પાલડીમાં કેનેડાના વિઝાના બહાને લાખ્ખોની છેતરપીંડી રૂા.૫૯ લાખ તફડાવી પરિવારના સભ્યોનેજ વિદેશ મોકલી દીધા
વિસનગરમાં આવેલ ભારત ડેરીની દુકાનનો પરિવાર કેનેડાના વિઝા અપાવવાનુ કહેનાર પાલડીના પરિવારના વિશ્વાસમાં આવી રૂા.૫૯ લાખ ગુમાવ્યા છે. વિદેશના વિઝા અપાવવાનુ કહી લાખ્ખો તફડાવનાર પાલડીના પરિવારે તેમનાજ સભ્યોને કેનેડા મોકલી દેતા છેતરપીંડીનો ભોગ બનનારે પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે પાલડી ગામના એકજ પરિવારના ચાર ઈસમો વિરુધ્ધ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
વિસનગર તાલુકાના દઢિયાળ ગામના ધીરજકુમાર ચૌધરીના પિતા જયંતિભાઈ વિરસંગભાઈ ચૌધરી તથા મોટો ભાઈ રાહુલભાઈ ચૌધરી વિસનગરમાં એમ.એન.કોલેજ રોડ ઉપર મોહનનગર સોસાયટીના નાકે ભારત ડેરીની દુકાન ચલાવે છે. ધીરજકુમાર ચૌધરીએ બી.એસ.સી. બી.એડ. સુધી અભ્યાસ કર્યો છે. જેઓ તેમના પત્ની સાથે કેનેડા જવા માટે પ્રયત્નો કરતા હતા. આ દરમ્યાન વિસનગર તાલુકાના પાલડી ગામના ચૌધરી કેતુલ ઉર્ફે કેતન કેશુભાઈ તથા તેમના પત્ની કોમલબેન ચૌધરી ભારત ડેરીની દુકાને આવીને રાહુલભાઈ ચૌધરીને વાત કરી હતી કે અમે બધા સાથે મળીને વિઝા એજન્ટનુ કામ કરીએ છીએ. કોમલબેન ચૌધરીએ જણાવેલ કે મારા દિયર આશિષકુમાર કેશુભાઈ ચૌધરી પણ વિઝાના ધંધામાં સાથે છે. ચૌધરી સમાજના ઘણા છોકરાઓને કેનેડા, ઓસ્ટ્રેલીયા, અમેરિકા મોકલી આપ્યા છે. અમે કોઈ ઓફીસ ધરાવતા નથી. ઘરેથીજ કામકાજ કરીએ છીએ. અમારો સંપર્ક બીજા એજન્ટો સાથે છે. કોઈને વિદેશ જવુ હોય તો જણાવશો.
રાહુલભાઈ ચૌધરી ઘરે આવી વાત કરી હતી. ધીરજકુમાર ચૌધરી અને તેમના પત્ની કેનેડા જવા ઈચ્છતા હતા. ત્યારે પાલડીનો વિદેશ વિઝાનુ કામ કરતો પરિવાર ભારત ડેરી ઉપર આવતા ચર્ચા કરી હતી. જેમણે જણાવ્યુ હતું કે ફેમીલી સાથે વિદેશ મોકલી આપીશુ, જોબ અપાવીશુ અને પી.આર. પણ કરાવડાવીશુ. ધીરજકુમાર ચૌધરી તેમના પિતા અને ભાઈ સાથે પાલડી ગયા હતા. જ્યા કેતુલભાઈ, કોમલબેન, આશિષભાઈ સાથે કેશુભાઈ ચૌધરી પણ હાજર હોવાથી વિદેશ જવા માટે વાત કરી હતી. જ્યા વિઝાનુ કામ કરનાર પરિવારે જણાવ્યુ હતુ કે, કેનેડા કપલ વિઝાના પૈસા વધારે થાય છે. પરંતુ સમાજના છોતો રૂા.૫૯ લાખ લઈશુ. જેમાં પ્રથમ રૂા.૨૦ લાખ એડવાન્સની વાત નક્કી થઈ.
