તમામ પ્રકારની સુવિધાઓ ધરાવતા વિસનગરને જિલ્લો બનાવો વડનગર જિલ્લો તેમાં વિસનગર તાલુકાના સમાવેશની ચર્ચાથી રોષ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માદરે વતન વડનગરને જિલ્લો બનાવવા માટે છેલ્લા કેટલાય સમયથી વાતો વહેતી થઈ છે. ત્યારે ગુજરાત સરકારે નવા જિલ્લાના સીમાંકનની કાર્યવાહી તેજ કરી હોવાના અહેવાલથી અને વડનગર નવો જિલ્લો જાહેર થાય તેમા વિસનગર તાલુકાનો સમાવેશ કરવાની ચર્ચાથી જાગૃત નાગરિકોમા ભારે રોષ ફેલાયો છે. વડનગરના વિકાસમા નજીકના વિસનગરને અત્યાર સુધી ઘણુ સહન કરવુ પડયુ છે. તો જિલ્લાના નવા સિમાંકનમા સમાવેશ કરવાનો થાય તો કેટલી ઓફીસો, સેસન્સ કોર્ટ સહીત વિસનગરને કેટલુ ગુમાવવુ પડશે તેની ચિંતા લોકોને સતાવી રહી છે. વિસનગર વર્ષોથી તમામ સુવિધા ધરાવતુ શહેર અને તાલુકો હોવાથી વિસનગરને જિલ્લો બનાવવાની પણ લોક લાગણી પ્રબળ બની છે.
વસ્તી સાથે વધતા વિકાસના કારણે લોકોને વધુ સારી સેવા અને સુવિધાઓ મળી રહે તે માટે ગુજરાત સરકાર નવા ત્રણ જિલ્લાના સીમાંકનની કાર્યવાહી કરવામા આવી રહી છે. નરેન્દ્રભાઈ મોદી જયારથી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી વડનગરને જિલ્લો બનાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. ત્યારે જિલ્લાના નવા સિમાંકનમા વડનગરને જિલ્લો બનાવે તેવી પ્રબળ ચર્ચા સાથે વિસનગર તાલુકાનો તેમા સમાવેશ કરવાના અહેવાલથી શહેર અને તાલુકાના બુધ્ધીજીવી વર્ગમાં એ ચર્ચા થઈ રહી છે કે અત્યાર સુધી વડનગરના હિતના ભોગે વિસનગર શહેરને ઘણુ નુકશાન સહન કરવુ પડયુ છે. વડનગર ડેપોના વિકાસ માટે વિસનગર ડેપોની ઘણી બસો આ ડેપોમાં ડાયવર્ટ કરાઈ, વડનગર વલસાડ ટ્રેન શરૂ કરાઈ ત્યારે વિસનગરને સ્ટોપેજમાંથી બાકાત રખાયુ હતુ. જેમા ઘણી રજૂઆત બાદ સ્ટોપેજ અપાયુ. વિસનગર શહેરમા તમામ સુવિધાઓ અને મોટી સરકારી જગ્યા હોવા છતા સરકારી કોલેજો તેમજ મોટી ઈન્ડસ્ટ્રીઝમાંથી બાકાત રખાયુ ત્યારે નવા બની રહેલા જિલ્લામાં વિસનગરનો સમાવેશ કરવામા આવશે તો શહેરને કેટલુ ગુમાવવુ પડશે તે ચિંતા સતાવી રહી છે.
વડનગર જિલ્લો બનાવવો એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મહત્વકાંક્ષા રહી છે. જેથી વડનગર જિલ્લાના સિમાંકનમા વિસનગરને નુકશાન થતુ હશે છતા ભાજપના એકપણ નેતા કે આગેવાન ચુ કે ચા કરી શકવાના નથી. જિલ્લાના નવા સિમાંકનમા વડનગરમા વિસનગર તાલુકાના સમાવેશની ચર્ચા સામે શહેરના કોંગ્રેસી અગ્રણી અને પાલિકાના વિરોધ પક્ષના નેતા શામળભાઈ દેસાઈએ રોષ વ્યક્ત કર્યો છે કે સમૃધ્ધ તાલુકાને બેકવર્ક વિસ્તારને જતો રોકવા જન આંદોલન કરવામા આવશે. તાલુકાના લોકોને મહેસાણા જિલ્લા હેડ ક્વાર્ટરમા જવાની કોઈ તકલીફ નથી. મહેસાણા તરફના તાલુકાના ઉદલપુર, ધારુસણા જેવા ગામના લોકોનુ શુ થશે. વડનગરનો વિકાસ કરવાની લ્હાયમા વિસનગરને અત્યાર સુધી કંઈ આપ્યુ નથી. વિસનગરને નુકશાન થાય તે કોઈ રીતે ચલાવી લેવાનુ નથી.
