Select Page

વિસનગરનો હાઈવે માર્ગ મકાન વિભાગના ભ્રષ્ટાચારથી ખાડામાં

વિસનગરનો હાઈવે માર્ગ મકાન વિભાગના ભ્રષ્ટાચારથી ખાડામાં

કેબીનેટ મંત્રીના શહેરમાં પણ મિલાવટ કરતા ખચકાતા નથી

  • અંબાજી જતા પદયાત્રિઓને મંગળ ગ્રહ ઉપરથી પસાર થવાનો અનુભવ થશે
  • કડા ત્રણ રસ્તાથી પાલડી ત્રણ રસ્તા સુધી ખાડા રાજથી વાહન ચાલકો પરેશાન

ગુજરાતની મિલાવટવાળી સરકારના માર્ગ મકાન વિભાગની મિલાવટથી ખુદ કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના શહેરમાંજ હાઈવે ઉપર ખાડારાજ જોવા મળી રહ્યુ છે. ભ્રષ્ટાચારી તંત્રના કારણે વિસનગરના એક માત્ર હાઈવે ઉપર ખાડા નહી પણ ખાડામાંથી હાઈવે પસાર થતો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ચોમાસા પછી દર વર્ષે ખાડા પુરાય છે. રોડ ઉપર ડામર કારપેટ પાથરવામાં આવે છે અને બીજુ ચોમાસુ આવતાજ રોડ ધોવાતા મસ મોટા ખાડા પડી જાય છે. અંબાજી જતા પદયાત્રીઓની શરૂઆત થઈ ચુકી છે. તાત્કાલીક ખાડા પુરવામાં નહી આવે તો પદયાત્રિઓની શુ હાલત થશે તે વિચારવાનો તંત્ર પાસે સમય નથી.
વિસનગર એ કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલનુ શહેર છે. કેબીનેટ મંત્રીની સરકારના તંત્ર ઉપર દેખરેખ રાખવાની જવાબદારી હોય છે. પરંતુ વિસનગરના માર્ગ મકાન વિભાગના ભ્રષ્ટ તંત્ર ઉપર મંત્રી ઋષિભાઈ પટેલની દેખરેખ હોય તેવુ જણાતુ નથી. શહેરમાંથી કડા ત્રણ રસ્તાથી પાલડી ત્રણ રસ્તા સુધી એક માત્ર હાઈવે પસાર થાય છે. કેબીનેટ મંત્રીના શહેરમાં નમૂના રૂપ હાઈવે હોવો જોઈએ ત્યારે ચોમાસામાં હાઈવેની હાલત એટલી ખરાબ થઈ છેકે, હાઈવે ઉપર ખાડા નહી પણ ખાડામાંથી હાઈવે પસાર થતો હોય તેમ જોવા મળે છે. હાઈવે ઉપર કમાણા ચાર રસ્તા પાસે, સાહિન પાર્ક સોસાયટી નાકે, સમર્પણ સોસાયટી આગળ, મહેસાણા ચાર રસ્તાની આસપાસ, તિરૂપતી ટાઉનશીપના ગેટ આગળ, ક્રિષ્ણા હોસ્પિટલ આગળ, આઈ.ટી.આઈ. ફાટક પાસે, જી.આઈ.ડી.સી.આગળ, થલોટા ચાર રસ્તા પાસે આખલીપરૂ, દેણપ ત્રણ રસ્તા, પૂજા બંગ્લોઝ આગળ વિગેરે જગ્યાએ હાઈવેનો ૧૦૦ થી ૨૦૦ મીટરનો રસ્તો એવો નથી કે જ્યા ખાડા ન હોય.
સતત વરસતા વરસાદમાં પાણી ભરાયેલા રહેતા હોવાથી ખાડાની સાચી સ્થિતિ જોવા નહી મળતા અજાણ્યા વાહન ચાલકો પટકાયા વગર રહેતા નથી. ટ્રક જેવા મોટા વાહનો ખાડામાં ફસાતા તેમજ વાહનો આસાનીથી પસાર નહી થઈ શકતા હાઈવે ઉપર વારંવાર ટ્રાફીક જામ થાય છે. હાઈવે આસપાસની સોસાયટીમાં રહેતા લોકો પણ માર્ગ મકાન વિભાગના ખડારાજથી ત્રાસી ગયા છે. ભાજપના નેતાઓની વગથી બદલી થઈને આવેલા માર્ગ મકાન વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ એટલા નિર્લજ બની ગયા છેકે ખાડામાં પુરાણ કરવાની પણ તસ્દી લેતા નથી. કોન્ટ્રાક્ટરો પાસેથી મોટા હપ્તાની ખાયકી થતી હોવાથી પૂરતો ડામર અને યોગ્ય મટેરીયમ વપરાતુ નહી હોવાથી આ પરિસ્થિતિ દર વર્ષે સર્જાય છે. નોધપાત્ર બાબત છેકે પૂર્વ પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીના શાસનમાં શહેરનો ગૌરવપથ રોડ અને એમ.એન.કોલેજ રોડ ઉપર ડામર રોડ બનાવવામાં આવ્યો હતો. પાલિકાના કોન્ટ્રાક્ટરે યોગ્ય મટેરીયલ વાપરતા ચાર વર્ષ થવા છતા આ બન્ને રોડ ઉપર ચોમાસાના કારણે ખાડા પડ્યા નથી. એમ.એન.કોલેજ રોડ ઉપરથી પણ માલ સામાન ભરેલી મોટી ટ્રકો પસાર થાય છે છતા ખાડા પડ્યા નથી.
માર્ગ મકાન વિભાગની વિસનગર ઓફીસમાં ચાલતા વ્યાપક ભ્રષ્ટાચારથી હાઈવેની આ હાલત થઈ છે. ખીસ્સા ભરવાનીજ દાનત રાખતા આ વિભાગ ખુદ કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના હોમટાઉનના શહેરમાં પણ મિલાવટ કરતા વિચારતો નથી. હાઈવેની આવી હાલત પ્રથમ વખત થઈ છે. અગાઉ ક્યારેય આટલી હદે હાઈવે તૂટ્યો નથી. શહેરમાં કોઈ જોવાવાળુ નહી હોવાથી અને આવી હાલત જોઈ હવે લોકો ટીખ્ખળ કરી રહ્યા છેકે, “અંબાજી જતા પદયાત્રિઓને મંગળ ગ્રહ ઉપરથી પસાર થવાનો અનુભવ થશે.”
થોડી ગણી પણ શરમ બચી હોય તો હજુ પણ સમય છે. અંબાજી પદયાત્રિઓની સેવા અને સુવિધા માટે લોકો સેવા કેમ્પ કરે છે. વિસનગરમાં પદયાત્રિઓની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે વિસનગરના લોકોનો ખ્યાલ રાખવામાં ન આવે તો કંઈ નહી પણ પદયાત્રિઓનો ખ્યાલ રાખીને પણ હાઈવેના ખાડા તાત્કાલીક પુરવા જોઈએ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts