શહેરની હદ વધારવામાં તમામ રેવન્યુ સર્વે નંબરનો સમાવેશ
૨૮ વર્ષ પછી વિસનગરનો નવો વિકાસ નકશો તૈયાર
- સિનિયર સભ્યો ન કરી શક્યા તે પ્રથમ વખત ચુંટાયેલા ટી.પી.ચેરમેન મેહુલભાઈ પટેલે કરી બતાવ્યુ
- કાંસા એન.એ. વિસ્તારને પાલિકામા ભેળવવાનો ઠરાવ સર્વાનુમતે મંજુર
વિસનગર શહેરનો વિકાસ નકશો નહી બનતા શહેરની હદ વધારાની કાર્યવાહી અટકીને ઉભી હતી. ત્યારે પાલિકામાં પ્રથમ વખત ચુંટાયેલા ટી.પી.ચેરમેન મેહુલભાઈ પટેલની મહેનતથી એજન્સીએ વિકાસ નકશો તૈયાર કરીને આપતા મંજુરી માટેનો ઠરાવ કરવામાં આવ્યો હતો. કાંસા એન.એ. વિસ્તાર સહીત હદ વધારવા માટેનો પણ ઠરાવ કરવામાં આવ્યો છે. જેમાં વિસનગર ગ્રામ્ય વિસ્તારના તમામ સર્વે નંબરોનો સમાવેશ કરાયો છે. વિકાસ નકશા માટે બાંધકામ ચેરમેન જે.ડી.પટેલના પ્રયત્નો પણ મહત્વના હતા. કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના માર્ગદર્શનમાં વિકાસ નકશો તૈયાર થતા હદ વધારાની દરખાસ્તના દ્વાર ખુલતા તેનો વિસનગર ગ્રામ્ય વિસ્તારની સોસાયટીઓને મોટો લાભ મળશે સાથે સાથે પાલિકાની આવક અને ગ્રાન્ટમાં પણ વધારો થશે.
વિસનગર શહેરનો વિકાસ નકશો છેલ્લે ૧૯૯૬ માં તૈયાર થયો હતો. ત્યારબાદ શહેરનો ઘણો વિકાસ થયો જેમાં વિકાસ નકશો ફરી બને તે જરૂરી હતુ. પરંતુ આ વિકાસ નકશા માટે કોઈએ દરકાર લીધી નહોતી. વર્ષ ૨૦૧૫ થી ૨૦ ના કોંગ્રેસ અને વિકાસમંચના શાસનમાં વિકાસ નકશો તૈયાર કરવા પ્રયત્નો કરાયા હતા. એજન્સીને કામ પણ આપવામાં આવ્યુ હતુ. પણ નકશો તૈયાર થઈ શક્યો નહોતો. વર્ષ ૨૦૨૧ થી ભાજપના શાસને સત્તા સંભાળતા દરેક જનરલમાં સભ્ય વિજયભાઈ પટેલે વિકાસ નકશો તૈયાર કરતી એજન્સી સામે સવાલો ઉભા કરી થયેલા ૮૦ ટકા પેમેન્ટ બાબતે કાર્યવાહી કરવા માગણી કરી હતી.
વર્ષાબેન પટેલના પ્રમુખકાળ બાદ બીજા અઢી વર્ષના શાસનમાં ટી.પી.ચેરમેનની જવાબદારી નિભાવનાર મેહુલભાઈ પટેલે શહેરની જરૂરીયાત પ્રમાણે વિકાસ નકશો તૈયાર કરવા બીડુ ઝડપ્યુ હતુ. વિકાસ નકશો તૈયાર કરતી અમદાવાદની એજન્સીને તાળા વાગી ગયા છે તેવુ કહેવાતુ હતુ, ત્યારે ચેરમેન મેહુલભાઈ પટેલ અને બાંધકામ ચેરમેન જે.ડી.પટેલ અમદાવાદ એજન્સીની ઓફીસે પહોચતા એક કોમ્પલેક્ષમાં ત્રણ માળ સુધી ઓફીસ ધમધમતી હતી. એજન્સીના સંચાલકને વિકાસ નકશા બાબતે પૃચ્છા કરતા ૯૦ ટકા કામ પૂર્ણ થઈ ગયુ હોવાનુ જણાવ્યુ હતુ. ટી.પી.ચેરમેનની મદદથી બાકીનુ કામ પૂર્ણ કરી એજન્સીએ સંપુર્ણ વિગતો સાથેનો વિકાસ નકશો પાલિકામાં રજુ કર્યો હતો.
