વિસનગર પોલીસે માર્ચ ૨૦૨૪માં રેડ કરી જાણવા જોગ નોંધ કેમ કરી તેનુ ઘુંટાતુ રહસ્ય ડબ્બા ટ્રેડીંગમાં રૂા.૧.૪૪ કરોડ ખાતામાં ટ્રાન્સફર કરાવી છેતરપીંડી કરી
વિસનગર સીટી પોલીસ સ્ટેશનના સ્ટાફે માર્ચ ૨૦૨૪મા સુખનિવાસ કોમ્પલેક્ષમા આવેલ પરિશ્રમ ફાઈનાન્સની ઓફીસમાં કેશર એન્ટરપ્રાઈઝ નામથી ચાલતા ડબ્બા ટ્રેડીંગના ગોરખધંધા ઉપર રેડ કરી હતી. જેની જાણવા જોગ નોંધ કરી હતી. જે આધારે એલ.સી.બી. પી.એસ.આઈ. જે.એમ. ગેહલોત તથા ગાંધીનગર એલ.સી.બી.વનના પી.એસ.આઈ.જે.જે. ગઢવીએ તપાસ કરતા રૂા.૧,૪૪,૮૯,૧૫૫/- શેર બજારની ટીપ્સ આપી લોકો પાસેથી ટ્રાન્સફર કરાવી ફ્રોડ કર્યુ હોવાનુ ખુલ્યુ હતુ. આ કેસમાં પોલીસે ત્રણ વિરૂધ્ધ છેતરપીંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સુખનિવાસ કોમ્પલેક્ષમા પરિશ્રમ ફાઈનાન્સની ઓફીસમાં ચાલતા ડબ્બા ટ્રેડીંગનો પર્દાફાશ
વિસનગર અને વડનગર પંથકમા શેરબજારમા કમાણી કરી આપવાની ટીપ્સ આપી છેતરપીંડી કરવામાં આવતા આ ગેરકાયદેસર પ્રવૃત્તિને નેસ્તનાબુદ કરવા પોલીસ મહાનિરિક્ષક ગાંધીનગર રેન્જ દ્વારા સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવી છે. આ તપાસ ટીમમાં મહેસાણા એલ.સી.બી. પી.એસ.આઈ. જે.એમ. ગેહલોતની સભ્ય તરીકે નિમણુક કરવામાં આવતા વિસનગર અને વડનગર પંથકમા ડબ્બા ટ્રેડીંગની રેડ તેમજ કાર્યવાહી ઉપર ખુબજ જીણવટ પુર્વક તપાસ કરી રહ્યા છે. જેમાં વિસનગર પોલીસ સ્ટેશનમા તા.૧૮-૩-૨૦૨૪ના રોજ દાખલ કરવામાં આવેલ જાણવા જોગ એન્ટ્રી ૪/૨૦૨૪ની તપાસ કરતા તેમાથી ચોકાવનારી વિગતો મળી આવી હતી. વિસનગર પોલીસે રેડ કરીને જાણવા જોગ નોંધ કરી તપાસ અટોપી દીધી હોવાનું જણાય છે. જાણવા જોગ એન્ટ્રી આધારે તા.૧૮-૩-૨૦૨૪ના રોજ વિસનગર પી.એસ.આઈ. જે.ડી.વસાવા, કોન્સ્ટેબલ મનોજકુમાર સાહેબરાવ, એ.એસ.આઈ. બળવંતસિંહ શીવાજી, કોન્સ્ટેબલ રાજુભાઈ વજાભાઈ, મહેશકુમાર વેલજીભાઈ, કલ્પેશકુમાર મનુભાઈ, મનોજકુમાર સાહેબરાવ પેટ્રોલીંગમા હતા ત્યારે કોન્સ્ટેબલ મનોજકુમાર સાહેબરાવને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ડોસાભાઈ બાગ સામે આવેલ સુખનિવાસ કોમ્પલેક્ષમા દુકાન નં.૫૩મા આવેલ પરિશ્રમ ફાઈનાન્સની ઓફીસમા બેસી કેટલાક ઈસમો માર્કેટ પ્લસ નામની એપ્લીકેશનમા શેરબજારની વધઘટ જોઈ રોકાણ કરવાનું જણાવી ટીપ્સ આપી છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી રહ્યા છે. પોલીસે રેડ કરી કિરણભાઈ અમરતભાઈ મંગળભાઈ સેનમા રહે. બાબીપુરા સેનમાવાસ તા.વડનગર અને અજીતકુમાર રમેશભાઈ મોતીભાઈ સેનમા રહે. મલેકપુર ચામુંડામાતા મંદિર પાસે તા.ખેરાલુવાળાને ઝડપ્યા હતા. આ બંન્ને ઈસમો ગુગલ ઉપરથી લોકોના નંબર મેળવી સ્ટોક બ્રોકર નહી હોવા છતાં કેશર એન્ટરપ્રાઈઝ નામથી ઓફીસ ચલાવતા હોવાનુ જણાવી કમાવી આપવાની લાલચ આપી છેતરતા હતા. આ રેડમાં પોલીસે ચાર મોબાઈલ, લેપટોપ, મોબાઈલ નંબરો લખેલ પેજ મળી કુલ રૂા.૧૮,૦૦૦/-ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલા ઈસમો વિરૂધ્ધ જે તે સમયે ગુનો દાખલ થાય તેમ હતો. પરંતુ ડબ્બા ટ્રેડીંગ કરતા ગુનાહિત તત્વોને છાવરતી વિસનગર પોલીસે ફક્ત જાણવા જોગ નોંધ કરી ઢોક પીછોડ કરી હતી.
જાણવા જોગની આ નોંધની તપાસ દરમ્યાન બળવંતસિંહ શીવાજી, રાજુભાઈ વજાભાઈ, મહેશકુમાર વેલજીભાઈ અને કલ્પેશકુમાર મનુભાઈના નિવેદન નોંધવામાં આવેલ અને પકડાયેલા બે ઈસમોના ફોન કોલના નંબરની વિગતો મેળવતા તથા પુછ પરછ કરતા નાણાંનુ ટ્રાન્જેક્શન કરવા એચ.ડી.એફ.સી.બેન્કની સુરત શાખામા મેસર્સ કેશર એન્ટરપ્રાઈઝના નામથી અને એચ.ડી.એચ.સી. બેન્કની કુકરવાડા શાખામાં બારડ નરેન્દ્રસિંહ કરણસિંહ રહે. ટીંટોદણના નામના એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા. જેમા સુરત શાખામા રૂા.૧,૨૬,૭૦,૦૨૫/- તથા કુકરવાડા શાખામાં રૂા.૧૮,૧૯,૧૩૦/- ટ્રાન્સફર થયા હતા. આ ટ્રાન્સફર થયેલા નાણાં વિવિધ રાજ્યના છેતરપીંડીનો ભોગ બનેલ લોકોના હતા. એલ.સી.બી.પી. એસ. આઈ.જે.એમ.ગેહલોતની ફરિયાદ આધારે વિસનગર પોલીસ સ્ટેશનના કિરણભાઈ અમરતભાઈ મંગળભાઈ સેનમા, અજીતકુમાર રમેશભાઈ મોતીભાઈ સેનમા, નરેન્દ્રસિંહ કરણસિંહ બારડ તથા સુરતમાં મેસર્સ કેશરદીપ એન્ટરપ્રાઈઝ ખાતુ ખોલનાર એમ ચાર ઈસમો વિરૂધ્ધ છેતરપીંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોધી તપાસ હાથ ધરવામાં આવી છે.