વિસનગર સરકારી છાત્રાલયમાં ૯૩૦ સાયકલો ધુળ ખાતા કૌભાંડની શંકા
સરકારે વિદ્યાર્થીઓ માટે ફાળવેલ સાયકલોમાં કોનું કલ્યાણ?
- અગાઉ સરસ્વતી સાધના યોજનામાં વિદ્યાર્થીનીઓ માટે ફાળવેલી સાયકલોમાં મોટા કૌભાંડ બહાર આવ્યા છે. ગાંધીનગર સાયકલની એક દુકાનમાં તો આ સાયકલો રૂા.૪૦૦૦માં વેચાતી હોવાનું મોટુ કૌભાંડ પકડાયુ હતુ
ગુજરાત સરકારે સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધો.૯માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીનીઓને ઘરેથી શાળામાં આવવા જવા માટે મફત સાયકલ આપી શિક્ષણ માટે પ્રોત્સાહન પુરૂ પાડવામાં આવે છે. જેમાં સરકારે વિસનગર તાલુકાની ગરીબ અને મધ્યમવર્ગની વિદ્યાર્થીનીઓ માટે આશરે ૯૩૦ સાયકલ ફાળવી છે. પરંતુ મહેસાણા સમાજ કલ્યાણ ખાતાના જવાબદાર અધિકારીની વહીવટી અણઆવડત કે લાપરવાહીના કારણે છેલ્લા દોઢ મહિનાથી વિસનગર સરકારી કુમાર છાત્રાલય (વિ.જા.)ની ખુલ્લી જગ્યામાં સાયકલો ધુળ અને કાટ ખાતી હોવાથી મોટુ કૌભાંડ થવાની લોકોને શંકા ઉભી થઈ છે.
સરકારે ગરીબ અને જરૂરીયાતમંદ પરિવારોના કલ્યાણ માટે અનેક યોજનાઓ અમલમાં મુકી છે. પરંતુ અધિકારીઓની સરકારી સહાયમાં ખાયકી કરવાની ભ્રષ્ટ નિતિના લીધે ગરીબો સુધી સહાય પહોંચતી નથી. સરકારની ગરીબ કલ્યાણની યોજનામાં ભ્રષ્ટ અધિકારીઓનું જ કલ્યાણ થાય છે. બિન ભ્રષ્ટાચારી નિષ્ઠાવાન અધિકારીઓ તો લાભાર્થીના પૈસાની ચા પણ પીતા નથી. ગુજરાત સરકારે ગરીબ અને મધ્યમવર્ગની દિકરીઓને શિક્ષણ આપવા માટે કન્યા કેળવણી સહિત વિવિધ યોજના અમલમાં મુકી છે. જેમાં ધો.૯માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીનીઓને ઘરેથી શાળામાં આવવા જવા માટે સરસ્વતી સાધના યોજના અંતર્ગત મફત સાયકલ આપી શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. જોકે સરકારની આ યોજનામાં વિદ્યાર્થીનીઓ માટે ફાળવેલી યોજનામાં રાજ્યમાં કેટલીક જગ્યાએ મોટા કૌભાંડો પણ થયા છે. અગાઉ ગાંધીનગરની એક સાયકલની દુકાનમાં સરકારની સરસ્વતી સાધના યોજનામાં ફાળવેલી સાયકલો રૂા.૪૦૦૦માં વેચાતી હોવાનું કૌભાંડ પકડાતા મોટો હોબાળો થયો હતો. સરકારની આ મફત સાયકલની યોજના ભ્રષ્ટ બાબુઓ માટે આશિર્વાદરૂપ બની છે. દોઢ મહિના પહેલા સરકારે સરસ્વતી સાધના યોજનામાં વિસનગર શહેર અને ગ્રામ્યમાં ધો.૯માં પ્રવેશ મેળવનાર ગરીબ અને મધ્યમવર્ગની વિદ્યાર્થીનીઓને આપવા માટે સમાજ કલ્યાણ ખાતાને આશરે ૯૩૦ સાયકલ ફાળવી હતી. પરંતુ મહેસાણા સમાજ કલ્યાણ ખાતાના જવાબદાર અધિકારીની વહીવટી અણઆવડત કે લાપરવાહીના લીધે આ સાયકલો છેલ્લા દોઢ મહીનાથી શાળાઓમાં નહી પહોંચતા આજે તમામ સાયકલો વિસનગર સિનેપલ્સ સિનેમા પાછળ આવેલ સરકારી કુમાર છાત્રાલય (વિ.જા.)ની ખુલ્લી જગ્યામાં ધુળ અને કાટ ખાય છે. અને હજુ સુધી આ સાયકલો ક્યારે કઈ શાળામાં આપવાની છે તે પણ નક્કી નથી. જાણવા મળ્યા પ્રમાણે દર વર્ષે શાળાઓના આચાર્યને તેમના લીસ્ટ પ્રમાણે સાયકલો લઈ જવાની જાણ કરવામાં આવે છે. ત્યારે તેઓ વાહનમાં સાયકલો લઈ જઈ શાળામાં વિદ્યાર્થીનીઓને સાયકલનુ વિતરણ કરે છે. પરંતુ આ વર્ષે દોઢ મહિનાથી વધુ સમય થવા છતાં શાળાઓમાં સાયકલો મોકલવામાં નહી આવતા લોકોને કૌભાંડ થવાની શંકા ઉભી થઈ છે. જો આ સરકારી જગ્યામાંથી એકાદ-બે સાયકલની ચોરી થાય તો જવાબદારી કોની? તે પ્રશ્ન લોકોના મનમાં સતાવી રહ્યો છે.