Select Page

દંડક અમાજી ઠાકોરે બાફ્યુ – ભાજપના સભ્યોને બધી ખબર છે પાલિકા જનરલમાં વિરોધ પક્ષને બોલવાનો મોકોજ નહી

દંડક અમાજી ઠાકોરે બાફ્યુ – ભાજપના સભ્યોને બધી ખબર છે પાલિકા જનરલમાં વિરોધ પક્ષને બોલવાનો મોકોજ નહી

કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની થોડી ઘણી શેહ શરમ રાખવાના કારણે આજ પરિસ્થિતિ એવી થઈ છેકે વિસનગર પાલિકામાં વિરોધ પક્ષની કોઈ ગણનાજ રહી નથી. જનરલ સભામાં વિરોધ પક્ષના નેતા ઝીરો અવર્સમાં બોલવા ઉભા થયા ત્યારે દંડકે કોઈ ગણના નહી કરી એજન્ડાનુ કામ શરૂ કર્યુ હતુ. ત્યારે વિરોધ પક્ષના નેતાની હાલત બીચારા બાપડા જેવી થઈ ગઈ હતી. આ જનરલમાં કર્મચારીની બદલીના મુદ્દે શાસક પક્ષના સભ્યોમાંજ ભેદ જોવા મળ્યો હતો. શહેરમાં સ્વચ્છતાની કામગીરી કથળી છે. ત્યારે સભ્યો વચ્ચેના વિવાદના કારણે મનમાની કરતા કેટલાક કર્મચારીઓ ઘેલમાં આવી ગયા છે.
વિસનગર પાલિકાની જનરલ સભા તા.૩૧-૭-૨૦૨૪ ના રોજ પ્રમુખ ઉત્તમભાઈ પટેલની અધ્યક્ષતામાં તથા ચીફ ઓફીસર પાર્થકુમાર ત્રીવેદી દંડક અમાજી ઠાકોર તેમજી સભ્યોની ઉપસ્થિતિમાં મળી હતી. જનરલ બાદ ઠરાવો જોઈ કેટલાક સભ્યો હાજરી પત્રકમાં સહી કરતા નહી હોવાથી આ જનરલમાં પ્રથમ સભ્યોની સહીઓ લેવામાં આવી હતી. જનરલ સભાના એજન્ડાનુ કામ વાંચવા દંડક અમાજી ઠાકોર ઉભા થયા ત્યારે વિરોધ પક્ષના નેતા શામળભાઈ દેસાઈ ઝીરો અવર્સમાં રજુઆત કરવા ઉભા થતાજ દંડકે એજન્ડાના કામ પછી રજુઆત કરજો તેમ જણાવ્યુ હતુ. શામળભાઈ દેસાઈ ઝીરો અવર્સના નીતિ નિયમો જણાવતા હતા ત્યારે તેમની કોઈ દરકાર કર્યા વગર દંડકે માઈકમાં એજન્ડાનુ વાંચન શરૂ કરતાજ વિરોધ પક્ષના નેતાનો અવાજ દબાઈ ગયો હતો. ત્યારબાદ અપમાન થતા વિરોધ પક્ષના નેતા ઉભાજ રહ્યા હતા. વિરોધ પક્ષના નેતા શામળભાઈ દેસાઈ એક સિનિયર સભ્ય છે. પાલિકાના કાયદાના જાણકાર છે. ભાજપ શાસીત પાલિકાના ગેરવહીવટથી સારી રીતે વાકેફ છે. પરંતુ કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના કારણે થોડી ઘણી શેહ રાખતા ભાજપના સભ્યોએ વિરોધ પક્ષના નેતાનુ ધરાહર અપમાન કર્યુ હતુ. વિરોધ પક્ષના નેતામાં પાલિકાના બોર્ડને નેતર જેવુ કરે તેવી તાકાત અને આવડત છે. પરંતુ કેમ કૂણુ વલણ રાખે છે તે પ્રશ્ન છે.
વિસનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સ્વચ્છતાની કામગીરી ખાડે ગઈ છે. જ્યા જુઓ ત્યા ગંદકી જોવા મળે છે. સ્વચ્છતા વિભાગના કર્મચારીઓ ગાંઠતા નહી હોવાથી સ્વચ્છતા કમિટિના ચેરમેન જગદીશભાઈ પટેલે કોમન કેડર એક કર્મચારીની બદલી માટે કમિટિમા ઠરાવ કર્યો હતો. ત્યારબાદ સ્ટેન્ડીંગ કમિટિમાં ઠરાવ કરી પ્રમુખ સ્થાનેથી જનરલમાં ચર્ચા માટે આ ઠરાવ મુકવામાં આવ્યો હતો. ત્યારે પાલિકા સભ્ય રૂપલભાઈ પટેલે પાલિકાને કર્મચારીની બદલીનો ઠરાવ કરવાની સત્તા નથી તેવુ રજુઆત કરતાજ આ ઠરાવ મુદ્દે જનરલમાં સભ્યો વચ્ચે ભેદ જોવા મળ્યો હતો. સ્વચ્છતા ચેરમેન જગદીશભાઈ પટેલે પણ શહેરમાં સ્વચ્છતા રાખવી હશે તો કર્મચારીઓ ઉપર કંટ્રોલ જરૂરી છે તેમ કહી સંકલનમાં કેમ કોઈ બોલતુ નથી તેમ કહી રૂપલભાઈ પટેલની રજુઆતનો વિરોધ કર્યો હતો.
દંડક દ્વારા એજન્ડાના વંચાણ બાદ પાલિકાના હદ વધારવાના ઠરાવ બાબતે વિગતે ચર્ચા કરવા વિરોધ પક્ષના નેતા શામળભાઈ દેસાઈએ રજુઆત કરી હતી. ત્યારે દંડકે બાફ્યુ હતુ કે આ બાબતનો ભાજપના તમામ સભ્યોને ખ્યાલ છે. દંડકના જવાબથી વિરોધ પક્ષના નેતા ઉકળી ઉઠ્યા હતા કે શું વિરોધ પક્ષના નેતાને ભાજી મૂળા સમજી ગયા છે, કોંગ્રેસના સભ્યો પણ ચુંટાઈને આવ્યા છે અને પાલિકાની દરેક બાબતો જાણવાનો પૂરેપૂરો અધિકાર છે. આ જનરલમાં બે ફોગીંગ મશીન ખરીદવા, દેળીયા તળાવની સફાઈ, કોન્ટ્રાક્ટરોને મુદત વધારાના ઠરાવ સાથે ૩૭ ઠરાવો અને પ્રમુખ સ્થાનેથી રજુ થયેલા ઠરાવોની ચર્ચા થઈ હતી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts