Select Page

નોકરી બદલીની ભલામણો સ્વિકારવામાં આવશે નહિ આરોગ્યમંત્રીના ધારાસભ્ય કાર્યાલયમાં લગાવેલ નોટીસથી ગણગણાટ

નોકરી બદલીની ભલામણો સ્વિકારવામાં આવશે નહિ આરોગ્યમંત્રીના ધારાસભ્ય કાર્યાલયમાં લગાવેલ નોટીસથી ગણગણાટ

ગુજરાત સરકારના કેબિનેટમંત્રી ઋષિકેશભાઈ પટેલના મત વિસ્તાર વિસનગર ખાતેના કાર્યાલયમાં કોઈની બદલી તથા નોકરીની ભલામણ સ્વિકારવામાં આવશે નહી. તેવી નોટીસ લગાવવામાં આવતા ભાજપના કાર્યકરોમાં ભારે ગણગણાટ ઉભો થયો છે. ભાજપના કાર્યકરોમાં એવી ચર્ચા છે કે, દરેક ચુંટણીમાં અમે પાર્ટી માટે રાત-દિવસ મહેનત કરીે છીએ. ભાજપ અમને તેનુ કોઈ મહેનતાણું આપતી નથી. જો પાર્ટીમાં અમારા જ કોઈ કામ થવાના ન હોય તો હવે ભાજપમાં રહેવાનો મતલબ શું? ધારાસભ્ય કાર્યાલયમાં લાગેલી નોટીસથી ભાજપના કાર્યકરો મનથી નહી પણ માત્ર તનથી જોવા મળશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.
વિસનગર ધારાસભ્ય કાર્યાલયમાં લાગેલી નોટીસથી ભાજપના કાર્યકરો હવે દરેક કાર્યક્રમમાં મનથી નહી પણ માત્ર તનથી જોવા મળશે
આજના રાજકારણમાં સત્તાધારી પક્ષ પોતાની સત્તા ટકાવી રાખવા વિરોધપક્ષના લોકો સાથે રાતોરાત ગમે તેવા સમાધાનો કરે છે. જેના કારણે પક્ષ પલટુઓ રાજકીય સોદા પાર પાડીને ભાજપમાં પોતાનું ધાર્યુ કરી રહ્યા છે. અત્યારે ભાજપના પાયાના આગેવાનો કરતા પક્ષ પલટુઓનો ભાજપમા ભારે દબદબો છે. આવા સમયે ગુજરાત સરકામાં બીજા નંબરનું સ્થાન ધરાવતા કેબિનેટમંત્રી ઋષિકેશભાઈ પટેલના વિસનગર ખાતેના ભાજપ કાર્યાલયમાં થોડી દિવસ પહેલા “બદલી તથા નોકરીની ભલામણ સ્વિકારવામાં આવશે નહી” તેવું કાચમાં નોટીસ ચોંટાડવામાં આવતા ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં ભારે ગણગણાટ ઉભો થયો છે. ભાજપના કાર્યકરોમાં એવી ચર્ચા છે કે, ધારાસભ્ય ઋષિભાઈ પટેલ ગુજરાત સરકારમાં બીજી વખત કેબિનેટમંત્રી બન્યા બાદ બદલાઈ ગયા છે. મંત્રી ઋષિભાઈ પટેલ તેમના કપરા સમયમાં પડખે રહેનારને ભુલી જાય છે અને વિરોધીઓને મહત્વ આપે છે. પાટીદાર અનામત આંદોલનમાં ભાજપ અને મંત્રી ઋષિભાઈ પટેલ સાથે ખભેખભો મિલાવી રહેતા નિષ્ઠાવાન કાર્યકરો કોરાણે ધકેલાયા છે. આજે નિષ્ઠાવાન કર્મઠ આગેવાનો અને કાર્યકરોના કામો થતા નથી. યુવા મોરચાના એક કાર્યકરે તો જાહેરમાં એવો રોષ વ્યક્ત કર્યો હતો કે કોરોનાના કપરા કાળમાં અમે યુવા મોરચાના કાર્યકરોએ લોકોના જીવ બચાવવા દિવસ-રાત જીવના જોખમે સેવા કરી હતી. કોરોનાના દર્દીઓના ઘરે ટીફીન પહોંચાડ્યા હતા. છતાં આજે મંત્રી ઋષિભાઈ પટેલ અમારૂ કોઈ કામ કરતા નથી. આવા તો વિસનગર શહેર અને તાલુકામાં ઘણા કાર્યકરો છે જેઓ કપરા સમયમાં ભાજપ અને મંત્રી ઋષિભાઈ પટેલ સાથે વફાદારી પુર્વક રહ્યા છે. ભાજપમાં કાર્યકરોને પોતાનું કામ થવાની આશા અને અપેક્ષા હોય છે. જોકે જે આગેવાન કે કાર્યકર ખોટી અને વારંવાર ભલામણ કરતા હોય તેમના કામ ન થાય તે સ્વાભાવિક છે. પરંતુ જે આગેવાન કે કાર્યકર ભાજપ માટે સતત કામ કરતો હોય તેમના કામ ન થાય તો કાર્યકર નિષ્ક્રિય થઈ જશે. ભાજપમાં કોઈ કાર્યકરને પગાર આપવામાં આવતો નથી. વિસનગર ધારાસભ્ય કાર્યાલયમાં લાગેલી નોટીસથી ભાજપના કાર્યકરો હવે દરેક કાર્યક્રમમાં મનથી નહી પણ માત્ર તનથી જોવા મળશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us