માર્ગ મકાન વિભાગની નિષ્ક્રીયતાથી નર્કાગાર સ્થિતિ
વિસનગરમા મહેસાણા ચાર રસ્તા પાસે રામઝુંપડી હોટલ આગળ
વિસનગરમાં માર્ગ મકાન વિભાગની ધીમી અને નિષ્કીય કામગીરીથી અત્યારે હાઈવે ઉપરના વેપારીઓને સહન કરવાનો સમય આવ્યો છે. ચોમાસામા ખ્યાલ રાખ્યા વગર કેનાલનુ કામ શરૂ કરી હાલમા કામગીરી બંધ કરવામા આવતા લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. મહેસાણા ચાર રસ્તા પાસે રામઝુંપડી હોટલ આગળ હાઈવેની બન્ને સાઈડે અત્યારે એવી પરિસ્થિતિ થઈ છે કે આ વિસ્તારના લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. કેબીનેટ મંત્રીનુ શહેર હોવા છતા લોકોને પડતી મુશ્કેલીઓનો વિચાર નહી કરતા માર્ગ મકાન વિભાગ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
માર્ગ મકાન વિભાગ દ્વારા મહેસાણા ચાર રસ્તાથી કમાણા ચાર રસ્તા તરફ ડાબી બાજુમાં વરસાદી પાણીના નિકાલની આર.સી.સી. કેનાલ બનાવવામા આવી રહી છે. રોડ લેવલથી લગભગ એક ફુટ ઉચી કેનાલ બનાવતા વેપારીઓના ધંધા રોજગાર ઉપર અસર થવાની પ્રથમથીજ ફરીયાદ છે. ચાર માસ અગાઉ કેનાલ બનાવવાનુ કામ શરૂ કરાયુ હતુ. ચોમાસુ આવતુ હોવાનુ જાણવા છતા ગોકળ ગાયની ગતિએ કામગીરી કરતા અત્યારે એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે લોકોને અકસ્માતનો સતત ભય સતાવી રહ્યો છે. કેનાલનુ કામ બંધ છે અને આર.સી.સી.ના સળીયા અકસ્માતની રાહ જોઈને ઉભા છે. ર૯-૭-ના રોજ છ ઈંચ વારસાદના કારણે પાણી ભરાતા ખુલ્લી કેનાલ દેખાતી નહોતી જો કે નસીબ જોગે કોઈ અણબનાવ બન્યો નહોતો. રોડ ઉપર બે ફુટ પાણી ભરાયુ હતુ અને ચાર ફુટ ઉંડી કેનાલમાં કોઈ અજાણતામા પડી જાય તો શુ હાલત થાય તેની માર્ગ મકાન વિભાગના નઠોર અધિકારીઓને કોઈ પડી નથી. રામઝુંપડી હોટલ આગળ ખુલ્લી કેનાલથી આવિસ્તારના લોકોને અકસ્માતનો સતત ભય સતાવી રહ્યો છે. કેનાલનુ કામ ઝડપી પૂર્ણ થાય તેવી માંગણી છે.
હાઈવે રોડની પરિસ્થિતિ જોવા અને જાણવા શહેરના એક પણ અધિકારીને પડી નથી.રામ ઝુંપડી હોટલની સામેની બાજુના રોડ ઉપર સમર્પણ સોસાયટીની બાજુમા દાદા ઓટો આગળ છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાય છે. ગટર ઉભરાવાના કારણે હાઈવેનો રોડ ઘણા સમયથી તુટી ગયો છે. એમા ચોમાસાનુ પાણી ભરાતા મોટા ખાડા પડી ગયા છે. ગટરનુ પાણી ભરાયેલા ખાડા દેખાતા નહી હોવાથી હાઈવે ઉપર પસાર થતા નાના મોટા વાહનો ખટકાઈ રહ્યા છે. શ્રાવણ અને ભાદરવો ચોમાસાના હજુ બે માસ છે ત્યાં સુધી હાઈવે ઉપરના ખાડા પુરવામા નહી આવે તો વાહન ચાલકોની શુ હાલત થશે તેનો વિચાર કરવાનો કે ખાડા પુરવાનો કોઈની પાસે સમય નથી.