પાલિકાની આંખ આડા કાન કરવાની નીતિથી પાણી ભરાવાના વિસ્તારનો વ્યાપ વધ્યો બે દિવસમાં ૧૦ ઈંચ વરસાદ-ગામતળ સિવાયનુ શહેર પાણીમાં
વિસનગરમાં બે દિવસમાં ૨૫૪ એમ.એમ. એટલે કે ૧૦.૩૯ ઈંચ વરસાદથી ગામતળ સીવાયના તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. એક સામટા પાંચ ઈંચ વરસાદથી ૧૯૯૭ મા પડેલા ૩૧ ઈંચ વરસાદથી જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી તે યાદ લોકમાનસમાં તાજી થઈ હતી. ભારે વરસાદમાં કડા ત્રણ રસ્તાથી હેરીટેજ વાળા રોડ ઉપર તથા મહેસાણા ચાર રસ્તા સ્વાગત હોટલ રોડ પ્રથમ વખત પાણી ભરાતા વરસાદી નાળા ઉપર થતા દબાણો સામે પાલિકાની આંખ આડા કાન કરવાની નીતિ ખુલ્લી પડી હતી. ધોધમાર વરસાદથી આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલ ગાંધીનગરથી વિસનગર દોડી આવ્યા હતા અને વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
૭ મી જુલાઈ અષાઢી બીજ બાદ વિસનગરમાં વરસાદની આતુરતાથી રાહ જોવાતી હતી. એકધારી ૪૫-૪૬ ડીગ્રી ગરમીથી ત્રાસી ગયેલા લોકો મેઘરાજા ક્યારે મહેરબાન થાય છે તેની રાહ જોતા હતા. ત્યારે હવામાન વિભાગની ગત અઠવાડીયે ભારે વરસાદની આગાહી વચ્ચે તા.૨૯-૭ ના રોજ સવારથીજ ધોધમાર વરસાદ શરૂ થતા ચાર કલાકના વરસાદમાં શહેરમાં જળ બંબાકાર જોવા મળ્યો હતો. ગામતળ સીવાયના તમામ વિસ્તારોની સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા. શહેરના ગૌરવપથ, સવાલા દરવાજા, બામણચાયડા, એમ.એન.કોલેજ રોડ, ગંજબજારથી કાંસા રોડ, કાંસા એન.એ. વિસ્તાર કાંસા રોડ, ખેરાલુ રોડ આખલી પરૂ, મહેસાણા ચાર રસ્તા સ્વાગત હોટલ રોડ, મહેસાણા ચાર રસ્તાથી કમાણા ચાર રસ્તા, કડા ત્રણ રસ્તાથી હેરીટેજ તરફનો રોડ, હેરીટેજ સોસાયટી, ફતેહ દરવાજા સવગુણ સોસાયટી વિસ્તાર, સવાલા દરવાજા દિપક ચાર રસ્તા જેવા જાહેર રોડ ઉપર બબ્બે ફૂટ જેટલા પાણી ભરાયા હતા. વિવેકાનંદ સોસાયટી, આખલી પરૂ, કાંસા એન.એ. વિસ્તારની સોસાયટીના મકાનોમાં પાણી ઘુસી જતા સામાનને ભારે નુકશાન થયુ હતુ.
કયા સમયે એક ઈંચથી વધુ વરસાદ
તારીખ સમય MM ઈંચ
૨૯-૭ સવારે ૮ થી ૧૦ ૨૬ ૧.૦૨
સવારે ૧૦ થી ૧૨ ૧૧૧ ૪.૩૭
૩૦-૭ સવારે ૬ થી ૮ ૨૮ ૧.૧૦
૩૧-૭ સવારે ૪ થી ૬ ૪૨ ૧.૬૫
ભારે વરસાદના કારણે પાણી ભરાતા હાઈવે ઉપર ટ્રાફીક જામ થઈ ગયો હતો. શહેરના તમામ માર્ગો ઉપર પાણી ફરી વળતા જન જીવન અસ્તવ્યસ્ત બની ગયુ હતુ. ૩ વ્હીલર અને નાના ફોર વ્હીલર લઈને નિકળી શકાતુ નહોતુ. ભારે વરસાદથી અમેરિકા, ચીન, જાપાન, રશીયા, ગલ્ફ કન્ટ્રી જેવા વિકસીત દેશોમાં પણ પૂર આવે છે અને ખાના ખરાબી થાય છે. પરંતુ પૂરની પરિસ્થિતિ બાદ બોધપાઠ લેવો પણ એટલોજ જરૂરી છે. અત્યારે ૪૦ વર્ષ કે તેથી ઉપરની ઉંમરના લોકોએ ૧૯૯૭ માં વિસનગરમાં આવેલ પૂર યાદ હશે. ૨૭ વર્ષ બાદ શહેરમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી.
વિસનગરમાં પડેલો વરસાદ
તારીખ MM કુલ ઈંચ
૨૮-૭-૨૪ સુધી ૨૦૩ ૨૦૩ ૭.૯૯
૨૯-૭ સવારે ૬ થી
૩૦-૭ સવાર ૫ સુધી ૧૬૩ ૩૬૬ ૧૪.૪૦
૩૦-૭ સવારે ૬ થી
૩૧-૭ સવાર ૫ સુધી ૧૦૧ ૪૬૭ ૧૮.૩૮
વિસનગરના વરસાદી પાણીનો નિકાલ કરતા વહેળા કે નાળા ઉપર જ્યારે પણ દબાણ થાય ત્યારે તેનો કેટલાક જાગૃત લોકો દ્વારા વિરોધ કરવામાં આવે છે. છેવટે તો બીલ્ડરોનુજ ચાલે છે અને દબાણો થયા રાખે છે. વરસાદી વહેળા ઉપર દબાણો થવાના કારણે મહેસાણા ચાર રસ્તા સ્વાગત હોટલ તરફના રોડ ઉપર અને કડા ત્રણ રસ્તાથી હેરીટેજ, પેરેડાઈઝ, શાલીગ્રામ સોસાયટી તરફના હાઈવે ઉપર પાણી ફરી વળ્યા હતા. આ વિસ્તારોમાં પ્રથમ વખત વરસાદી પાણી ભરાયુ હતુ. ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાવાની પરિસ્થિતિનો તાગ મેળવી આરોગ્ય મંત્રી તાત્કાલીક વિસનગર દોડી આવ્યા હતા. જેમણે વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી. જોકે જ્યા વધારે પાણી ભરાયા હતા. ત્યા જવાનુ ટાળ્યુ હતુ. બીજા દિવસે ૩૦ તારીખે ૪ ઈંચ વરસાદ પડ્યો હતો. બે દિવસમાં વિસનગરમાં કુલ ૧૦ ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદ બાદ વિસનગરમાં કુલ ૧૮.૩૮ ઈંચ વરસાદ નોધાયો છે.
ભારે વરસાદથી આરોગ્ય મંત્રી ગાંધીનગરથી વિસનગર દોડી આવી વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો
મહેસાણા ચાર રસ્તા પાસે અને કડા રોડ ઉપર પ્રથમ વખત વરસાદી પાણીમાં ઘરકાવ