સુંશીમાં હિંસક પ્રાણીને ડુક્કરમાં ખપાવી તંત્રએ હાથ ખંખેર્યા
હુમલાનો ભોગ બનનારે ઝરખ જેવુ પ્રાણી જોયુ-પણ ગરીબ ખેતમજુરનુ કોણ માને અને સાંભળે
- એક કલાકના અંતરમાં ત્રણ ઉપર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી
- પુખ્ય વયના ખેડુતે સામનો કર્યો ન હોત તો હિંસક પ્રાણી બાળકને ખેચી ગયુ હોત
વિસનગર તાલુકાના સુંશી ગામના સીમ વિસ્તારમાં રહેતા એક બાળક સહિત ત્રણ લોકો ઉપર ઝરખ જેવા હિંસક પ્રાણીએ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડતા આ બનાવથી લોકોમા ભારે ભય ફેલાયો હતો. આ વિસ્તારના લોકો લાકડીઓ અને ધારીયા લઈ મોડી રાત સુધી શોધખોળ કરી હતી. હુમલાનો ભોગ બનનાર ત્રણેયએ વિસનગર સિવિલમાં પ્રાથમિક સારવાર લઈ ઈન્જેક્શન લેવા અમદાવાદ અને ધારપુર સુધી જવુ પડ્યુ હતુ. શરમની વાતતો એ છે કે, સીમ વિસ્તારમા રહેતા લોકો પ્રાણીને સારી રીતે ઓળખી શકે છે. હુમલાનો ભોગ બનનાર ખેડુતે વરૂ જેવુ પ્રાણી હોવાનું જોયુ હતુ. ત્યારે તંત્રએ ડુક્કર હોવાનુ માની હાથ ખંખેરતા સીમ વિસ્તારના લોકોમા હજુ પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
તા.૧૪-૯-૨૦૨૪ના રોજ સાંજે ૬-૦૦ કલાકે અજવાળાના સમયે વિસનગર તાલુકાના સુંશી ગામમાં ખેડુત મોહતાજી ધુળાજી ઠાકોર ઉ.વ.૬૫ ખેતરમાં કામ કરતા હતા આ દરમ્યાન એક હિંસક પ્રાણીએ પાછળથી આવી અચાનક હુમલો કર્યો હતો. ખેડુતે સામનો કરવા છતાં હિંસક પ્રાણી દુર નહી થતા બુમાબુમ કરતા નજીકમાથી લોકો દોડી આવ્યા હતા. ટોળુ જોઈ હિંસક પ્રાણી નાસી ગયુ હતુ. આ હુમલામાં વૃધ્ધ ખેડુતને બંન્ને પગના ભાગે ગંભીર ઈજા થઈ હતી. આ બનાવના દોઢેક કલાક બાદ સુંશી ગામમાં અંબે માતાના મંદિરની નજીક ખેતરમાં રહેતા રાયમલજી ખતુજી ઠાકોર ઉ.વ.૪૨ તથા તેમનો ૧૩ વર્ષનો ભત્રીજો બ્રીજેશજી દિવાનજી ઠાકોર બંન્ને ભાલક જતા રોડ ઉપરથી સુંશી ગામ તરફ આવતા હતા. ત્યારે રોડની સાઈડમાથી હિંસક પ્રાણી આવીને બાળકને પગના ભાગેથી પકડ્યો હતો. રાયમલજી ઠાકોરે હુમલો કરનાર પ્રાણીનો સામનો કર્યો હતો. અને ઉચકીને બે થી ત્રણ વખત પછાડ્યુ હતુ. આ સમયે હિંસક પ્રાણી ઉભુ થઈ હુમલો કરતા રાયમલજી ઠાકોરને છાતીના ભાગમાં પ્રાણીના તિક્ષ્ણ નખ વાગ્યા હતા. આ ખેતમજુરને હિંસક પ્રાણીએ બંન્ને હાથની આંગળી ઉપર બચકા ભરતા ઈજા થઈ હતી. જ્યારે બાળકના પગના ભાગે બચકા ભરતા લોહી લુહાણ થયો હતો.
હિંસક પ્રાણીના હુમલામાં ઈજા પામનાર ત્રણેય વિસનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. જ્યાં પ્રાથમિક સારવાર અને અભય રેમ ઈન્જેક્શન આપ્યા હતા. હિંસક પ્રાણીએ શરીરના ભાગ ફાડી નાખ્યા હોવાથી રેબીસ ઈમ્યુનોગ્લોબીલીન ઈન્જેક્શનનો વિસનગર અને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સ્ટોક નહી હોવાથી આ ઈન્જેક્શન લેવા વૃધ્ધ અમદાવાદ સિવિલ હોસ્પિટલમા જ્યારે કાકા અને ભત્રીજા ધારપુર હોસ્પિટલમાં ગયા હતા. હુમલો કરનાર પ્રાણી કેવા પ્રકારનુ હતુ તે બાબતે રાયમલજી ઠાકોરે જણાવ્યુ હતુ કે, આ પ્રાણી શિયાળ જેવુ ન હોતુ. પ્રાણી પાતળુ, લાંબુ અને પુંછડી મોટી હતી. દાંત બાવળની સુળો જેવા મોટા હતા. ઝરખ જેવુ પ્રાણી હતુ.
હિંસક પ્રાણીના હુમલાના અહેવાલથી ભારે હોબાળો થતા ફોરેસ્ટ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી. બાજુના ભાલકમાં ડુક્કરનો ત્રાસ હોવાથી કોઈ ડુક્કરે હુમલો કર્યો હશે તેવુ અનુમાન કરીને જવાબદારીમાથી હાથ ખંખેર્યા હતા. હિંસક પ્રાણીના હુમલાના બનાવના દિવસે મોટી સંખ્યામાં લોકો લાકડીઓ અને ધારીયા લઈને મોડી રાત સુધી સીમ વિસ્તારમાં તપાસ કરી હતી. આ બનાવને લઈને સુંશી ગ્રામજનોમા ભારે ફફડાટ ફેલાયો છે.