વિકાસ નકશો રજુ થતાજ ચેરમેન મેહુલભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ટાઉન પ્લાનીંગ કમીટીની મીટીંગ મળી હતી. જેમાં ટી.પી.ના સભ્ય સચીવ પ્રાન્ત ઓફીસર દેવાંગ રાઠોડ, નગર નિયોજક પરેશભાઈ ડી.મોદી, વિસનગર પાલિકાના ટાઉન પ્લાનીંગ જુનિયર નગર નિયોજક સ્વાતિબેન મોદી, ચીફ ઓફીસર પાર્થકુમાર ત્રીવેદી, સભ્ય મનિષભાઈ બારોટ, ચાર્મીબેન પટેલ, રંજનબેન પરમાર, શારદાબેન પટેલ તથા જે.ડી.પટેલે વિસનગરનો પુનરાવર્તિત વિકાસ નકશો રાજ્યપત્રમાં જાહેર કરવા તેમજ મંજુર વિકાસ યોજનામા દર્શાવેલ ડી. પી રોડનુ અમલીકરણ થયુ ન હોઈ સુચિત વિકાસ યોજનામાં સદર ડી.પી રોડ રદ કરી હયાત નેળીયા મુજબ રોડ સૂચવવા તથા વિસનગરની હાલની વસ્તી તેમજ વિકાસને ધ્યાને લઈ નગરપાલિકાને લાગુ ગ્રામ પંચાયત કાંસા એન.એ.ના તમામ સર્વે નં. તથા વિસનગરના તમામ રેવન્યુ સર્વે નં. ને ભેળવીને વિસનગર નગરપાલિકાની હદ વધારવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. વિસનગર પાલિકાની તા.૩૧-૭-૨૦૨૪ ની જનરલમાં ટી.પી કમીટીના વિકાસ નકશો તથા હદ વધારવાના બન્ને ઠરાવોને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી.
વિસનગર પાલિકાનો હદ વધારો ક્યા સુધી કરાયો તે બાબતે ટી.પી. ચેરમેન મેહુલભાઈ પટેલે જણાવ્યુ હતું કે, પાલિકાની હદ બહાર વિસનગર ગ્રામ્યમાં કુલ ૩૨૨૭ રેવન્યુ સર્વે નંબર આવેલા છે જે તમામ સર્વે નંબરોનો તથા કાંસા એન.એ. વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે. રોડ ઉપર ક્યા સુધી હદ વધી તે બાબતે ભૌગોલિક સ્થિતિ પ્રમાણે ટી.પી. ચેરમેને જણાવ્યુ હતું કે મહેસાણા રોડ ઉપર રામદેવપીર મંદિર સુધી જુની હદ હતી જેમાં સિધ્ધેશ્વરી માતાના મંદિર સુધી, કમાણા રોડ સત્યમ સોસાયટી સુધી હદ હતી જે ચીયર ફાર્મા સુધી, કડા રોડ ખોડીયાર માતાના મંદિરથી આગળ, વિજાપુર રોડ ધરોઈ કેનાલ સુધી, વડનગર રોડ ઉપર પાલડી ત્રણ રસ્તા સુધીજ હદ હતી જેમાં પાલડી રોડ ઉપર ધરોઈ કેનાલ સુધી, વડનગર રોડ ઉપર ર્ડા.મહિપતભાઈની કોલેજથી પણ આગળ સુધી હદ વધારો કરવામાં આવ્યો છે. વિસનગર શહેરની આસપાસના ગામડાની હદ સુધી અડતા તમામ રેવન્યુ સર્વે નંબરોનો હદ વધારામાં સમાવેશ કરવામાં આવ્યો છે.