Select Page

વિસનગર તાલુકા સેવા સદનમાં ઉભરાતી ગટરથી ગંદકી

વિસનગર તાલુકા સેવા સદનમાં ઉભરાતી ગટરથી ગંદકી

જ્યાં શહેરની સ્વચ્છતા માટે ચર્ચા અને સુચનાઓ અપાય છે ત્યાં

વિસનગર તાલુકા સેવાસદનમાં ઘણા સમયથી ઉભરાતી ગટરથી ગંદકી ફેલાતા અરજદારો અને કર્મચારીઓને અસહ્ય દુર્ગંધ મારે છે. ભારે દુર્ગંધના કારણે અરજદારો અને કર્મચારીઓ કચેરીમાં રહી શક્તા નથી. ત્યારે ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં બીજા ગંદકીના પ્રશ્નોનો નિકાલ કરનાર પ્રાન્ત અધિકારી દેવાંગભાઈ રાઠોડ પોતાની કચેરીમાં ફેલાતી ગંદકી ક્યારે દુર કરશે તેવો પ્રશ્ન અરજદારો કરી રહ્યા છે.
ભાજપ સરકાર સ્વચ્છતા પાછળ લાખ્ખો રૂપિયાના ખર્ચા કરે છે. પરંતુ સ્થાનિક અધિકારીઓ અને જવાબદાર પદાધિકારીઓની નિષ્ક્રીયતાના લીધે મોટેભાગે શહેરી વિસ્તારમાં ઠેર ઠેર ગંદકી જોવા મળે છે. જેમાં વિસનગર તાલુકા સેવા સદન કેમ્પસમાં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાતા ગંદકી ફેલાઈ છે. સતત ભરાતા ગટરના પાણીથી જનસેવા કેન્દ્રના પાછળના ભાગે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. અને લીલા ઘાસની ચાદર પથરાઈ ગઈ છે. દિવસ દરમિયાન જનસેવા કેન્દ્ર અને ઈ-ધરા કેન્દ્રમાં અરજદારોનો ભારે ઘસારો રહે છે. ગંદકીની દુર્ગંધથી અરજદારો અને કર્મચારીઓ કચેરીમાં રહી શક્તા નથી. આ કેમ્પસમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી પુર્વે સ્વચ્છતા કામગીરી થાય છે. પરંતુ સેવાસદનના પાછળના ભાગે સ્વચ્છતા નહી થતા આ જગ્યાએ ગંદકી જોવા મળે છે. જેમાં વળી ગટર ઉભરાતા આ જગ્યાએ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયુ છે. તાલુકા સેવાસદનમાં અધિકારીઓ અને પદાધિકારીઓની પણ અવર જવર રહે છે. પરંતુ કોઈએ આ કચેરીમાં ફેલાતી ગંદકી દુર કરવા મામલતદાર કે પ્રાન્ત અધિકારીને રજુઆત કરી નથી. ત્યારે દર મહિને ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં શહેર અને ગ્રામ્યના ગંદકીના પ્રશ્નોનો નિકાલ કરનાર પ્રાન્ત અધિકારી દેવાંગભાઈ રાઠોડે પોતાની કચેરીમાં ઉભરાતી ગટરથી ફેલાતી ગંદકી ક્યારે દુર કરાવે છે તેવો પ્રશ્ન અરજદારો કરી રહ્યા છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us