ખેરાલુ સતલાસણા હાઈવેનુ કામ પદયાત્રીઓ માટે મુશ્કેલીરૂપ બનશે
યાત્રાધામ અંબાજી ભાદરવી પૂનમના મેળામાં
- સાઈડો ખોદવાથી કોઈ ઝાડ નહી રહેતા પદયાત્રીકો માટે વિસામોની વ્યવસ્થા કરવી જરૂરી
ભાદરવી પૂનમના મેળામાં લાખ્ખો ભક્તો પગપાળા જગતજનની મા અંબાના ચરણોમાં શીશ નમાવવા અંબાજી જાય છે. પદયાત્રીકો અકસ્માતનો ભોગ બને નહી તે જોવાની જવાબદારી તંત્રની છે. ત્યારે ખેરાલુ થી સતલાસણા સુધી હાઈવેની કામગીરી ચાલતા આ માર્ગ પદયાત્રીકો માટે નડતરરૂપ બનશે. ખોદકામ અને ડાઈવર્ઝનના કારણે ઉબડ ખાબડ બનેલ રોડ ઉપર ચાલવામાં પદયાત્રીકોને ખુબજ મુશ્કેલી પડે તેમ છે. જે વિચાર તંત્ર દ્વારા ખાડા પુરી રોડ સરફેસ કરવામાં આવે તે ખુબજ જરૂરી છે.
ભાદરવી પૂનમે યાત્રાધામ અંબાજીમા વિસનગર, ખેરાલુ, સતલાસણાના માર્ગે હજ્જારોની સંખ્યામાં પદયાત્રીઓ પસાર થાય છે. ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, આણંદ, સૌરાષ્ટ્ર, લાઈનના ભાવનગર, લીંબડી, સુરેન્દ્રનગર, મહેસાણા, બહુચરાજી, ચાણસ્મા વિગેરે વિસ્તારના સંઘ વિસનગર ખેરાલુ, સતલાસણાના માર્ગે પસાર થાય છે. ત્યારે આ વર્ષે ખેરાલુ, સતલાસણાનો માર્ગ પદયાત્રીઓ માટે શ્રાપરૂપ બને તેમ જણાય છે. અત્યારે ખેરાલુ સતલાસણા વચ્ચે નેશનલ હાઈવેનુ કામ ચાલી રહ્યુ છે. રોડ પહોળો કરવા બંન્ને બાજુ સાઈડો ખોદવામાં આવી છે. જે.સી.બી. હીટાચી જેવા ભારે મશીનો તથા ડંપરોની અવર જવરના કારણે કેટલીક જગ્યાએ હયાત રોડને ભારે નુકશાન થયુ છે. રોડ ઉપર ખાડા પડી ગયા છે. આવી પરિસ્થિતિના કારણે પદયાત્રીઓને અનેક મુશ્કેલીઓ સહન કરવી પડે તેમ છે. રોડ સાઈડ ચાલવાના કારણે સાઈડો ખોદી હોવાથી રાત્રે અંધારામાં પદયાત્રી પડવાની પુરેપુરી શક્યતા છે. ઉબડ ખાબડ રોડથી કેટલીક જગ્યાએ કપચી ઉખડેલી હોવાથી પદયાત્રીને ચાલવામાં મુશ્કેલી ઉભી થવાની છે. ઉબડ ખાબડ અને કાકરીવાળા રોડથી ઉઘાડા પગે ચાલતા પદયાત્રીને ઈજા થવાની પણ શક્યતા છે. ડભોડા ઓવરબ્રીજની બન્ને સાઈડના સર્વિસ રોડની હાલતતો એટલી ખરાબ છે કે પદયાત્રીઓ ઉપરાંત વાહન ચાલકોને પણ પસાર થવામાં મુશ્કેલી સર્જાવાની છે. પદાયત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખી રોડ સરફેસ કરવાની તેમજ ખોદેલી સાઈડો પુરવાની તાતી જરૂરીયાત છે.
ખેરાલુથી સતલાસણા સુધીનો રોડ પહેલા મોટા વૃક્ષોથી છવાયેલો હતો. ભાદરવાના તપામાં આ વૃક્ષનો છાયડો પદયાત્રીઓ માટે થોડો થાક ખાવા અને આરામ કરવા વિસામા રૂપ બનતો હતો. અત્યારે રોડ પહોળો કરવા સાઈડો ખોદી નાખતા રોડની બંન્ને સાઈડ એક પણ વૃક્ષ બચ્યુ નથી. આવા સંજોગોમા પદયાત્રીને થોડો થાક ખાવા ક્યાં બેસવુ તે પ્રશ્ન ઉપસ્થિત થયો છે. ત્યારે તંત્રએ અને સેવા કેમ્પ કરતા સંચાલકોએ ખેરાલુ- સતલાસણા વચ્ચે વિસામા માટે કેમ્પ ઉભા કરે તે પણ એટલુજ જરૂરી છે.