કોર્પોરેટ હોસ્પિટલો સરકારના નીતિ નિયમો ઘોળીને પી ગઈ છે ત્યારે ૭૦ વર્ષથી ઉપરના લોકોનેઆયુષ્યમાન કાર્ડનો લાભ કેટલો થશે?
તંત્રી સ્થાનેથી…
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મહત્વકાંક્ષી એવી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે ખુબજ આશીર્વાદરૂપ બની છે. તબીબી સારવાર મોઘી થતા આર્થિક જરૂરીયાતમંદ લોકો બીમારીમા ઓપરેશન કરાવી શકતા નહોતા. ઉછીના કે વ્યાજથી નાણા લાવી સારવાર કરાવવામાં આવા પરિવારો સધ્ધર બની શકતા નહોતા. પૈસાના અભાવે દેશના અસંખ્ય લોકો તબીબી સારવાર વગર રીબાતા હતા. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની આયુષ્યમાન કાર્ડની યોજનાથી દેશના અસંખ્ય લોકોને તબીબી સેવા અને સારવારનો લાભ મળ્યો. આ યોજનાથી દેશના લોકો વધુ ગરીબી તરફ ધકેલાતા અટક્યા છે. આ યોજનામા ૭૦ કે તેથી વધુ વર્ષના સિનિયર સિટીઝન્સને લાભ મળતો નહોતો. ત્યારે વૃધ્ધાવસ્થામાજ તબીબી સારવારની વધુ જરૂર પડતી હોઈ આ પરિસ્થિતિ પામી સરકાર દ્વારા ૭૦ કે તેથી ઉપરની ઉંમરના વૃધ્ધોને આયુષ્યમાન કાર્ડના લાભની યોજના અમલમાં મુકવામાં આવી. ત્યારે એ જોવાનુ રહ્યુ કે આ યોજનાનો લાભ કેટલી આસાનીથી સિનિયર સિટીઝન્સને મળે છે. અમેરિકામાં જેમ સિક્યોરીટી કાર્ડ હોય છે તેમ ભારતમાં આધાર કાર્ડ છે. કોઈપણ સિનિયર સિટીઝન ફક્ત આધાર કાર્ડ લઈને સારવાર માટે પહોચે તો તેમને અન્ય આધાર પુરાવાઓની જરૂર પડવી જોઈએ નહી. જેમની પાસે આધાર કાર્ડ હોય તેનેજ ખરેખર તો આયુષ્યમાન કાર્ડ ગણી લેવુ જોઈએ. આધાર કાર્ડ ઉપર જન્મ તારીખ લખેલીજ હોય છે. તેમ છતા આધાર કાર્ડ, રેશનીંગ કાર્ડ સાથેના સંયોગીક પુરાવા રજુ કરશે ત્યારે સિનિયર સિટીઝનને આયુષ્યમાન કાર્ડ મળશે. ૭૦ વર્ષથી ઉપરની ઉંમરના મોટાભાગના વૃધ્ધ શરીરે અશક્ત હોય છે. જેમને આયુષ્યમાન કાર્ડ માટે ધક્કા ખાવા ન પડે તેવુ આયોજન સરકાર દ્વારા થાય તે ખુબજ જરૂરી છે. હમણા થોડા સમય પહેલાજ સર્વજન હિતાય – સર્વજન સુખાયના ઉદ્દેશ સાથે ભાજપના કાર્યકરો ઘેર ઘેર ફરી આયુષ્યમાન કાર્ડથી પ્રજા વંચિત ન રહે તે માટે અભિયાન ઉપાડ્યુ હતુ. જેમાં અનેક લોકોને આયુષ્યમાન કાર્ડનો લાભ મળ્યો હતો. સરકાર પાસે ૭૦ કે તેથી ઉપરના વર્ષના સિનિયર સિટીઝનની યાદી હોય છે. શરીરે અશક્ત આવા વૃધ્ધોને ઘેર બેઠાજ આયુષ્યમાન કાર્ડનો લાભ મળે તેવી વ્યવસ્થા