ધીરજકુમાર ચૌધરી અને તેમના પત્નીને કેનેડા વિઝા માટે વાત નક્કી થતા દુકાન ઉપર શાહીબાગ ક્રેડીટ સોસાયટીમાંથી લોન કરાવેલ તેના ૧૧ લાખ પડ્યા હતા. બીજા તેમના સસરા ચૌધરી ભરતભાઈ શંકરભાઈ રહે.પ્રતાપગઢ વાળા પાસેથી રૂા.૬.૫૦ લાખ ઉછીના લીધા હતા અને ખેતીની આવકના રૂા.૨.૫૦ લાખ ભેગા કરી રૂા.૨૦ લાખ તથા ડૉક્યુમેન્ટ પાલડી જઈને આપ્યા હતા. જેનુ કોરા કાગળ ઉપર લખાણ કર્યુ હતુ અને આશિષ ચૌધરીએ તેના એચ.ડી.એફ.સી. ખાતાનો રૂા.૫ લાખનો ચેક સીક્યોરીટી પેટે આપ્યો હતો. ત્યારબાદ વિઝાની ઝડપી પ્રોશેશ માટે બીજા રૂા.૧૦ લાખ માંગતા ધીરજકુમાર ચૌધરીએ ચીત્રોડીપુરામાં રહેતા તેમના મામા શંકરભાઈ સેધાભાઈ ચૌધરી અને વિરસંગભાઈ સેધાભાઈ ચૌધરી પાસેથી લાવીને આપ્યા હતા. જેનુ પણ કોરા કાગળમાં લખાણ કર્યા બાદ રૂા.૧૦૦ ના સ્ટેમ્પમા તમામ બાબતોનુ લખાણ કરી નોટરી કરાવ્યુ હતુ.
પાલડીના આ પરિવારે વિદેશ જવાની લાલચમાં ફસાયેલા ધીરજકુમાર ચૌધરીની મજબુરીનો બરોબરનો ગેરલાભ ઉઠાવી વિવિધ બહાને પૈસા માગતા ધીરજકુમાર ચૌધરીએ તેમના મામાજીના દિકરા કીરીટભાઈ લાલજીભાઈ ચૌધરી રહે. કિયાદરવાળા પાસેથી ઉછીના રૂા.૭ લાખ, ધંધાની આવકમાંથી રૂા.૧.૫૦ લાખ ફોઈના દિકરા દલસંગભાઈ મૂળજીભાઈ ચૌધરી રહે.તરભવાળા પાસેથી રૂા.૬ લાખ, ખેતીની આવકના રૂા.૧ લાખ, પિતાજીના બરોડા ગ્રામિણ બેંકના ખાતામાંથી રૂા.૫ લાખ, બેન્ક ઓફ ઈન્ડીયામા ગોલ્ડ લોન કરાવીને રૂા.૬.૫૦ લાખ મોટાભાઈ રાહુલભાઈ ચૌધરી પાસેથી રૂા.૨ લાખ એમ કુલ રૂા.૫૯ લાખ આપ્યા હતા. જે તમામ વ્યવહારનુ લખાણ કરાયુ હતુ. તા.૪-૧૧-૨૦૨૨ થી ૧૮-૬-૨૦૨૩ સુધીમાં તમામ રૂપિયા આપ્યા હતા.
વિસનગરમાં ભારત ડેરીનો પરિવાર વિશ્વાસમાં આવી છેતરપીંડીનો ભોગ બન્યો
સમય જતા તમારૂ કામ થઈ જશે ચીંતા કરતા નહી, વિશ્વાસ રાખજો તેમ કહી પાલડીના પરિવાર દ્વારા ખોટુ આશ્વાસન આપવામાં આવતુ હતુ. આશિષ ચૌધરીએ વોટ્સએપ કોલ કરી દિલ્હી ઈન્ટરવ્યુ આપવા જવાનુ જણાવતા ધીરજકુમાર ચૌધરી દિલ્હી જઈ ઈન્ટરવ્યુ પણ આપ્યુ હતુ. વિઝા બાબતે કોઈ કાર્યવાહી નહી થતા આશિષ ચૌધરીને ફોન કરતા ફોન બંધ આવતો હતો. ત્યારબાદ જાણવા મળ્યુ હતું કે, આશિષ ચૌધરી તેની પત્ની અને બાળકો સાથે તા.૫-૭-૨૦૨૪ ના રોજ કેનેડા જતો રહ્યો હતો. છેતરાયાનો અહેસાસ થતા તપાસ કરતા મેઘાઅલીયાસણાના ચૌધરી મૌલીકકુમાર ચેલજીભાઈ તથા બીજા ઘણા બધા લોકોને વિદેશ મોકલી આપવાની લાલચ આપી છેતર્યા હતા. દૂધની, ધંધાની, ખેતીની આવકમાંથી ઉછીના લઈ અને લોન લઈ રૂા.૫૯ લાખ આપ્યા હતા. ત્યારે વિઝા અપાવનાર છેતરપીંડીના પૈસાથી પોતેજ પરિવાર સાથે કેનેડા જતો રહેતા ધીરજકુમાર ચૌધરી દ્વારા આ બાબતે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારે પોલીસે પાલડી ગામના કેતુલ ઉર્ફે કેતન કેશુભાઈ ચૌધરી, આશિષકુમાર કેશુભાઈ ચૌધરી, કોમલબેન કેતુલભાઈ ચૌધરી તથા કેશુભાઈ ચૌધરી વિરુધ્ધ છેતરપીંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.