વિસનગર પાલિકાને ૯ વર્ષ બાદ વૉટર બાઉઝર મળશે
કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી રૂા.૮૫ લાખના ખર્ચે
- પાટીદાર આંદોલનમાં વોટર બાઉઝરને આગ લગાવતા અત્યાર સુધીની આગ હોનારતમાં ઘણુ નુકશાન થયુ
પાટીદાર અનામત આંદોલનમાં તોફાની ટોળાએ કરેલુ નુકશાન હવે ૯ વર્ષ બાદ ભરપાઈ થશે. પરંતુ આગ લગાવતા વિસનગર પાલિકાના ફાયર સ્ટેશનનુ વોટર બાઉઝર નકામુ બનતા અત્યાર સુધીની આગ હોનારતમાં જે નુકશાન થયુ તે નુકશાનની ક્યારેય ભરપાઈ થવાની નથી. ઘણા વર્ષથી વોટર બાઉઝરની માગણી કરવામાં આવતી હતી. ત્યારે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી રૂા.૮૫ લાખની કિંમતનુ વોટર બાઉઝર ફાળવણીની સૈધ્ધાંતિક મંજુરી મળી છે.
વિસનગર પાલિકાના તત્કાલીન સ્વ.ગીરીશભાઈ પટેલના પ્રમુખ કાળમાં સરકાર દ્વારા રૂા.૪૫ લાખના ખર્ચે મોટુ વોટર બાઉઝર ફળવાયુ હતુ. વર્ષ ૨૦૧૫ માં પાટીદાર અનામત આંદોલનના તોફાનોમાં ધારાસભ્ય ઋષિભાઈ પટેલની કંપની તિરૂપતી સરજનની ઓફીસમાં આગ લગાવતા પાલિકાનુ વૉટર બાઉઝર આગ હોલવવા ગયુ હતુ. ત્યારે કાંસા ચાર રસ્તા ઉપરજ તોફાની ટોળાએ વોટર બાઉઝરને આગ લગાવી હતી. વોટર બાઉઝરને નુકશાન કર્યુ તે વખતેજ તત્કાલીન પ્રાન્ત ઓફીસર વી.જી.રોરે લાગણી વ્યક્ત કરી હતી કે, ઘણી રજુઆતો બાદ સરકાર દ્વારા આવા મોઘા સાધનો ફળવાય છે. વોટર બાઉઝરની કિંમત કેટલી છે તે ભવિષ્યમાં થનારી આગ હોનારતો પરથી ખબર પડશે. ત્યારબાદ પાલડી ત્રણ રસ્તા પાસે જીનમાં, સમર્થ ડાયમંડમાં તથા અન્ય સ્થળોએ આગ લાગી તે સમયે મોટુ વૉટર બાઉઝર હોત તો ઘણુ નુકશાન થતુ અટકાવી શકાયુ હોત. પ્રાન્ત ઓફીસર વી.જી.રોરની ભવિષ્યવાણી મોટી આગ હોનારતમાં સાચી ઠરી.
ખેર તોફાની ટોળાને દિશા હોતી નથી અને મગજ ઉપર જ્યારે રોષ હોય ત્યારે સારા નરસાનો વિચાર રહેતો નથી. પાટીદાર અનામત આંદોલન બાદ પાલિકામાં સત્તા સંભાળવનાર વિકાસ મંચ અને કોંગ્રેસના ગઠબંધન શાસનથીજ ફાયર સ્ટેશનમાં વૉટર બાઉઝરની સરકારમાં માગણી કરવામાં આવતી હતી. ત્યારબાદના ભાજપના શાસનમાં પ્રથમ અઢી વર્ષની ટર્મમાં વર્ષાબેન પટેલ પ્રમુખ પદે ચાર્જ સંભાળ્યો ને તુર્તજ સમર્થ ડાયમંડમાં આગ હોનારત થતા વૉટર બાઉઝર ફાળવણીની માગણી તેજ બની હતી. જે માટે ધારાસભ્ય ઋષિભાઈ પટેલ પણ શહેરમાં વૉટર બાઉઝરની સુવિધા માટે એટલાજ પ્રયત્નશીલ હતા. પાલિકામાં ઉત્તમભાઈ પટેલે પ્રમુખનો ચાર્જ સંભાળ્યો કે તુર્તજ વૉટર બાઉઝરની માગણી કરવામાં આવી હતી. પ્રમુમ ઉત્તમભાઈ પટેલની રજુઆતમાં બીજી વખત કેબીનેટ મંત્રી બનેલા ઋષિભાઈ પટેલની વગનો અને પ્રયત્નોનો સહકાર મળ્યો. કેબીનેટ મંત્રીના પ્રયત્નોના કારણે સરકાર દ્વારા રૂા.૮૫ લાખના ખર્ચે વિસનગર પાલિકાને વૉટર બાઉઝરની ફાળવણી માટે સૈધ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે. જાણવા મળ્યા પ્રમાણે અન્ય પાલિકાઓમાં પણ ફાળવેલા ફાયર ફાયટરના સાધનોની ખરીદી કરવા સરકાર દ્વારા ટેન્ડરીંગ કરવામાં આવ્યુ છે. લગભગ ત્રણેક માસમાં ૯ વર્ષ પછી વિસનગર પાલિકામાં વૉટર બાઉઝર જોવા મળશે. જોગાનુજોગ ધારાસભ્ય ઋષિભાઈ પટેલની કંપની તિરૂપતી સરજનની ઓફીસમાં લાગેલા આગને હોલવવા જતા તોફાની ટોળાના કારણે પાલિકાએ વૉટર બાઉઝર ગુમાવ્યુ હતુ. ત્યારે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નો બાદ ફરીથી પાલિકાને વૉટર બાઉઝરની સુવિધા મળશે.