વિસનગર તળ કડવા પાટીદાર સમાજના અને અમદાવાદ સિવિલ કેન્સર વિભાગના નિવૃત હેડ ઓફધી ડીપાર્ટમેન્ટ ડૉ.બીપીનભાઈ પટેલે જણાવ્યુ છે કે, વિસનગર અન્ય તાલુકા જવા આવવા સેન્ટરનુ મથક છે. વર્ષોથી વ્યાપારી મથક સાથે શૈક્ષણિક તેમજ અન્ય સંસ્થાઓ આવેલી છે. વસ્તીના ધોરણે પણ વડનગરથી મોટુ છે. વિસનગર તાલુકો વર્ષોથી અમલમા છે. જ્યારે વડનગર તાલુકો થોડા વર્ષ પહેલા બન્યો છે. વડનગર જવા લોકોને ઘણી હાલાકી ઉઠાવવી પડશે. સરકારના નવા જિલ્લા સીમાંકનમા વિસનગર જિલ્લો બનાવવામા આવે તો વધારે અનુકુળ રહેશે. ડૉ.બીપીનભાઈ પટેલેએ પણ જણાવ્યુ છે કે વડનગર મેડીકલ કોલેજ બનાવી તેનો કોઈ લાભ નથી. મહેસાણા મેડીકલ કોલેજ બનાવી હોત તો દર્દીઓ માટે ફાયદાકારક રહી હોત. બિન રાજકીય નાગરિક સમિતિ બનાવી વિરોધ કરવામા નહી આવે તો લાબા ગાળે વિસનગરને મોટુ નુકશાન થશે.
વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષાના પ્રમુખ પટેલ ભરતભાઈ એકાઉન્ટન્ટે તેમના લડાયક મિજાજમાં આક્રોશ વ્યક્ત કર્યો છે કે, શહેરની સંસ્થાઓ પડી ભાગી ત્યારે બચાવવા કોઈ નેતાગીરી આગળ આવી નથી. વડનગરના વિકાસની ભુખમાં વિસનગરને નુકશાન થતુ અટકાવવામા નેતાગીરી નબળી પડશે. તે સહેજ પણ ચલાવી લેવામા આવશે નહી વિસનગર શહેર તુટી જશે. તમામ પ્રાથમિક સુવિધાઓ વિસનગરમાં છે જિલ્લાનુ નામ વડનગર રાખવામા આવે અને વિસનગરમા હેડ ક્વાર્ટર રાખવામા આવે તો શુ વાંધો ? વિસનગરનુ અહિત થતુ રોકવા સક્રીય ભુમિકા રહેશે અને લડત પણ આપવામા આવશે. વડનગરને આટલી બધી સંસ્થાઓ આપવામા આવી તો વિસનગરને કેમ કોઈ લાભ આપ્યો નથી. સરકાર શહેરના હિતનો વિચાર કરતી નથી ત્યારે અહિત થતુ સહેજ પણ ચલાવી લેવામા આવશે નહી.
વડનગર જિલ્લા જાહેર થાય તો નજીકના તાલુકાથી કેટલા કિલોમીટર થાય
વડનગર થી વિસનગર ૧૨
વડનગર થી ઊંઝા ૨૭
વડનગર થી ખેરાલુ ૧૪
વડનગર થી સતલાસણા ૩૯
વડનગર થી વડગામ ૪૫
વડનગર થી વિજાપુર ૩૩
વડનગર થી માણસા ૪૫
ખેરાલુને જીલ્લો બનાવવામાં આવે નજીકના તાલુકા કેટલા કિલોમીટર થાય
ખેરાલુ થી વિસનગર ૨૪
ખેરાલુ થી વડનગર ૧૪
ખેરાલુ થી વિજાપુર ૪૫
ખેરાલુ થી સતલાસણા ૨૬
ખેરાલુ થી વડગામ ૩૧
ખેરાલુ થી ઊંઝા ૩૨
જો વિસનગરને જિલ્લો જાહેર કરવામાં આવે
નજીકના તાલુકા કેટલા કિલોમીટર થાય
વિસનગર થી માણસા ૩૫
વિસનગર થી વિજાપુર ૨૮
વિસનગર થી વડનગર ૧૨
વિસનગર થી ખેરાલુ ૨૪
વિસનગર થી સતલાસણા ૫૦
વિસનગર થી ઊંઝા ૨૪
વિસનગર, વડનગર અને ખેરાલુ આ ત્રણમાંથી જો કોઈ જિલ્લા લેવલે પસંદગી કરવાની થાય તો પ્રજાનાહિત ખાતર ઓછા અંતરમાં દરેક સેન્ટરો સાથે ખૂબ જ નજીકના અંતરેથી દરેકને જિલ્લા કક્ષાની સુવિધા મળી રહે તે માટે વિસનગર જિલ્લો બને ખૂબ જ સાનુકુળતા રહેશે.