Select Page

રંગાકુઈની એજન્સીને તળાવ ઉંડુ કરવા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો બાકરપુર ગૌચરની માટી ચોરીમાં પોલીસ ફરીયાદ કરવા ટીડીઓને આદેશ

રંગાકુઈની એજન્સીને તળાવ ઉંડુ કરવા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો બાકરપુર ગૌચરની માટી ચોરીમાં પોલીસ ફરીયાદ કરવા ટીડીઓને આદેશ


થોડા સમય પહેલા મહેસાણા સુજલામ સુફલામ વિભાગ દ્વારા વિસનગર તાલુકાના બાકરપુર ગામની સીમમાં આવેલ સર્વે નં.૩૭૬મા તળાવ ઉંડુ કરવા રંગાકુઈ ગામની એજન્સીને શરતો સાથે કોન્ટ્રાક્ટ આપવામા આવ્યો હતો. જેમા કોન્ટ્રાક્ટરે બાજુના સર્વે નંબરની ગૌચરની જમીનમાં ગેરકાયદેસર માટી ખનન કરી માટી ચોરી કરતા ગ્રામજનોએ તાલુકા અને જીલ્લા વહીવટીતંત્રને રજૂઆત કરી હતી. ત્યારે ખાણ અને ખનીજ વિભાગે તપાસ કર્યા બાદ રંગાકુઈ એજન્સીના કસુરવારો સામે પોલીસે ફરીયાદ દાખલ કરવા વિસનગર ટી.ડી.ઓને આદેશ કરતા ભૂમાફિયાઓમા ફફડાટ ફેલાયો છે. જયારે બીજી બાજુ આ માટી ચોરીની ફરીયાદમાં કોન્ટ્રાકટરને બચાવવા ગામના ભાજપના એક આગેવાન ધમપછાડા કરતા હોવાનુ ચર્ચાય છે.
રંગાકુઈ એજન્સીના કોન્ટ્રાક્ટર લાલાભાઈ દેવજીભાઈ ચૌધરી વિરૂધ્ધ પોલીસ ફરીયાદ ન થાય તે માટે ગામના એક સહકારી આગેવાન ધમપછાડા કરતા હોવાની ચર્ચા
વિસનગર તાલુકાના બાકરપુર ગામની સીમમાં આવેલ સર્વે નં. ૩૭૬માં તળાવ ઉંડુ કરવા મહેસાણા સુજલામ સુફલામ વિભાગ દ્વારા રંગાકુઈ ગામની ભાગ્યોદય અર્થે મુવર્સ એન્ડ કન્ટ્રકશન નામની એજન્સીને શરતો સાથે કોન્ટ્રાક્ટ આપવામા આવ્યો હતો. જેમા એજન્સીના કોન્ટ્રાક્ટરે ગામના સર્વે નં.૩૭૯ ની ગૌચરવાળી જમીનમાં હીટાચી અને જે.સી.બી. દ્વારા ગેરકાયદેસર માટી ખનન કરી આશરે ૮૦૦ ડમ્પર માટી ચોરી કરી હોવાનુ ધ્યાને આવતા ગામમાં મોટો હોબાળો થયો હતો. આ મામલે બાકરપુરના ગ્રામજનોએ પ્રાન્ત અધિકારી દેવાંગભાઈ રાઠોડ, મામલતદાર એફ.ડી.ચૌધરી તથા ટી.ડી.ઓ સુચીબેન પટેલને લેખિત રજૂઆત કરી ગૌચરમા ગેરકાયદેસર માટી ખનન કરનાર એજન્સીના જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. જેમા પ્રાન્ત અધિકારી દેવાંગભાઈ રાઠોડે મહેસાણા ખાણ અને ખનીજ વિભાગને તપાસ કરવા સુચના આપી હતી. જયારે ટી.ડી.ઓ.સુચીબેન પટેલે ગ્રામ પંચાયતના તલાટીને ગૌચરના ખોદાકામની તપાસ કરી તેનો રિપોર્ટ કરવા સુચના આપી હતી. જેમા મહેસાણા ખાણ અને ખનીજ વિભાગે તપાસ કર્યા બાદ બાકરપુર સીમની ગૌચર જમીનમાંથી ૩૩પર.૯૪ મેટ્રીક ટન માટીનુ ગેરકાયદેસર ખનન થયુ હોવાનુ જાણવા મળતા ગુજરાત પંચાયત અધિનિયમના પ્રકરણ પ ભાગ-૧ ની જોગવાઈના પેટાભાગ (ખ) મુજબ ગૌચરમાં ગેરકાયદેસર ખોદકામ કરી સરકારી તિજોરીને આર્થિક રીતે નુકશાન પહોચાડવા બદલ જવાબદારો સામે પોલીસ ફરીયાદ દાખલ કરવા તથા તેની કાર્યવાહીનો રિપોર્ટ દિન.૭ માં ભુસ્તર ખાતાની કચેરીમા મોકલવા ટી.ડી.ઓ. સુચીબેન પટેલને આદેશ કર્યો છે. ત્યારે ટી.ડી.ઓ. સુચીબેન પટેલે બાકરપુર ગૌચરની જમીનમાંથી ૩૩પર.૯૪ મે-ટન સાદી માટી ચોરી કરનાર જવાબદારો સામે પોલીસ ફરીયાદ કરવા યુધ્ધના ધોરણે કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે આ મામલે રંગાકુઈ એજન્સીના કોન્ટ્રાક્ટર લાલાભાઈ દેવજીભાઈ ચૌધરી સામે પોલીસ ફરીયાદ ન થાય તે માટે કોન્ટ્રાક્ટરના નજીકના સબંધી તેમજ રંગાકુઈ ગામના સહકારી આગેવાન ધમપછાડા કરતા હોવાનુ ગ્રામજનોમા ચર્ચાય છે. આ માટી ચોરીના કૌભાંડમાં કયા જવાબદારો સામે કયારે પોલીસ ફરીયાદ થાય છે તે જાણવા બાકરપુરના ગ્રામજનો ઉત્સુક બન્યા છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us