Select Page

વિસનગર પાલિકા પદયાત્રિકોની સેવા સુવિધા માટે તૈનાત

વિસનગર પાલિકા પદયાત્રિકોની સેવા સુવિધા માટે તૈનાત

પ્રમુખ ઉત્તમભાઈ પટેલના માર્ગદર્શનમાં માર્ગોની સફાઈ

  • સેવા કેમ્પોમાંથી કચરાનો નિકાલ કરાશે અને ફોગીંગ મશીનથી દવાનો છંટકાવ થશે-પ્રમુખ ઉત્તમભાઈ પટેલ

ભાદરવી પૂનમે જગત જનની માં અંબાના દર્શન કરવા વિસનગરમાંથી અસંખ્ય પદયાત્રિકો પસાર થાય છે. ત્યારે સેવા કેમ્પ પણ માઈભક્તોની સેવા માટે ધમધમે છે. ત્યારે પ્રમુખ ઉત્તમભાઈ પટેલની દેખરેખમાં પદયાત્રિકોની સેવા અને સુવિધા માટે પાલિકા તંત્ર કામે લાગ્યુ છે. માર્ગોની સફાઈ કરવામાં આવી રહી છે. ભારે વરસાદના કારણે મચ્છરોનો ઉપદ્રવ ન રહે તે માટે સેવા કેમ્પ ઉપર ફોગીંગથી દવાનો છંટકાવ અને કચરાના નિકાલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
અંબાજી ભાદરવી પૂનમના મેળામાં વિસનગરમાંથી અસંખ્ય પદયાત્રિકો જય અંબેના નાદ સાથે પસાર થાય છે. ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, કડી, કલોલ, સુરેન્દ્રનગર, મહેસાણા તરફના તમામ સંઘના પદયાત્રિકા વિસનગરમાંથી પસાર થાય છે. જેમાં દશમ, અગીયારસ અને બારસના ત્રણ દિવસમાંતો દિવસ રાત માતાજીના રથ સાથે પદયાત્રિકોનો ઘસારો રહે છે. જ્યારે પદયાત્રિકોની સેવા માટે વિસનગરની આસપાસ મોટા સેવા કેમ્પો પણ થાય છે. આ પદયાત્રિકો તથા સેવા કેમ્પોની સુવિધા માટે પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલના માર્ગદર્શનમાં પાલિકા તંત્ર તૈનાત થયુ છે. જેમાં ચીફ ઓફીસર પાર્થકુમાર ત્રીવેદીની પણ ફરજના ભાગ રૂપે સતત દેખરેખ છે.
મોટાભાગના પદયાત્રિકો કડા ત્રણ રસ્તાથી દિપરા દરવાજાનો ઢાળ, મહીવાડો, મેઈન બજાર, લાલ દરવાજાથી પટણી દરવાજા, સાર્વજનિક સ્મશાન રોડથી માટેલ હોટલ તરફના રસ્તા ઉપર પસાર થાય છે. ચોમાસાના કારણે કડા ત્રણ રસ્તાથી વિજાપુર ત્રણ રસ્તા સુધી અને પટણી દરવાજાથી માટેલ હોટલ તરફના રસ્તા સુધી રસ્તાની બન્ને તરફ ઝાડી જાખરા ઉગી નીકળતા પાલિકા દ્વારા તેની સફાઈ કરવામાં આવી રહી છે. બહારથી મજૂરોની ટીમ બોલાવી ઝાડ અને ઘાસ કટીંગ કરવામાં આવી રહ્યુ છે.
ભાદરવી પૂનમના મેળાની તૈયારી રૂપે પાલિકા દ્વારા કેવી તૈયારીઓ કરવામાં આવી રહી છે અને કંઈ સુવિધાઓ આપવામાં આવશે તે બાબતે પ્રમુખ અને ચીફ ઓફીસરે જણાવ્યુ છેકે, હાલમાં પદયાત્રિકોની માર્ગની આસપાસ ઉગેલા ઝાડી ઝાંખરાની સફાઈ કરવામાં આવી રહી છે. રોડની આસપાસ જામેલી માટી ઉપાડી દવાનો છંટકાવ કરવામાં આવશે. સ્મશાન પાસેના રેલ્વે નાળામાં પાણી ભરાતા પદયાત્રિકોને તેમજ માતાજીનો રથ લઈને પસાર થવામાં ખુબજ તકલીફ પડતી હોય છે. જે માટે પંપ મુકી ડીવોટરીંગ કરી પાણીનો નિકાલ કરવામાં આવશે. વરસાદ ચાલુ છે ત્યારે વધારે પાણી ન ભરાય તે માટે નાળાની બાજુમાજ પંપ સ્ટેન્ડબાય રાખવામાં આવશે. રાત્રીના સમયે પદયાત્રિકો ચાલવાનુ વધારે પસંદ કરે છે. જે માટે જ્યા અંધારૂ હોય ત્યા એકસ્ટ્રા ફોક્સ લગાવવામાં આવશે. સેવા કેમ્પોની સવલત માટે પણ પાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યુ છે. સેવા કેમ્પોમાંથી કચરો ઉઠાવવા એકસ્ટ્રા ટ્રેક્ટરોની વ્યવસ્થા કરવામાં આવશે. પદયાત્રિકોને
મચ્છરોનો ઉપદ્રવ ન રહે તે માટે પાલિકા દ્વારા નિયમિત ફોગીંગ મશીનથી દવાનો છંટકાવ કરવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સેવા કેમ્પોમાં પીવાના પાણીનુ પણ આયોજન કરવામાં આવ્યુ છે. અંબાજી પદયાત્રાએ જતા લાખ્ખો પદયાત્રિકોની અસંખ્ય લોકો સેવા કરે છે. ત્યારે વિસનગર પાલિકા તંત્રએ પણ પદયાત્રિકોની સેવા માટે પૂરતુ આયોજન કર્યુ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts