Select Page

વિસનગર તા.પંચાયતની જનરલમાં પંચશીલમાંથી ચાલતા વહીવટ સામે રોષ

વિસનગર તા.પંચાયતની જનરલમાં પંચશીલમાંથી ચાલતા વહીવટ સામે રોષ

વિસનગર તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ગામડાઓના વિકાસ કામોને લઈને મોટો હોબાળો થયો હતો. જેમા કોંગ્રેસના સદસ્યોએ છેલ્લા ત્રણ વર્ષથી પોતાના મત વિસ્તારમાં કોઈ કામો થતા નહી હોવાનો આક્ષેપ કર્યો હતો. જયારે ભાજપના બે-ત્રણ સદસ્યોએ થલોટા રોડ ઉપર આવેલ પંચશીલ કોલેજમાંથી દરેક ગામના વિકાસ કામનો નિર્ણય લેવાતો હોવાનુ જણાવી આડકતરી રીતે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના કુટુંબી ભાઈ સંજયભાઈ પટેલને આડે હાથ લીધા હતા. ભાજપના એક સદસ્યએ તો બધા વિકાસ કામના નિર્ણયો પંચશીલમાંથી લેવાતા હોય તો અમારી શું જરૂર છે. તેમ કહી અન્ય સદસ્યોને રાજીનામા આપવા ટકોર કરતા કોઈએ તેમની વાતનો વિરોધ નહી કરતા આગામી સમયમાં નવાજુનીના એંધાણની શક્યતા સેવાઈ રહી છે.
ભાજપના એક સદસ્યએ કહ્યુ કે જો પંચશીલમાંથી તાલુકાના દરેક ગમના વિકાસ કામો નક્કી થતા હોય તો અમારૂ(સદસ્યોનુ) શુ કામ છે,બધા સદસ્યો રાજીનામુ આપી દો
વિસનગર તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન વણકરની અધ્યક્ષતામાં અને ટી.ડી.ઓ. સુચીબેન પટેલની ઉપસ્થિતીમા ગુરુવારે બપોરે ૧ર-૦૦ કલાકે તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી હતી. આ સભામા આયોજન, એ.ટી.વી.ટી, નાણાપંચ સહીત સરકારની વિવિધ ગ્રાન્ટો અને યોજનામા ગામડાઓમા થનાર વિકાસ કામોની ચર્ચા કરવામા આવી હતી. જેમા તાલુકાના મોટા ભાગના ગામોમાં છેલ્લા ત્રણ વર્ષમાં વિવિધ ગ્રાન્ટો અને યોજનામાં ૬૦૦ થી વધુ કામો બાકી હોવાની ચર્ચા થઈ હતી. ત્યારે ખરવડા સીટના કોંગ્રેસના સદસ્યએ એવો આક્ષેપ કર્યા હતો કે અમે ગ્રામ પંચાયતમા ઠરાવ કરીને સુચવેલા કોઈ કામ થતા નથી. કોન્ટ્રાકટરની મીલીભગતથી વિકાસ કામ કરવામા આવે છે. અમારા વિસ્તારમા છેલ્લા ત્રણ વર્ષથી કોઈ કામો થયા નથી. બહારના ચાર-પાંચ વ્યક્તિના ઈશારે જ વિકાસ કામોના નિર્ણય લેવાય છે. જો કે અમારે વિકાસ કામમાં એકપણ રૂપિયો ખાવો નથી. અમે તો પ્રજાના કામો કરવા માટે ચુંટાયા છીએ. જયારે વિકાસ કામના ટેન્ડરીંગ મુદ્દે ભાજપના સદસ્યોએ એવી રજૂઆત કરી હતી કે પહેલા છેલ્લા ત્રણ વર્ષથી તાલુકાના કયા ગામમા કેટલા કામો બાકી છે તેની માહિતી આપો, અને બાકી કામો પહેલા પૂર્ણ કરો પછી નવા વિકાસ કામોનુ ટેન્ડરીંગ કરો. આ તો ગ્રામ પંચાયતના તલાટી વહીવટદારો મલાઈવાળા કામો કરે છે. તલાટીઓ સદસ્યોને ગાંઠતા નથી. સરકારની ગાઈડ લાઈન પ્રમાણે દરેક ગામમાં વિકાસ કામ થવા જોઈએ. જેમા ભાજપના એક સદસ્યએ પોતાનો બળાપો કાઢતા કહ્યુ કે જો તાલુકાના કયા ગામમાં કયા વિકાસ કામો કરવા તે પંચશીલ કોલેજમાંથી નક્કી થતા હોય તો તાલુકા પંચાયતમા અમારુ શુ કામ છે. ચલો બધા સદસ્યો રાજીનામુ આપો. અહી કેમ કોઈ સદસ્યો બોલતા નથી. મોંમાં મગ ભર્યા છે. જો કે ભાજપના આ સદસ્યની રજૂઆતમા અન્ય સદસ્યોએ મૌન ધારણ કરી આડકતરી રીતે પોતાનુ સમર્થન આપ્યુ હતુ. આ સભામા ઉમતા ગામમા થયેલ કાંસ સફાઈના મુદ્દે કોઈએ તાલુકાના ભાજપ-કોંગ્રેસના સદસ્યોને આર.પી.એ.ડી.થી માહિતી મોકલતા તાલુકા પંચાયત સ્ટેન્ડીંગ કમિટીના પૂર્વ ચેરમેન અંકિતભાઈ પટેલ અને તાલુકા સદસ્ય બિપીનભાઈ પટેલ (બોકરવાડા) વચ્ચે ભારે વાક્‌ યુધ્ધ થયુ હતુ. જો કે આ સભામા કેટલાક સદસ્યોને પોતાના વિસ્તારના વિકાસ કામોના મુદ્દા કરતા કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલના કુટુંબી ભાઈ સંજયભાઈ પટેલ ઉપર આડકતરી રીતે થતા વિરોધમાં વધુ રસ હોય તેવુ સ્પષ્ટ જોવા મળતુ હતુ. જયારે તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન વણકર કોઈ બાબતે નારાજ હોય તેમ આ મીટીંગના હોબાળાનો તમાશો જોઈ રહ્યા હતા. આ સામાન્ય સભામા થયેલા હોબાળાને જોતા આગામી ગ્રામ પંચાયતોની ચુંટણીમા મોટાભાગના ગામોમાં ભાજપ વિરોધી વિચારધારા વાળા સરપંચો ચુંટવા આજ સદસ્યો પડદા પાછળ મહત્વની ભૂમિકા ભજવે તો કંઈ નવાઈ નહી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us