Select Page

ખેરાલુમાં વેરા વધારાના વાંધા બાબતે વહીવટદાર કાર્યવાહી કરશે?-મુકેશભાઈ દેસાઈ

ખેરાલુમાં વેરા વધારાના વાંધા બાબતે વહીવટદાર કાર્યવાહી કરશે?-મુકેશભાઈ દેસાઈ

ખેરાલુ શહેરમા તઘખલી નિર્ણય દ્વારા તત્કાલીન ચિફ ઓફિસરે અસહ્ય વેરા વધારો કરી દેતા ખેરાલુ શહેરમાં ભારે હોબાળો મચી ગયો હતો. હોબાળા બાદ શહેર ભાજપ સંગઠન દ્વારા ચિફ ઓફીસર વિરુધ્ધ રાજ્ય સરકારમા રજૂઆત કરતા ધારાસભ્યની ભલામણથી બદલી થવાની વાતો સાંભળવા મળે છે. વેરા વધારાનો ઠરાવ થઈ ગયો હવે તેને રદ કરવાની સત્તા ચિફ ઓફીસર કે વહીવટદાર પાસે નથી. છતા લોકોનો આક્રોશ જોઈ ધારાસભ્ય દ્વારા જાહેરાત કરાઈ કે વેરા વધારો મોકુફ રહેશે. તે સમયે કોંગ્રેસ અગ્રણી તેમજ ખેરાલુ વહેપારી મહામંડળના પ્રમુખ મુકેશભાઈ દેસાઈ દ્વારા ધારાસભ્યના વચન પ્રમાણે વેરો વધશે નહી તેવુ લેખિત તત્કાલિન ચિફ ઓફીસર પાસે માંગતા ચિફ ઓફીસર ગેંગે ફેેંફેં કરતા હતા જેથી લોકોને ધારાસભ્યની વાત પર વિશ્વાસ આવ્યો નહોતો. હવે વેરા વધારાના જાહેરનામાને ૩૦ દિવસ ઉપરાંતનો સમય થતા ખેરાલુ વહેપારી મહામંડળના પ્રમુખ મુકેશભાઈ દેસાઈ મંગળવારે તા.૧૩-૮-ર૦ર૪ ના રોજ ચિફ ઓફીસરની મુલાકાતે પહોચ્યા હતા. કે વેરા વધારો પાછો ખેંચવા શુ કર્યુ ? તેની પુછતાછ કરતા નવા ચિફ ઓફીસરે કોઈ કાર્યવાહી કરી નથી તેમ જણાવ્યુ હતુ.
ખેરાલુ શહેરમાં મોટી સંખ્યામા મિલ્કતધારકો દ્વારા વેરો વધારો મોકુફ રાખવા વાંધા અરજીઓ આપી હતી. વેરા વધારો મોકુફ રાખવા બાબતે વહીવટદાર કે ચિફ ઓફીસરે હજુ સુધી લોકોને રૂબરૂ બોલાવી સાંભળ્યા નથી જેથી વેરા વધારો મોકુફ થયો નથી તે નિશ્વિત છે. ખેરાલુ શહેરમા રાજાશાહી પધ્ધતિ ન ચાલે આ લોકશાહી છે. લોકશાહીમા અધિકારીઓ સત્તાધારીઓના કહેવા પ્રમાણે આજનુ મોત કાલ ઉપર ઢોળી શકે છે. વેરો વધારાનો કદાચ હજુ એકાદ વર્ષ સુધી અમલ ન થાય તેવુ બને પણ વેરા વધારો રદ કરવા માટે કાયદેસરની કાર્યવાહી કરવી પડે તે કોઈજ કાર્યવાહી કરાઈ નથી.
મુકેશભાઈ દેસાઈએ જણાવ્યુ હતુ કે વેરા વધારાની ખેરાલુમા જરૂર જ નથી કારણ કે ર૦ વર્ષ પૂર્વે જયારે એરિયા બેઝ આકારણી શરૂ થઈ ત્યારે વડનગર, ખેરાલુ સહીત રાજ્યની ૧૭૪ નગરપાલિકાઓમાં તથા મહાનગર પાલિકામા મિલ્કતના ચોરસ મિટર પ્રમાણે વેરો વસુલવાનુ શરુ કરાયુ હતુ. ખેરાલુ અને વડનગર શહેરના વેરામા રાત-દિવસ જેટલો મિલ્કત વેરામા તફાવત છે. કારણ કે એરિયાબેઝ આકારણીમાં રહેણાંક અને કોમર્શિયલ મિલ્કતોમા ઓછામા ઓછા તથા વધુમાં વધુ રૂપિયા મિટર દિઠ કેટલા લેવાય તેના નિયમો બનાવ્યા હતા. તે વખતે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા જેથી ઓછામા ઓછો વેરો વડનગર નગરપાલિકાએ સ્વીકાર્યો હતો જયારે ભ્રષ્ટાચારની લાલચમાં ખેરાલુ પાલિકાના સત્તાધિશો દ્વારા મિલ્કતનો મિટરદીઠ વધુમા વધુ વેરો નક્કી કરતા હાલ ખેરાલુની પ્રજા અસહ્ય વેરામા પિસાઈ રહી છે. જયારે ર૦ વર્ષ પૂર્વે મિલ્ક્ત વેરો વધુમાં વધુ નક્કી થયો ત્યારે પણ શહેરમાં હાલ થયો છે તેવો હોબાળો થયો હતો. તત્કાલિન પ્રમુખે તમામને સાંત્વના આપી હતી કે વેરો ઘટાડી દઈશુ. બીજી જનરલમાં ફરીથી ઠરાવ કરીશુ પરંતુ બીજી જનરલ આવે તે પહેલા વેરાનો ઠરાવ મંજૂર થઈ જતા હાલ લોકો વડનગર શહેર કરતા ડબલ વેરા ભરી રહ્યા છે. એરીયાબેઝ આકારણી આવી ત્યારે ભાજપની પાલિકામાં સત્તા હતી. અને હાલ પાલિકામાં ભાજપના ધારાસભ્યની સત્તા છે. જોઈએ હવે ધારાસભ્ય ખરેખર વેરા વધારો મોકુફ કરાવી શકે છે કે નહી તે તો સમય જ બતાવશે. જેણે વાંધા અરજીઓ આપી છે. તેની ઝેરોક્ષ નકલો સાચવી રાખજો લડાઈ લાંબી ચાલે તેવુ લાગે છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us