ખેરાલુના ચિમનાબાઈ અને વરસંગ તળાવમાં પાણી નાખવામાં રાજકીય ઉદાસીનતા
ખેરાલુ તાલુકાની જીવાદોરી સમાન ચિમનાબાઈ સરોવર અને સતલાસણા તાલુકાની જીવાદોરી સમાન વરસંગ તળાવમા ંનર્મદાના વહી જતા નીર કયારે આવશે તે બાબતે લોકોમા ચર્ચા શરૂ થઈ છે. ખેરાલુ વિધાનસભામા કોઈપણ સગવડ આંદોલન વગર મળતી નથી. અગાઉ ખેરાલુ -સતલાસણાના પ્રાણ પ્રશ્નોમા સિંચાઈના પાણી માટે આંદોલન થયુ હતુ. જેમા ડભાડ, ડાઓલ, ડાલીસણા, વરેઠા, મહેકુબપુરા અને રહીમપુરા ગામે ચુંટણી બહિષ્કાર કરતા ચાર ચુંટણીઓના બહિષ્કાર પછી તળાવો ભરવા પાઈપલાઈન નંખાઈ હતી. હવે જયારે નર્મદા ડેમ માં પુરતુ પાણી છે. ડેમમા વધારાનુ પાણી નદીમા છોડી વેડફાઈ રહ્યુ છે. મુખ્યમંત્રી દ્વારા તળાવો ભરવા માટે પાણી છોડવા સુચના આપી છે. છતા ખેરાલુ વિધાનસભાના ચિમનાબાઈ સરોવર અને વરસંગ તળાવમા નર્મદાનુ પાણી પહોચ્યુ નથી.
સિધ્ધપુરના ધારાસભ્ય તથા મંત્રી બળવંતસિંહ રાજપૂત પોતે જાગૃત હોવાથી ખેરાલુ તાલુકામાંથી પસાર થતી સાબરમતી-સરસ્વતી લીંક કેનાલની સફાઈ શરુ કરાઈ છે. ખેરાલુ તાલુકાના હિરવાણીથી સિધ્ધપુર માધુપાવડીયા ચેક ડેમ સુધી ૧૯ કિલોમીટરની કેનાલમા માટી ઘાસ અને ઝાડી ઝાંખરાની સફાઈ શરૂ કરાઈ છે. ઉપરવાસમાં વરસાદ થાય અને ધરોઈ ઓવરફલો થાય તો આ કેનાલ દ્વારા પાણી સિધ્ધપુર પહોચશે. હાલ ધરોઈડેમ ખાલી છે છતા તૈયારીઓ શરૂ કરાઈ છે. નર્મદા ડેમ હાલ ૯૦% ઉપરાંત ભરાઈ ગયો છે. છતા ચિમનાબાઈ સરોવર કે વરસંગ તળાવમા નર્મદાના પાણી નાંખવા ખેરાલુ તાલુકાની રાજકીય ઉદાસીનતાના કારણે પાણી મળવાના કોઈ સંકેત દેખાતા નથી.
પાટણ લોકસભાની ચુંટણીમા ખેરાલુ વિધાનસભાએ ૪૦ હજાર ઉપરાંતની લીડ આપી જીત માટે સિંહફાળો આપ્યો છે. છતા વિધાનસભાના પ્રાણ પ્રશ્ન સમાન ચિમનાબાઈ સરોવરકે વરસંગ તળાવ માટે રાજકી ઉદાસીનતાથી લોકો અકળાયા છે. ચાલુ વર્ષે ખેરાલુ અને સતલાસણા તાલુકાના તળાવો ભરાઈ જાય તેવો જોરદાર વરસાદ થયો નથી. ધરોઈ ડેમ પણ માંડ માંડ ૪૦ ટકા ભરાયો છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં વધુ પાણી આવી જતા નવ દરવાજા ખોલી દરીયામાં પાણી વહાવી દેવામા આવે છે. ચિમનાબાઈ સરોવર અને વરસંગ તળાવમા નર્મદાનુ પાણી નાંખવા ફરીથી આંદોલન કરવુ પડે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે. વિરોધ પક્ષ કોંગ્રેસ પણ આ બાબતે કેમ ચુપ છે. તળાવોમા પાણી ભરવા ગામે ગામના ખેડુતો એક મિટીંગ કરે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે. શ્રાવણ માસમાં તહેવારો આવતા હોવાથી ખેડુતોનો સિંચાઈનો પ્રશ્ન હાલ પુરતો હલ થાય તેવુ લાગતુ નથી. સિંચાઈ મંત્રી યુધ્ધના ધોરણે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વચન પ્રમાણે ખેરાલુ વિધાનસભાના તળાવો ભરવા સુચના આપે તે જરૂરી છે. ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી તળાવો ભરવા કેમ કોઈ કાર્યવાહી કરતા નથી તે એક યક્ષ પ્રશ્ન છે.