પાબેન અજયકુમાર દવે અને આપવામાં આવેલ ત્રણ મોબાઈલ નંબર આધારે આઈ.પી.સી. ૪૦૬,૪૨૦,૧૧૪ મુજબ ગુનો નોધાયો છે.