Select Page

પાલિકાની સતત ઉપેક્ષા સામે દેળીયા તળાવનો આર્તનાદ કચરાને કિનારે મોકલ્યો હવે તો ખેંચીને કાઢો

પાલિકાની સતત ઉપેક્ષા સામે દેળીયા તળાવનો આર્તનાદ કચરાને કિનારે મોકલ્યો હવે તો ખેંચીને કાઢો

વિસનગરના ઐતિહાસિક દેળીયા તળાવના વિકાસ માટે પાલિકા દ્વારા કોઈ પ્રયત્ન કરવામા આવતા નથી. ત્યારે તળાવની બદ્દતર હાલત થતી રોકવા માટે પણ વિચારવામા આવતુ નથી. વર્ષોથી તળાવમા કચરાના ઢગ ખડકાયેલા છે. પરંતુ સફાઈ કરવા માટે નક્કર કાર્યવાહી થતી નથી. કુદરતની મહેરબાનીથી તળાવમા પાણી ભરાતા કચરો કિનારે આવી ગયો છે. ત્યારે હાલત જોઈ તળાવનો આર્તનાદ અનુભવાઈ રહ્યો છે કે કચરાને કિનારે મોકલ્યો હવે તો કાઢો. પાલિકાના નઠોર તંત્રને પ્રજાનો આર્તનાદ સંભળાતો નથી તો તળાવનો આર્તનાદ કયાંથી સંભળાશે તેવી પણ લોકોમાં લાગણી જોવા મળી રહી છે.
વિસનગરના દેળીયા તળાવમા સ્વ. ગીરીશભાઈ પટેલના પ્રમુખકાળમાં સફાઈ કરાવવામા આવી હતી. ત્યારબાદ શકુંતલાબેન પટેલના પ્રમુખકાળમા સફાઈ થઈ હતી. ત્યારબાદ છેલ્લા છ વર્ષથી સફાઈ માટે કોઈ કામગીરી કરવામા નહી આવતા તળાવમા અત્યારે ચોમેર કચરો અને ગંદકી જોવા મળી રહી છે. પ્રમુખ ઉત્તમભાઈ પટેલના શાસનમાં થોડા સમય અગાઉ તળાવની સફાઈ માટેનો ઠરાવ કરવામા આવ્યો હતો. પરંતુ કામગીરી આગળ વધી હોય તેમ જણાતુ નથી. બે અઠવાડીયા પહેલા કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે શહેરમા સ્વચ્છતા અભિયાન કર્યુ ત્યારે શહેરના ગંદકી ધરાવતા વિસ્તારોમાં ભ્રમણ દરમ્યાન દેળીયા તળાવના છબીલા હનુમાન મંદિર રોડ તરફના ઘાટની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ દેળીયા તળાવની દુર્દશાનો તાગ મેળવ્યો હતો. મુલાકાત દરમ્યાન મંત્રીશ્રીએ આઠમનો મેળો આવતો હોઈ તળાવના કિનારા સાફ કરવા પ્રમુખ તથા ચીફ ઓફીસરને સુચના આપી હતી. પરંતુ મંત્રીશ્રીની સુચનાને કોઈએ ગણકારી નહોતી.
સાતમ આઠમના તહેવારો સમય ભારે વરસાદના કારણે દેળીયુ તળાવ ભરાઈ ગયુ છે. જેના કારણે તળાવની વચ્ચે રહેલો કચરો કિનારા અને ઘાટ સુધી આવી ગયો છે. પાલિકા ટેન્ડરીંગ કરે અને કોન્ટ્રાક્ટર કચરો કાઢે તેની ઘણો સમય થાય તેમ છે ત્યારે અત્યારે પાલિકા તંત્ર ઈચ્છા શક્તિ રાખે તો જેસીબી જેવા સાધનથી ઘાટ સુધી આવેલો કચરો કાઢી શકાય તેમ છે. તળાવ ભરાતા અત્યારે છબીલા હનુમાનજી મંદિર રોડ ઉપરના તમામ ઘાટ ઉપર કચરો જોવા મળી રહ્યો છે. તળાવ જયારે અડધુ ભરાયેલુ હતુ ત્યારે વચ્ચેથી કચરો કાઢી શકાય તેમ નહોતો. પર્યાવરણ પ્રેમી છબીલા હનુમાનજી મંદિરના રોડ ઉપરથી પસાર થાય છે ત્યારે જાણે તળાવનો આર્તનાદ સંભળાઈ રહ્યો છે કે કચરાને કિનારે મોકલ્યો હવે તો ખેંચીને કાઢો.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us