ભાજપમાં અમારૂ કોઈ સાંભળતુ નથી-કોંગ્રેસમાં પાછા જવુ પડશે
વિસનગર તાલુકા પંચાયત અનુસુચિત જાતિના મહિલા પ્રમુખ અને દઢિયાળના સદસ્ય એક વર્ષ અગાઉ ભાજપમાં પોતાનું ધાર્યુ થશે તેવુ વિચારીને ભાજપમાં જોડાયા હતા. પરંતુ અત્યારે ભાજપમાં તેમની કોઈ રજુઆત ધ્યાને લેવામાં નહી આવતી હોવાનો તેઓ જાહેરમાં બળાપો ઠાલવી રહ્યા છે. જેમાં દઢિયાળના તાલુકા સદસ્ય ભરતભાઈ ચૌધરીએ પોતાનો બળાપો કાઢતા કહ્યુ કે, ગામના તલાટી, વહીવટદાર અને પુર્વ સરપંચ ભેગા મળી પોતાના અંગત સ્વાર્થમાં અમારા સુચવેલા વિકાસકામો થવા દેતા નથી. અમે પ્રજાના કામો કરવા ભાજપમાં જોડાયા હતા. પણ અહીં ભાજપમાં અમારી કોઈ રજુઆત નહી સાંભળતા હવે ન છુટકે કોંગ્રેસમા પાછા જવુ પડશે.
વિસનગર તાલુકા પંચાયતના દઢિયાળના તાલુકા સદસ્ય ભરતભાઈ ચૌધરીનો બળાપો
અમે ગામનો વિકાસ કરવા માટે ભાજપમાં જોડાયા હતા. પણ અહીં અમારા સુચવેલા કોઈ વિકાસકામ થતા નથી- ભરતભાઈ ચૌધરી
ગામના તલાટી સુધિર ચૌધરી અને વહીવટદારની નિષ્કાળજીના કારણે છેલ્લા બે મહિનાથી પાણી માટે ગ્રામજનો વળખા મારે છે
ભાજપના ભરતી મેળામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરોએ હજ્જારોની સંખ્યામાં ભાજપનો કેસરીયો ધારણ કર્યો હતો. જેમાં વિસનગર તાલુકા પંચાયતમાં બીજી અઢી વર્ષની ટર્મના પ્રમુખપદ માટે અનુસુચિત જાતિ મહિલા સીટ જાહેર થતા તાલુકા પંચાયતમાં ભાજપ પાસે ૧૬ સદસ્યોની સ્પષ્ટ બહુમતી હોવા છતાં પુદગામના કોંગ્રેસના સદસ્યા પુષ્પાબેન વણકરને પ્રમુખ બનાવવાની પરિસ્થિતી સર્જાઈ હતી. આ સમયે વિસનગર ધારાસભ્ય તેમજ રાજ્યના આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલના રાજકીય કાવાદાવાથી પુદગામ સીટના કોંગ્રેસના સદસ્યા પુષ્પાબેન વણકર સહિત કોંગ્રેસના ત્રણ સદસ્યોએ ભાજપમાં પોતાનું વર્ચસ્વ રહેશે તેવુ વિચારીને કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષપલટો કર્યો હતો. પરંતુ અત્યારે તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન વણકર અને દઢિયાળના સદસ્ય ભરતભાઈ નરેન્દ્રભાઈ ચૌધરી બંન્ને ભાજપમાં પોતાની કોઈ રજુઆત ધ્યાને લેવામાં આવતી નહી હોવાનો જાહેરમાં બળાપો ઠાલવી રહ્યા છે. પ્રમુખ પુષ્પાબેન વણકર ભાજપના કાર્યક્રમોમાં પણ ખાસ દેખાતા નથી. શરૂઆતમાં ભાજપના સદસ્ય નોંધણી અભિયાનની કામગીરીથી પણ અળગા રહ્યા હતા. જ્યારે દઢિયાળના સદસ્ય ભરતભાઈ ચૌધરી ગામના યુવાનોને સાથે રાખી ભાજપના સદસ્ય નોંધણી અભિયાનમાં જોડાયા છે. પરંતુ તેઓ ગામના વિવાદીત તલાટી સુધિરભાઈ ચૌધરી, વહીવટદાર તથા પુર્વ સરપંચ દિલીપભાઈ પથુભાઈ ચૌધરીના અણછાજતા વર્તનથી નારાજ છે. આ સદસ્યએ પોતાનો બળાપો ઠાવલતા કહ્યુ કે, હું મારા ગામનો વિકાસ કરવા માટે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયો હતો. પણ અહીં અમારી કોઈ રજુઆત ધ્યાને લેવાતી નથી. હાલમાં મંત્રી ઋષિભાઈ પટેલ અમારા ગામના ગણ્યા ગાઠ્યા આગેવાનોની રજુઆત સાંભળે છે. જેના કારણે અમારા સુચવેલા કોઈ વિકાસકામો થતા નથી. થોડા સમય પહેલા ટી.ડી.ઓ. સુચીબેન પટેલે ગામના તલાટી સુધિરભાઈ ચૌધરી અને વહીવટદારને ગ્રામસભા બોલાવી વિકાસકામો સુચવવા તેમજ ગ્રામજનોને પડતી સમસ્યાઓ હલ કરવા સુચના આપી હતી. તલાટીની વહીવટી નિષ્કાળજી અને મનસ્વી વર્તનના કારણે છેલ્લા બે મહિનાથી બોર બગડતા ગ્રામજનો પીવાના પાણી માટે વળખા મારે છે. પાણીની સમસ્યાથી દઢિયાળના ગ્રામજનો કચ્છના આંતરિયાળ વિસ્તારમાં રહેતા હોય તેવો અહેસાસ કરી રહ્યા છે. તાજેતરમાં દઢિયાળ ગામમા જરૂરીયાત નથી તેવા વિકાસકામો માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. તો આ ગ્રાન્ટ કોના ઈશારે ફાળવવામાં આવી? તાલુકા સદસ્ય ભરતભાઈ ચૌધરીએ તાલુકા વહીવટીતંત્ર અને ભાજપ સંગઠનમાં પોતાની રજુઆત ધ્યાને લેવામાં નહી આવે તો આગામી સમયમાં કોંગ્રેસમાં ઘરવાપસી કરવાની ચિમકી ઉચ્ચારી છે.