બ્લડ બેંકના લાભાર્થે પાંચ દિવસ ભવ્ય નવરાત્રી મહોત્સવ
વિસનગર વોલન્ટરી બ્લડ બેંકના લાભાર્થે નવરાત્રીમાં પાંચ દિવસ કોપરસીટી ગરબા નાઈટનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. ગત વર્ષે વિશાલ પાર્ટી પ્લોટની જગ્યા નાની પડતા આ વર્ષે એસ.કે.કોલેજમાં બ્લડ બેંક માટે નવરાત્રી મહોત્વસ યોજવામાં આવશે. જ્યારે એસ.કે.કોલેજનો ગરબા મહોત્સવ બીજા અને ત્રીજા નોરતે બે દિવસ યોજાશે. બ્લડ બેંકના વિકાસ માટે આ આયોજન હોવાથી તેમજ ગરબાના મનોરંજન સાથે સમાજ સેવાનું પણ કાર્ય થતુ હોઈ લોકોએ અત્યારથી ગરબા મહોત્સવના પાસ મેળવવા આયોજકોનો સંપર્ક કરી રહ્યા છે.
જીવન જ્યોત ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વિસનગર વોલન્ટરી બ્લડ બેંક અત્યારે સમગ્ર પંથક માટે આશિર્વાદરૂપ બની છે. સંસ્થાના પ્રમુખ રાજુભાઈ પટેલ આર.કે., મેનેજીંગ ડીરેક્ટર કિર્તિભાઈ પટેલ કલાનિકેતન, ટ્રસ્ટી મંડળ અને સહયોગી સંસ્થાઓના સહકારથી શહેરની પોતાની ગણી શકાય એવી આ બ્લડ બેંકનો અભુતપુર્વ વિકાસ થયો છે. પ્લાઝમા સેન્ટર, પ્લેટલેટ મશીનરી વસાવવાના કારણે રક્તદાતાએ કરેલ રક્તની એક બોટલ અત્યારે ત્રણ દર્દીઓને ઉપયોગમાં લઈ શકાય છે. અંદાજે રૂા.૮૦ લાખની રક્તવાહીની મળતા ગામેગામ રક્તદાન કેમ્પ કરી શકાય છે. શહેરના ભામાશા રાજુભાઈ પટેલના ભેદભાવ વગરના સંચાલનમાં બ્લડ બેંકમાં રક્તની બોટલ મળશે જ તેવો વિશ્વાસ ટકાવી રાખવા ટ્રસ્ટી મંડળ દ્વારા રક્તદાન કેમ્પના સતત પ્રયત્નો કરવામાં આવે છે.
બ્લડ બેંકમા રક્તની બોટલ સાથે અન્ય તબીબી સેવાઓ પણ મળતી થાય તેવા સમાજ સેવાના ઉમદા આશયથી રૂા.૪.૫૦ કરોડના ખર્ચે બ્લડ બેંકનુ અદ્યતન ભવન બનાવવામાં આવી રહ્યુ છે. જેમા સંસ્થાના પ્રમુખ રાજુભાઈ પટેલના પારદર્શક વહીવટના કારણે વેપારીઓ, સામાજીક સંગઠનો, મિત્ર મંડળો, વિવિધ એસોસીએશન, સંસ્થાઓ, ધાર્મિક મંડળો, શેરીઓ, મહોલ્લાઓ, સોસાયટીઓ વિગેરે દાતાઓનો સહયોગ મળતા દાન રૂા.૪ કરોડ સુધી પહોચાડવાની તૈયારીમા છે. રૂા.૪.૫૦ કરોડ ફક્ત બ્લડ બેેંકનું ભવન બનાવવા પુરતુ રહેશે. બાકી બ્લડ બેંક એક ખર્ચાળ યુનિટ છે. લોકોને કાયમી સેવા મળી રહે તે માટે જેટલું ભંડોળ એકઠુ થાય તેટલુ ઓછું છે. આ કારણેજ બ્લડ બેંકના લાભાર્થે નવરાત્રી મહોત્સવનુ આયોજન કરવામાં આવે છે.
કોપરસીટી મર્ચન્ટ એસોસીએશન, કોપરસીટી કોમર્શિયલ કો.ઓપ.ક્રેડીટ સોસાયટી, સ્વસ્તિક મિત્ર મંડળ તથા અંતિમ વિસામો ટ્રસ્ટ સાર્વજનિક સ્મશાન ગૃહના આયોજનથી બ્લડ બેંકના લાભાર્થે તા.૬-૧૦ થી ૧૦-૧૦ સુધી પાંચ દિવસ નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. અગાઉ વિશાલ પાર્ટી પ્લોટમાં બ્લડ બેંકના લાભાર્થે ગરબા મહોત્સવ થયા હતા. આ વર્ષે એસ.કે.કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ગરબા નુ આયોજન કરવામાં આવ્યુ છે. જ્યાં ગરબાની શોખીન બહેન-દિકરીઓને પુર્ણ સુરક્ષાનો માહોલ મળશે. સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલના પ્રયત્નોથી દર વર્ષે એસ.કે.કોલેજમાં પણ બે દિવસ ગરબા મહોત્સવ યોજાય છે. જેમાં પણ વિદ્યાર્થીઓ તથા આમંત્રીતો મોટી સંખ્યામાં હાજર રહે છે. બ્લડ બેંક અને એસ.કે.ના ગરબા સંયુક્ત થશે તો કેટલી ભીડ અને કેટલા ખેલૈયા ભેગા થથે તેવો લોકોને પ્રશ્ન મુંજવી રહ્યો છે જે બાબતે બ્લડ બેંકના પ્રમુખ રાજુભાઈ પટેલે જણાવ્યુ છે કે એસ.કે.કોલેજમા ગરબા મહોત્સવ તા.૪ અને ૫ ઓક્ટોબરના દિવસે યોજાશે. જ્યારે બ્લડ બેકનો પાંચ દિવસનો નવરાત્રી મહોત્સવ તા.૬-૧૦ થી શરૂ થાય છે.
સ્થળ બદલવા બાબતે રાજુભાઈ પટેલ અને કિર્તિભાઈ પટેલે જણાવ્યુ છે કે, બ્લડ બેંકના લાભાર્થે નવરાત્રી મહોત્સવમા ભારે ઘસારો રહે છે. વિશાલ પાર્ટી પ્લોટ નાનો પડતા ગત વર્ષે વધુ પ્રવેશ પાસ વહેચી શકાયા ન હોતા. ઘણા ગરબા પ્રેમીઓને નિરાશ થવુ પડ્યુ હતુ. પાર્ટી પ્લોટની ક્ષમતા કરતા વધારે પાસ વિતરણ કરીએ તો ભીડ થાય તેમ હતી. અને ખેલૈયાઓની ગરબે ઘુમવાની મજા બગડે તેમ હતી. જેથી વધુ પાસ આપી શક્યા ન હોતા. આ વર્ષે મોટી જગ્યા માટે બે થી ત્રણ સ્થળ જોયા હતા. ત્યારે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલે બ્લડ બેંકના લાભાર્થે નવરાત્રી મહોત્સવ માટે જગ્યા ફાળવતા એસ.કે.કોલેજમા આયોજન કરવામાં આવ્યુ છે. જાહેરાતનુ દાન ભેટ નોંધવાનુ ચાલુ થઈ ગયુ હોવાથી દાતાશ્રીઓને સાથ સહકાર આપવા માટે અપીલ કરવામાં આવી છે.