ચાર સોસાયટીના અસંખ્ય રહીશો રોગચાળાની દહેશત તળે
વિસનગરના સર્વે નં.૧૭પમા બારેમાસ પાણી ઝાડી જાખરાની ગંદકીથી
વિસનગરમા કલ્યાણ બંગ્લોઝની પાછળ આવેલ સર્વે નં ૧૭પમા છેલ્લા ઘણા સમયથી વરસાદી પાણી ભરાઈ રહેતા તેમજ ઝાડી જાખરાની ગંદકીથી આસપાસનીચાર સોસાયટીના અસંખ્ય રહીશોને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. આરોગ્ય મંત્રી તેમજ કલેકટરને રજૂઆત કરવામા આવતા ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા કરવા પાલિકા ચીફ ઓફીસરને જણાવ્યુ છે પરંતુ કોઈ નિકાલ નહી થતા ચાર સોસાયટીના રહીશોમા ભારે રોષ ફેલાયો છે.
વિસનગરમા કલ્યાણ બંગ્લોઝ, વૃદાંવન, ગૌરવ પાર્ક તથા હેરીેટેઝ સોસાયટીની વચ્ચે સર્વે નં ૧૭પ એન.એ.પ્લોટ છેલ્લા ઘણા વર્ષથી ખાલી પડી રહ્યો છે. આ પ્લોટમાંથી વરસાદી પાણીનો કોઈ નિકાલ નહી હોવાથી તેમજ કેટલાક રહેણાંક મકાનોના ગટરના પાણીનો નિકાલ થતો હોવાથી પ્લોટમા બારેમાસ પાણી ભરાયેલુ રહે છે. પ્લોટમા સફાઈ કરવામા નહી આવતા બાવળોની ઝાડીનુ જંગલ સર્જાયુ છે. ઝાડી જાખરા અને ગંદકીના કારણે માખી, મચ્છરો અને જીવજંતુઓનો ભારે ઉપદ્રવ રહે છે.
પાણી અને ગંદકીથી ખદબદતા પ્લોટને અડીને કલ્યાણ બંગ્લોઝના મકાન ધરાવતા ત્રિભોવનદાસ મોહનદાસ પટેલ દ્વારા પાલિકા પ્રમુખ, ચીફ ઓફીસર, જીલ્લા કલેકટર તથા આરોગ્ય મંત્રીને રજૂઆત કરવામા આવી છે કે સર્વેનં ૧૭પ મા બારેમાસ પાણી ભરાયેલ રહે છે. ચોમાસામા તો મકાનના વરંડામા એક ફુટ ઉપર પાણી આવે છે. ગાંડા બાવળોની ગીચ ઝાડી હોવાથી ઝેરી જીવ જંતુઓનો પણ ત્રાસ વર્તાય છે. બારેમાસ પાણી ભરાયેલુ રહેતુ હોવાથી કોઈ અંદર જઈ શકતુ નથી ભુંડ કે કુતરા મરી જાય તો ઘણી વખત એટલી દુર્ગંધ મારતી હોય છે કે ઘરમાં રહી શકાતુ નથી. બારેમાસ પાણી ભરાતા અને ગંદકી રહેતા સોસાયટીના રહીશો ડેન્ગ્યુ, મેલેરીયા, ચીકનગુનીયા જેવા જીવલેણ બીમારીનો ભોગ બને છે. બારેમાસ પાણી ભરાયેલુ રહેતુ હોવાથી મકાનોના વરંડાની દિવાલ અને તળીયાનો ભાગ પણ બેસી જવાથી નુકશાન થયા છે.
મહત્વની બાબતતો એ છે કે આરોગ્ય મંત્રી અને જીલ્લા કલેકટર સમક્ષ પ્લોટમાંથી પાણીનો નિકાલ કરવા તથા ગંદકી દૂર કરવા રજૂઆત કરવામા આવી હતી. જેમા ચીફ ઓફીસરને પ્લોટમાં સફાઈ કરાવવા સુચના આપવા છતા કોઈ કાર્યવાહી કરવામા આવતી નથી.