જરૂરી છે. પરંતુ સરકારની સ્કીમો કે યોજનાઓ દેશના સરકારી બાબુઓ પાસે આવે છે ત્યારે આવી યોજનાઓને એટલી જટીલ બનાવી દે છેકે લાભ લેવામાં પ્રજા પરેશન થઈ જાય છે. અધિકારીઓ પોતાનુ મહત્વ બતાવવા બીન જરૂરી ડૉક્યુમેન્ટ મંગાવતા હોવાના કારણે આવી તબીબી સારવારમાં આશીર્વાદરૂપ યોજનાઓ માટે ખોટા ધક્કા ખાવા પડતા હોય છે અને ખરેખર જરૂરીયાતમંદ લોકો લાભથી વંચિત રહે છે. ૭૦ કે તેથી વધુ ઉંમરના લોકોને આયુષ્યમાન કાર્ડ પર સારવારનો લાભ મળશે કે નહી તેની અમુજણમાં છે. ખરેખર તો આધારકાર્ડના આધારથીજ યોજનાનો લાભ મળવો જોઈએ. હોસ્પિટલમાં આધારકાર્ડજ માન્ય રાખવુ જોઈએ. પરંતુ નવેસરથી અરજીઓ મંગાવવામાં આવશે અને તેમાં અટપટા ડૉક્યુમેન્ટ માગીને પ્રશ્નો પુછીને ધક્કા ખવડાવાશે. આયુષ્યમાન કાર્ડ મળે તો કોર્પોરેટ હોસ્પિલોમાં સારવારનો કેટલો લાભ મળશે તે પણ મુંજવતો મહાન પ્રશ્ન છે. કોર્પોરેટ હોસ્પિટલોના સંચાલકો સરકારની દરેક હેલ્થ સ્કીમનુ પોતાની રીતે મૂલ્યાંકન કરતા હોય છે. મોટી હોસ્પિટલો પોતાના નીતિ નિયમો મુજબજ ચાલતી હોય છે. એક તરફ સરકાર દ્વારા મોટી જાહેરાતો કરાય છેકે દરેક હોસ્પિટલોએ આયુષ્યમાન કાર્ડમાં દર્દીને દાખલ કરી સારવાર આપવી. પણ આયુષ્યમાન કાર્ડ યોજનાની પ્રથમ ટર્મમાંજ કેટલીક પ્રાઈવેટ હોસ્પિટલોએ કેટલાક રોગની સારવાર આપવામાં આનાકાની કરતા ભારે હોબાળો થયો હતો. આવી હોસ્પિટલો સામે સરકારે કોઈ કાર્યવાહી કરી નહોતી. કોર્પોરેટ હોસ્પિટલોએ જ્યારે કેટલાક રોગની સારવાર નહી કરીએ તેવુ જણાવ્યુ તેની સાથેજ સરકારે કડક પગલા લેવા જોઈતા હતા. તેના બદલે સામાન્ય ખુલાસો માગીને કોર્પોરેટ હોસ્પિટલોની મનમાની છાવરવામાં આવી. ૭૦ કે તેથી ઉપરના વર્ષના દર્દીઓને સન્માનપૂર્વક સારવાર મળે તે માટે મનમાની કરતી હોસ્પિટલો સામે કડક કાર્યવાહી શરૂ થશે ત્યારેજ આયુષ્યમાન કાર્ડનુ મહત્વ જળવાશે. આ યોજનામાં સરકાર દ્વારા ૨૦૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. જેની સાથે દરેકને યોગ્ય સવલત અને સારવાર મળે તે માટે પણ સરકારે મોટા ગજાની હોસ્પિટલો સામે વૉચ રાખવી પડશે. આયુષ્યમાન કાર્ડમાં સારવાર લેનાર દર્દી સાથે હોસ્પિટલ કેવુ વર્તન રાખે છે તેની પણ તપાસ થાય તે જરૂરી છે. કોઈપણ તકલીફ વગર આયુષ્યમાન કાર્ડ મળે અને કોર્પોરેટ હોસ્પિટલોમાં સારવાર મળે તોજ આ યોજના સફળ ગણાશે.